રોહન તેના પાંચ છ મિત્રો સાથે રાત્રે ૧૧.૩૦ એ ઘરની બહાર ઊભો ઊભો વાત કરી રહ્યો હતો. “યાર મારી હિંમત નથી થતી, એમ કેમ હું શિખાને પ્રપોઝ કરી દવ, એ મારી સારી ફ્રેન્ડ છે અને જો પ્રપોઝ કરીશ તો એ પણ ના રહી તો? માંડ માંડ મારા બંજર મનમાં શિખા નામની વસંતનું આગમન થયું છે, મારે પાછું પતઝડ નથી કરી દેવું.”
“અલ્યા રોહનયા તું આવો ને આવો સાવ બિકણ જ રહ્યો, બે યાર અમે શિખાની આંખમાં તારા માટે પ્રેમ જોયો છે યાર સમજ ને, જો કાલે વેલેન્ટાઇન ડે છે તારી પાસે મસ્ત મોકો છે તારા પ્રેમના વસંતના વધામણાં કાલે કરી લે બાકી પેલો અર્જુનયો લાઇનમાં ઊભો જ છે તારી શિખા જોડે વસંતની ધૂળેટી રમવા માટે.” રોહનના મિત્રો એને સમજાવાની કોશિશ કરે છે. આ બધી ચર્ચા અચાનક રોહનના દાદાજી સાંભળી જાય છે અને તે આ વાત સાંભળીને બહાર આવે છે.
“એય બધી વાનરસેના હાલો તો મારા રૂમમાં, શું તમારી ખિચડી પકવો છો જરાક કહો તો મને.”
“અરે કઈ નહીં દાદુ તમે આરામ કરો ને અમે બસ નિકળીએ જ છીએ.”
“નહીં, મે કીધું ને હાલો તો અંદર ને કહો મને શું આ રોહનયાને તમે બધા ઊલટી પટ્ટી પઢાવો છો.”
બધા દાદાજીના રૂમમાં જાય છે અને રાહુલ અને શિખા વિશેની બધી વાત દાદાને જણાવે છે.
“હવે તો સમય ખૂબ બદલાય ગયો ને, તમારા તો આ પ્રેમ કરવાના પણ દિવસો આવવા લાગ્યા, શું નામ કીધું તમે.. હા, વેલેન્ટાઇન ડે. વાહ ભાઈ સરસ જમાનો આવ્યો છે.” દાદાજી તેની યાદોમાં ખોવાયા.
રોહને દાદાજી ને પૂછ્યું, “દાદુ મને એવી વાત સાંભળવા મળી છે કે તમારા અને દાદીના લવ મેરજ થયેલા, શું સાચું છે? શું તમારા સમયમાં પણ એવું શક્ય હતું? એવું હતું તો તમે તમારા પ્રેમનો પ્રસ્તાવ કેમ કરતાં અને દાદીને કેમ મળતા? જરાક અમને બધાને કહો તો ખરા.”
“હા બેટા, તારી દાદી સાથે મારા પ્રેમ લગ્ન થયેલા અને પરિવારની મંજૂરી સાથે થયેલા. એ સમય જ અલગ હતો અમારો, અલગ જ આખી દુનિયા હતી. ત્યારે કાઇ આવું વેલેન્ટાઇન જેવુ ના હતું પણ બધા પ્રેમીઓ વસંતપંચમી ને દિવસે પોતાના પ્રેમનો પ્રસ્તાવ કરતાં. વસંત ઋતુ જ પ્રેમની ઋતુ છે, જેમ વૃક્ષ પર નવા ફળ અને ફૂલ આવે છે તેમ મનમાં પણ પ્રેમના એ પુષ્પો ખીલે છે, તમારા પ્રેમી તમને મળે એવા ફળ મનોમન ખીલે છે. હું પણ તારી જેમ જ હતો, ખૂબ ગભરાતો તારી દાદીને મારા મનની વાત કહેવા માટે, પછી મારા દાદાએ, આજે જેમ હું તને સમજાવું છું તેમ મને સમજાવ્યું, પ્રેમ જો સાચો છે અને તમારામાં નિભાવાની હિંમત છે, વસંતની જેમ ખિલવાની અને પતઝડની જેમ ખરવાની હિંમત છે તો પ્રેમ નો પ્રસ્તાવ બેજીજક કરો.” દાદાએ રોહન અને તેના મિત્રોને વાત કરી.
“પણ દાદુ, પ્રેમ અને વસંત બન્નેને કેમ આટલો ગાઢ સંબંધ છે? કવિઓ, લેખકો પણ પ્રેમ અને વસંતને આટલું મહત્વ આપે? શું તમે પણ તમારી વસંત માટે ક્યારેય કાઇ લખ્યું છે?” રોહનના એક મિત્રએ પૂછ્યું.
“મને ખબર જ હતી, તું સૌથી વધુ ઉત્સાહી છો આ બધા કરતાં અને તું જ મને પૂછીશ. વસંત એટલે નવા ઉત્સાહ અને ઉમંગની ઋતુ છે, ઠંડીનો જે પગપેસારો થયેલો તે ધીરે ધીરે જાય છે અને શીતળ પવન અને કુમળા તડકા સાથે દરેક વૃક્ષની ડાળીઓ પર નવી કૂંપળો ફૂટે છે, ખૂબ જ આહલાદક દ્રશ્ય અને અનુભવ થાય છે. પ્રેમ પણ આવો જ કાઈક છે ને, મે મારી વસંતને જ્યારે પહેલી વાર જોઈ ત્યારે મારા મનમાં પણ જે ઠંડી ઘર કરી ગયેલી એ ઘોડા વેગે દૂર થઈ અને તારી દાદીના પ્રેમનો કુમળો તડકો અને તેની સુંદરતાનો ઠંડો પવન મારા સુકાય ગયેલા મનના વૃક્ષ પર પાપા પગલી કરતાં કૂંપળો મૂકી ગયા. વસંત એક અનુભવ છે જેને ફક્ત ને ફક્ત માણી શકાય છે, તેને ક્યારેય મેળવવાની કોશિશ ના કરો, પ્રેમ પણ એજ અનુભવ છે, જેને મેળવવા કરતાં અનુભવવાની મજા જ કાઈક અલગ છે.”
“જો રોહન, તું જો સાચે શિખાને પ્રેમ કરે છે અને તારા મનમાં એના પ્રેમની કૂંપળો ફૂટી છે તો એનો અનુભવ કર, એને પણ તારા માટે એ વસંત જેવી લાગણી અનુભવાય છે તો તમારો પ્રેમ વસંતના દરેક ફૂલની જેમ ખીલી ઉઠશે અને તેની સોડમ તારા જીવનમાં બારેમાસ વસંત રાખશે.” દાદાએ પ્રેમ અને વસંતનો સાચો અર્થ રોહનને સમજાવ્યો.
“દાદુ, થેંક્યું સો મચ, મારી બધી મૂંઝવણ તમે દૂર કરી દીધી. હું હવે તમે કહ્યું એ રીતે અનુભવીશ અને શિખાને પ્રપોઝ કરીશ.” રોહને દાદાનો આભાર વ્યક્ત કર્યો. અને દાદા તેની વસંતની યાદોમાં ખીલી ઉઠયા.


















































