હિન્દુધર્મમાં તહેવારોની ઉજવણી પાછળ ખૂબ ઊંડી વૈજ્ઞાનિક સમજણ રહેલી છે. બારેમાસ ઉજવાતા તહેવારો પાછળ પ્રાચીન ઋષિ-મુનિઓની દીર્ઘદ્રષ્ટિ કાર્યરત છે. જે વ્યક્તિને શારીરિક સ્વાસ્થ્ય ઉપરાંત આધ્યાત્મિક ઉન્નતિ પણ પ્રદાન કરે છે. શ્રાવણ માસમાં ઉજવાતા સાતમ અને આઠમના તહેવારો પાછળ પણ આવી જ ઊંડી વૈજ્ઞાનિક સમજણ રહેલી છે જેમકે સાતમના દિવસે ઠંડુ ખાવાની માન્યતા છે, પરંતુ જો તેનું યોગ્ય સમજણ વગર કે ખોટું અર્થઘટન કરવામાં આવે તો ફાયદાને બદલે નુકસાન વધુ થવાની સંભાવના રહેલી છે. ઠંડાનો અર્થ વાસી ખોરાક એવો કદાપિ થતો નથી એ સમજવું અતિ આવશ્યક છે. કેમ કે ચોમાસાની રોગજન્ય ઋતુમાં વાસી ખોરાક ખાવો શરીર માટે નુકસાનકારક છે. ભગવદ્ ગીતામાં તો ત્યાં સુધી લખેલુ છે કે એક પ્રહર સુધી પડી રહેલું ભોજન પણ તામસી બને છે જેને ગ્રહણ ન કરવાની સલાહ અપાઈ છે. એટલા માટે જ સાતમના દિવસે ઠંડાના નામે વાસી ખોરાક ગ્રહણ કરવાથી અજીર્ણ, ગેસ વગેરે જેવા પેટના દર્દો ઉદભવે છે.
વાસ્તવમાં શ્રાવણ માસના અંતથી વાતાવરણમાં ઉકળાટ વધે છે અને ભાદરવો મહિનો તો અતિ ગરમીનો સમય છે. આવા ઉકળાટના દિવસોમાં ઠંડુ ખાવાનો અર્થ છે પ્રકૃતિ શીતળ હોય એવી વસ્તુઓ આરોગવી એટલે કે શીત પ્રકૃતિના ખોરાક જેવા કે દૂધ, ફળો વગેરે આરોગવા જેથી આ સિઝનમાં થતા પિત્તપ્રકોપથી બચી શકાય. વળી આપણું પાચનતંત્ર સૂર્યપ્રકાશ પર આધારિત છે અને વરસાદની સિઝનમાં સૂર્ય પ્રકાશની ગેરહાજરી પાચનતંત્રને મંદ કરે છે જેથી પણ ઓછું ખાવું, ઉપવાસ કરવા વગેરે આરોગ્ય પ્રાપ્તિ માટે આવશ્યક છે. ટૂંકમાં સાતમના દિવસે શરીરને ઠંડક પ્રદાન કરે તેવા ખોરાક ગ્રહણ કરી સાતમની વૈજ્ઞાનિક ઉજવણી કરવી જોઈએ. તે જ રીતે સાતમના બીજા દિવસે આઠમ કે જન્માષ્ટમીની ઉજવણી અન્વયે સંકળાયેલી અનેક બાબતો જેવી કે હિંડોળાદર્શન, પંજરીનો પ્રસાદ વગેરે વિશિષ્ટ સમજણ પ્રદાન કરે છે. જેમકે આનંદપૂર્વક પ્રભુના હિંડોળાની પ્રક્રિયા વ્યક્તિને યાદ કરાવે છે કે જીવનમાં હિંચકાનો આનંદ કેટલો આવશ્યક છે. વિજ્ઞાને સાબિત કર્યું છે કે જમ્યા પછી હિંડોળા પર ઝુલવાથી પાચનક્રિયા ઝડપી બને છે. બચપનથી હિંડોળાની આદત ઘૂંટણના દુખાવા થી મુક્તિ આપે છે. હીંચકાની તાલબદ્ધ ગતિ અનિદ્રા દૂર કરી ગાઢ નિદ્રા લાવે છે.
વળી પતિ પત્ની સાથે ઝૂલા ઝુલે તો જીવનમાં પણ મધુરતા આવે છે. કેમકે હીંચકાનો તાલ બંનેના મગજમાંથી નીકળતા તરંગોને એકરૂપ થવામાં મદદરૂપ થાય છે. એ જ રીતે કૃષ્ણ જન્મ પછી વહેંચાતો પ્રસાદ એટલે પંજરી ચોમાસાની ઋતુમાં શ્રેષ્ઠ ગણાય છે. તેમાં વપરાતી વરીયાળી, ધાણા, સુંઠ, જીરું અને સાકર અનેક રીતે ઉપયોગી છે. વરીયાળી પિત્તનાશક, જીરું વાયુનાશક, સુંઠ કફનાશક અને ધાણા તો ત્રિદોષનાશક છે વળી ખડીસાકર શરીરને ઊર્જા પૂરી પાડે છે. તો સાતમ આઠમના દિવસે જુગાર રમીને કે વાસી ખાઈને તહેવાર ઉજવવાને બદલે સાચી વૈજ્ઞાનિક સમજણ સાથે ઉજવવામાં આવે તો મને લાગે છે વધુ યોગ્ય પરિણામ આપી શકે. અહીં એક વાતનો ઉલ્લેખ કરવો જરૂરી લાગે છે કે શીતળાના રોગથી પીડાતા વ્યક્તિ માટે ઠંડો કે વાસી ખોરાક ઉપયોગી સાબિત થાય છે કારણ કે લોહીની બિનજરૂરી અતિ ગતિને રોકવા તેમજ રક્ત દબાણનું સમતોલન કરવા માટે તેલમાં રાંધેલી વાસી, ચીકણી પકવાનની વાનગીઓનું ભોજન ખૂબ જ હિતાવહ સિદ્ધ થાય છે. સાધારણ સંજોગોમાં જે શિથિલતા દૂષણ છે તે જ શીતળા પ્રકોપમાં વરદાન બની જાય છે. બીજી એક અગત્યના સંશોધનની પણ અહીં વાત કરી લઈએ, વૈજ્ઞાનિક શ્રી આર.એન.વર્માનું સંશોધન જણાવે છે કે શીતળા સાતમની ઉજવણી યથાર્થ સમજણ સાથે થાય તો વિટામીન B12 ની પ્રાપ્તિ માટે ખુબ ઉપયોગી સાબિત થઇ શકે.
આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન સમયે વિટામીન B12 ની ઉણપ સામાન્ય સમસ્યા બની ગઈ છે. તેમાંથી મુક્તિ મેળવવા ડોક્ટર વર્માજી જણાવે છે કે જો ઠંડો ખોરાક સાતમના દિવસે અમુક શરતો સાથે આરોગવામાં આવે જેમ કે ઠંડા કે વાસી ખોરાકની સાથે સંપૂર્ણ દિવસ ખાંડનો બિલકુલ ઉપયોગ ન થાય તેમજ બીજું કંઈ પણ ગરમ ખાવામાં ન આવે તો ઠંડા કે વાસી ખોરાકમાં જે બેક્ટેરિયા બને છે તે શરીરમાં વિટામીન B12 બનાવવામાં ઉપયોગી સાબિત થાય છે. પરંતુ જો આવા ઠંડા કે વાસી ખોરાક સાથે આયોડીનયુક્ત મીઠું વપરાય તેમજ સાતમ પછીના થોડા દિવસો સુધી પણ આવા આયોડીનયુક્ત મીઠા વાળા રાંધેલા ખોરાક આરોગવામાં આવે તો B12 માટે જરૂરી બેક્ટેરિયાનો નાશ થાય છે. ટૂંકમાં સાતમ તેમજ તે પછીના દિવસોમાં આયોડીનયુક્ત મીઠાનો ત્યાગ, સાતમના દિવસે ગરમ ખોરાકનો ત્યાગ તેમજ ખાંડના બિલકુલ ઉપયોગ વગરનો વાસી ખોરાક ગ્રહણ કરવામાં આવે તો જ B12 નો ફાયદો મેળવી શકાય. નિર્ણય વાચકો પર છોડું છું કે જો તેઓને B12 નો ફાયદો લેવો હોય તો ઉપરની શરતોના યથાર્થ પાલન દ્વારા વાસી ખોરાક ગ્રહણ કરવો અન્યથા ઠંડો એટલે વાસી નહીં પરંતુ પ્રકૃતિમાં શીતળ ખોરાક આરોગી સાતમની વૈજ્ઞાનિક by ઉજવણી કરવી જેથી માત્ર લાભ મેળવી શકાય અને ગેરલાભથી બચી શકાય.