મા આદ્યશક્તિના ઘણા સ્વરૂપો અને અવતારો આ પૃથ્વી પર થઈ ગયા. તમામ સ્વરૂપે મા પોતાના ભક્તોનું કલ્યાણ કરે છે.આવો, આજે આવા જ એક સ્વરૂપ વિશે જાણીએ.
મેલડી માતા, જેને બહુ ઓછા લોકો એવા હશે જે જાણતા ન હોય. મુખ્યત્વે જગતજનની પાર્વતી માતાના ઘણા સ્વરૂપો છે, જે પૈકી માતા મેલડીનો જન્મ નવદુર્ગાની તમામ શક્તિઓના અંશના સંયોજનમાંથી થયો હતો. અમરૈયા નામના દૈત્યને મારવો જ્યારે નવદુર્ગા માટે અશક્ય બની ગયું ત્યારે એક છોકરી તરીકે અસુરોને મારવા માટે ત્યારબાદ માતા મેલડીનો જન્મ થયો. યુદ્ધ દરમિયાન અમરૈયા દૈત્ય નદીકિનારે બેસેલી એક ગાયમાં ઘૂસી ગયો. નવદુર્ગાઓ કોઈ હિસાબે ગાયને મારી શકે તેમ ન હતા તેથી દેવીઓએ પોતાના શરીરના મેલમાંથી એક પૂતળી બનાવીને તેમાં પ્રાણ પૂર્યા. ત્યાર પછી માતાજીએ અસુરને મારીને તેમનું કાર્ય પૂર્ણ કર્યું અને નવદુર્ગા પાસે પરત ગયા ત્યારે બધી દેવીઓએ તેમને છળ કર્યુ અને પોતાનામાં સમાવવાની ના પાડી કારણ કે ગાયના શરીરમાં પ્રવેશવાને લીધે એ દેવી મેલી અને અપવિત્ર થઈ ચૂકી હતી. તેમણે બધી દેવીઓને વિનંતી કરતા કહ્યું કે મારું નામ શું છે અને મારે હવે આગળ શું કરવાનું છે, પરંતુ તે પછી તે બધી દેવીઓએ તેને દગો આપ્યો અને કહ્યું કે હવે અમને તમારી જરૂર નથી,. આથી નિરાશ થયેલી નનામી દેવીએ વિચાર્યું કે હવે મહાદેવ સિવાય કોઈ તેમને ન્યાય નહીં કરે. પછી તે નનામી દેવીએ બધી બાબતો શિવજીને કહી. શિવજીએ કહ્યું કે તમે અસુર સાથેની લડાઇમાં એકલા હાથએ લડત આપી હતી, તેથી આજથી તમારું નામ મેલડી હશે. ત્યારબાદ શિવજીએ વરદાન આપ્યું કે તમે જ્યાં રહેશો ત્યાં કોઈ પણ દેવી નજીક નહી ઊભી રહી શકે.
મેલડી માતાજીની સાધના ખૂબ શક્તિશાળી છે અને તેમની શક્તિ સામે જક્ષણી, યક્ષિણી ડાકણ, શાકણ, ભૈરવ, વીર, અધોરી, કલવા, વેતાલ, ચુડેલ, જીન જેવી કોઈ નકારાત્મક કે તાકાતવર શક્તિ ઊભી રહી શકતી નથી. પીર, ચોસઠ જોગણી, બાવન વીર, સાત્વિક, રાજસિક, તામસિક, સ્મશાનિક શક્તિઓ તેમની પાસે રહેલી છે, માતાજીના પ્રભાવ આગળ કોઈ ટકી શકતું નથી. કહેવાય છે કે જ્યારે મેલડી માતાજી ઉજ્જૈનથી કામરૂદેશ જઇ રહ્યા હતા, ત્યારે પાંચ પ્રકારનાં મહાકપાલિક સ્મશાન વચમાં આવ્યા, જ્યાં તેમને રોકવા ત્યાંની બારસો શક્તિશાળી બલા, શાકણો અને તમામ ભૂતાવળ તેમને રોકવા આવ્યા હતા પરંતુ મહાદેવના વરદાન સ્વરૂપ ત્યાં કોઈ શક્તિઓ તેમને રોકી શકતી નથી. કહેવાય છે કે એ સમયે મેલડીએ તેમના હાથમાં રહેલી બોટલમાં એ તમામ જિન્નાત અને નકારાત્મક શક્તિઓને કેદ કરી લીધી. મેલડી ફક્ત ફક્ત તેના પિતા મહાદેવનું જ સાંભળે છે. કળિયુગમાં તેમના જેવી કોઈ શક્તિ નથી. માતા ખૂબ દયાળુ છે. જો તેણીને કોઈ સાચા હૃદયથી પ્રાર્થના કરે છે, તે રંકને રાજા કરે છે અને એક ક્ષણમાં રાજાને રંક બનાવે છે. મેલડીની સાધનામાં ચોક્કસ અનુશાસનમાં રહેવું પડે છે. તેની સાધનાના ખૂબ જ મુશ્કેલ નિયમો છે. જો તમે તેમને કોઈ કાર્ય કરવા માટે સિદ્ધ કરો છો અને જો તેઓને નૈવેદ્ય આપવાનું ભૂલી જાઓ છો, તો તેઓ ઈકોતેર કુળ સુધી કરવાઠું માંગે છે. તેઓ કોઈને છોડતા નથી. તેઓ દસમહાવિદ્યા કરતા પણ ચડિયાતી ગણાય છે. મેલડીના ભક્ત પર કાંઈ જાદુ, મંત્ર, તંત્ર, જાદુગરી, ટોટકા કે મેલી વિદ્યા અસર કરતા નથી,
માતાની આધ્યાત્મિક સાધના અને ભક્તિ વધુ સારા ફળ આપે છે અને તમારા શબ્દો પર કામ કરે છે. જો ગલત ઉદ્દેશથી મેલડીનું આહ્વાન કરવામાં આવે તો તેઓ ક્રોધિત પણ થાય છે. મેલડી પોતાના ભક્તની આકરી કસોટી કરે છે પણ એક અગરબત્તીથી જ ક્ષણભરમાં અસાધ્ય રોગને દૂર કરે છે. ગુજરાતમાં ચોરે ચૌટે માતાજીની દેરીઓ હોય છે અને તેમની પૂજા થાય છે. મેલડીના જાણકારો પાસેથી મળેલ માહિતી મુજબ મેલડીના બે પ્રકાર હોય છે – એક, ઉગતાની મેલડી (જેને ચોખ્ખી મેલડી કહે છે) અને બીજી મસાણી (મેલી મેલડી) કહે છે. ઉગતાની મેલડી નૈવેદ્ય તરીકે તેલની સુખડી અને ટોપરું લે છે જ્યારે મસાણી મેલડી માંસ, મદિરા અને તમામ તામસી ભક્ષ્યનો ભોગ કરે છે.
મા મેલડીની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો મન, વચન, કાયાથી માફી માંગુ છું. મા મેલડી સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના….
– આદિત શાહ


















































