સ્વર્ગમાં મોરની ડોક જેવી પાતળી કમરવાળી અપ્સરા સોનાના હિંડોળે બેસી જેમ હિલોળા લેતી હીંચકા ખાતી હોય એવી જ લયમાં હાલતો કંદોઈનો હાથ જાણે હેમનું વરખ ઉતારી રહ્યો હોય એમ ફાફડા પડતા હોય, મત્સ્યકન્યા જેમ પ્રભાતનાં પહેલા પહોરમાં જળસપાટી પર વિહરી રહી હોય એમ મરી નાખેલા ફાફડા સીંગતેલમાં તેલવિહાર કરી રહ્યા હોય.
ચણાના લોટની મીઠી સોડમ કસ્તુરી મૃગને પણ ઈર્ષ્યા કરાવે એમ પ્રસરી તમામ લોકોની નાસિકાને પ્રફુલ્લિત કરી રહી હોય. કુંવારીકાની આંગળીઓ જેવો સુંવાળો કાચા પપૈયા, કાચી કેરી, કુણી કાકડી તેમજ ગાજર, બીટ નો સંભારો ખૂણેથી ડોકા દેતો હોય. કોઈ યોધ્ધાની કરડાયેલી તલવાર જેવા ત્રાંસા અને રણમાં ચમકતા ભાલાના મથાળા જેમ ચમકતા તળાયેલા મરચા પણ ખુદની હાજરીની ચાડી ખાતા હોય. આકાશમાંથી વહેતી આકાશગંગાનાં હિંગોળક પ્રવાહી જેવી કઢી એક વાર તો બાસુંદીને પણ શરમ આવે એમ જળહળી રહી હોય..
આ બધું જોયા અને સમેટ્યા પછી ગુલાબના ગોટા જેવી ડુંગળીના પડળ પર માદક મીઠું ભભરાવીને એક કાઠિયાવાડી આ ફાફડાનો ટુકડો મોં માં મૂકે એટલે એને એવો આનંદ આવે કે જો એ બાર ગાવ નો ધણી હોય તો કંદોઈ ને આખું રાજ લખી આપે.