વિદાય શબ્દ જ કેવો ભારે છે. શબ્દ સાંભળતા જ મનમાં બેચેની થઈ જાય. એ વિદાય વીર જવાનોની કે સ્વજનની અંતિમ વિદાય હોય કે પછી દીકરીને સાસરે જવા અપાતી વિદાય હોય.
હું એ જ વાત કરું છું જે બધા જ જાણે છે પરંતુ છતાં લખું છું. દીકરી જન્મે ત્યારથી જ દરેક સમજતાં જ હોય કે આ દીકરી આપણે બીજા પરિવારને આપવાની છે છતાં કેટલાં લાડથી ઉછેરીએ. એના દરેક સપના પૂરાં કરવાની કોશિશ કરીએ. ભણાવી સંસ્કારનું સિંચન કરી , પરિવારનું ખૂબ સરસ રીતે પાલન કરી શકે એ કાબેલ બનાવીએ. અને એ દીકરીને પૂરા કરિયાવર સાથે સાસરે વળાવીએ.
જે ઘર એનું જ થવાનું છે એ જાણવા છતાં દીકરીને કોઈ વસ્તુ માટે થોડો સમય કોઈ માંગણી ન કરવી પડે એ સાવચેતી સાથે દીકરીને વિદાય આપી એ.
હવે વિચારો..! જો આપણે કોઇ વસ્તુ કોઈ વ્યક્તિને આપતાં પહેલાં વિચારીએ કે મારી વસ્તુ સરખી સાચવશે કે કેમ ..? તો આ તો દીકરી કે જે ઘરનું ધબકતું હૃદય જે બીજાને સોંપવાનું. આપણા ઘરની દીવડી બીજાનાં ઘરને પ્રકાશિત કરવા આપવાની, આપણાં બગીચાનું સુંદર ફૂલ બીજાનું આંગણું સુવાસિત કરવા ઉછેરવાનું, અને એ પણ સમાજની કેવી શરત સાથે કે અંતિમ ચુંદડી પણ મૈયરની જ હશે..!
વિદાય વખતે ગવાતું ગીત, “કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગયો.. ” આ શબ્દો પૂરેપૂરા ત્યારે જ મહેસુસ થાય જ્યારે એ પરિસ્થિતિ આવે. આ એક જ પ્રસંગ એવો છે કે ગમે તેવો મજબૂત મનોબળ ધરાવતો પુરુષ એક પિતા તરીકે દીકરીનો હાથ જમાઈને સોંપે ત્યાં જ રડી પડે છે.
અનેક લાડ લડાવેલી દીકરીને અનેક અરમાનો સાથે માતા-પિતાએ કરેલ કન્યાદાન શ્રેષ્ઠ દાનમાં આલેખાય છે. આવા સમાજના શ્રેષ્ઠ દાતાઓને કોટિ કોટિ સલામ.
Related