આ દુનિયામાંથી પ્રેમ જો નીકળી જાય તો તેના પાયા હચમચી જાય ને પૂરી દુનિયા નષ્ટ થઈ જાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી.વિજ્ઞાન થકી અનેક શોધો પછી માનવજાત અંતર્મુખી થઇ હોય એવું લાગ્યા કરે છે.પોતાનો સ્વાર્થ સૌથી ઉપર ગણતી હોય એવી આ જાત લાગે ખરા. વિશ્વમાં બનતી ઘણી ઘટનાઓ એવું સાબિત કરે છે જાણે આ માણસ માટે જ આખી સૃષ્ટિ હોય અને એના સિવાયના તમામ જીવો તુચ્છ હોય. આજે ઇન્ટરનેટ થકી પૂરી દુનિયા માણસના ખિસ્સામાં રહેલા મોબાઇલમાં આવી ગઈ છે છતાં ન સમજી શકાય એવી જગ્યા સંબંધોમાં પણ કળાય છે.
સળવળાટ , ઉમંગ અને જોશ આ માનવ કદાચ ગુમાવી મશીન સાથે કામ કરતાં મશીન બની રહ્યો છે. નિયમિત સડકો વચ્ચેની રોજની જોખમી દોડ કોઈ બ્રેક વગર દોડી રહ્યો છે.પોતાની જાતને ખુદમાં સંકેલી આજુબાજુની હિલચાલથી પર થઈ રહ્યો છે. કશુંક આ માનવમાં ખૂટતું નજરે પડે છે ત્યાં જ કોઈ કૂતરાને નિયમિત રોટલાં નાખતાં, ગરીબ ભૂખ્યા જનોનો જઠરાગ્નિ ઠારતાં, પક્ષીઓને ચણ નાખતાં, કીડીયારું પૂરતા, રાહદારીઓને પાણી પાતાં, સેવા કાજે ભેખ ધરતાં ને સૌથી મોટી વાત હજીયે કોઈ બીજા માટે થોડું તો થોડું જીવતાં માણસો મળે છે.
ને હજી આ દુનિયા સુંદર છે કારણ અડાબીડ અંધકાર વચ્ચે પણ ક્યાંક કેટલાંક દિવડાં હજી જગે છે. આ પથ્થર થતાં શહેર વચ્ચે એકાદ ઝરણું વહે છે ને લીલુંછમ શમણું આપતું રહે છે.માણસ માણસ વચ્ચે થોડીઘણી તો થોડીઘણી ભીનાશ આ જ તો પ્રેમની પરિભાષા છે.
મારું મારું તો કરતો ભલે આ માણસ….
પણ હજી પ્રેમભર્યો છે સારસ માણસ….


















































