મારાં શેઠ ખાનગીમાં તેને પાગલ કહેતાં . અમારી ચાની લારીથી થોડે દૂર તેમનો બંગલો હતો જેને એ વર્કશોપ કહેતાં ! મારી જેમ એમનું પણ કોઈ ન હતું , ફર્ક ફક્ત એટલો જ કે તેઓ બંગલામાં રહેતાં જયારે હું એક ઓરડીમાં !
તેઓ આખો દિવસ હથોડી , ટાંકણા તથા પથ્થર સાથે મશગુલ જાતજાતની મૂર્તિ તથા શિલ્પો બનાવતાં . તેઓનું જમવાનું થોડે દૂરની હોટલથી આવતુ જયારે ચા લઈને હું જતો .ક્યારેક તેઓ મારાં શેઠને ચાના પૈસા આપવા આવતાં ત્યારે મારાં શેઠ તેને હસીને સલામ ભરતાં ને ” પધારો માસ્ટરજી ” એવું સંબોધન કરતાં !
હું તેને ચા આપવાં દિવસમાં વારંવાર જતો ….કારણ તેને સતત ચાનું વ્યસન હતું ! તે કદી મારી સાથે વાત કરતાં નહીં . હું તેમનું કાર્ય શાંતિથી નિરખતો ! રાતે પણ મને તેમની રચેલી મૂર્તિ તથા શિલ્પોના સપના આવતાં ! મને પણ તેમના જેવી મૂર્તિ બનાવવાની ઈચ્છા થતી ! હું રાતના દીવાના અજવાળામાં મારાં નાનકડા હાથો વડે માટીના લૉંદામાંથી ઘાટ ઘડવાની કોશિશ કરતો !
ધીમે ધીમે મારો હાથ બેસી ગયો ! તેઓએ ફેંકેલા કચરામાંથી એક કટાયેલું ટાંકણું મને મળી ગયું જે દિવસો સુધી ઘસીને મેં તેજ બનાવ્યું ! હથોડીને બદલે મેં પથ્થરનો ઉપયોગ કર્યો ! વરસો પહેલાં મારાં શેઠે ચાની કીટલી તથા પ્યાલા સાથે
મારો ફોટૉ પાડેલો ! મેં તે ફૉટા જેવું એટલે કે મારુંજ શિલ્પ બનાવ્યું ! શિલ્પ અસલ બન્યું હતું , હું રોજ એને જોતો ને હરખાતો !
એક દિવસ મેં ડરતાં – ડરતાં મારું શિલ્પ માસ્ટરજીને દેખાડ્યું . માસ્ટરજી થોડીવાર તો શિલ્પ અને મને જોતાં રહ્યાં ! તેમને નવાઈ લાગતી હતી ! તેમણે મને પૂછ્યું પણ ખરું કે , ” કોઈના બંગલામાંથી ચોરી લાવ્યો કે શું ?” મેં તેઓને કહ્યું કે મેં જાતે જ બનાવ્યું …પરંતુ તે માનતા ન હતાં ! મેં બાજુમાં પડેલાં ટાંકણા-હથોડીથી થોડું કોતરકામ કરી દેખાડ્યું ,’ તેઓ આભા બની ગયાં !પણ થોડીવારમાં જ તેઓના ચહેરાનો રંગ ફરી ગયો ! તેમણે કહ્યું ,
” તું હજું શિખાઉ છે …..પથ્થર પર ઘાટ આમ ઘડાઈ !” એમ કહી એણે મારાં બનાવેલાં શિલ્પ પર ટાંકણા અને હથોડી વડે જોરથી બે-ચાર પ્રહાર કર્યા ! શિલ્પ તૂટી ગયું ! મને રડવું આવતું હતું ! તેમણે નિર્દયતાથી કહ્યું ,
” તારો ચાનો ધંધો સારો છે … પથ્થરો તોડવાથી પેટ ભરાતું નથી !
મને તેમના પર ઘૃણા થઈ આવી ! થોડાં દિવસ તેમનો ચાનો ઓર્ડર આવ્યો નહીં .
એક દિવસ તેમણે વર્કશોપે ચા મંગાવી . બે-ચાર લાંબા સફેદ કુર્તાવાળાં સાહેબો બેઠાં હતાં . વચ્ચે એક શિલ્પ હતું ,’ ચાની કીટલીવાળા બાળકનું ! મોટાં કદનું પણ અસલ મેં બનાવ્યું હતું એવું જ !
પેલાં લોકો શિલ્પના વખાણ કરતાં હતાં !
“વાહ માસ્ટરજી ! અમારી એનજીઓ ઓફિસ માટે અમારે આ જ ટાઈપના શિલ્પની જરૂર હતી …. આ શિલ્પની દસહજાર તો શું ? દસલાખ કિંમત પણ કમ કહેવાય ! ધન્ય છે આપની કલા ને ! “
Related