રામપુર ગામમાં ત્રણ વર્ષથી સરખો વરસાદ નહોતો પડ્યો. જમીનમાં બધે તિરાડો ફેલાયેલી હતી, જાણે ધરતી આકાશથી દયાની ભીખ માંગતી હોય. એક સમયના લીલાછમ ખેતરો, હવે નિસ્તેજ હતા. કુવાઓ સુકાઈ ગયા હતા અને આશા મગફળી જેટલી સંકોચાઈ ગઈ હતી: વરસાદની તૃષ્ણાત દુનિયામાં સૂકી અને બરડ.
૩૯ વર્ષીય સ્કૂલની શિક્ષિકા કાશી, આ શુષ્ક દિવસોમાં પણ અતૂટ શ્રદ્ધા ધરાવતી હતી. તેના અવાજમાં શક્તિ અને આંખોમાં હંમેશા ગૌરવ હતું. તે પંદર વર્ષથી ગામડાની શાળામાં ભણાવતી હતી. તેનો પતિ, હરિરામ, જે એક સમયે કુશળ સુથાર હતો, હવે ગામમાં રખડી ખાતો, પોતાની જાત સાથે ગણગણાટ કરતો, બીજાઓ સાથે અસંગત રીતે બોલતો અને મોટાભાગે ઘરે બેસીને જમીનને જોયા કરતો.
ચાર વર્ષ પહેલાં, તેના એકમાત્ર પુત્ર રામુને સર્પદંશથી ગુમાવ્યા પછી, હરિરામનું જીવન પડી ભાંગ્યું. દુઃખની વાત છે કે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરની ગેરહાજરીને કારણે, રામુને સમયસર સારવાર ન મળી. ત્યાર પછી હરિરામનું માનસિક સંતુલન ડગમગી ગયું. હવે એ ગુસ્સાથી મૌન તરફ અને ચિંતાથી ભુલવાની દશા તરફ ધીમે ધીમે ખસતો ગયો. તેણે કામ કરવાનું છોડી દીધું, પૂરતું જમતો પણ નહોતો અને પુત્ર રામુને શોધવા જંગલમાં નીકળી જતો. પોતાના દુ:ખને અવગણીને, કાશી એક આધારસ્તંભની જેમ ઊભી હતી, સ્કૂલના પગાર અને હિંમતથી પરિવારને ટેકો આપતી.
એક અષાઢની સાંજે, આકાશે ઘનઘોર ઘટા છવાઈ. મહિનાઓ સુધી તડકાથી તપતા દિવસો પછી, શોકગ્રસ્ત હૃદયની જેમ વાદળો ફૂટ્યા. ગામમાં ગર્જના થઈ અને પહેલા ક્યારેય ન પડ્યો હોય, તેવો વરસાદ વરસ્યો. આનંદ અને વરસાદથી ભીંજાયેલી કાશી, પિત્તળના હાંડા લઈને આંસુઓ વચ્ચે હસતી પાણી ભરવા બહારે દોડી. પણ જ્યારે તે અંદર પાછી આવી, ત્યારે હરિરામ ક્યાંય દેખાતો નહોતો.
પહેલા, કાશીએ ધાર્યું કે હરિરામ પાછળના આંગણામાં હશે, પણ તે ત્યાં નહોતો. કાશીએ વિચાર્યું, “હંમેશની જેમ ગામમાં ભટકવા નીકળી ગયો હશે, રાત્રિભોજન સુધી ઘરે આવી જશે.” કલાકો વીતી ગયા. રાત આવી, પણ હરિરામ ન આવ્યો.
કાશી તેના પતિના સ્વાસ્થ્યથી વાકેફ હતી અને અંધારામાં પસાર થતા કલાકો સાથે તેની ચિંતા તીવ્ર થતી ગઈ. તેણે આસપાસ પૂછપરછ કરી કે કોઈએ હરિરામને જોયો હોય તો – પણ ના. કાશીએ વૃદ્ધ સ્ત્રીઓને ગપસપ કરતા સાંભળી, “હરિરામ એમે ગાંડો હતો, જાન છૂટી ચાલ્યો ગયો!”
કેટલાક પુરુષોએ કહ્યું, “તું તેની સાથે બહુ કડક હતી, કાશી.”
અમુક લોકોએ વધુ ખરાબ ટિપ્પણી કરી, “કાશી, શું તું તેને મારતી હતી? શું તું હરિરામને ભૂખ્યો રાખતી હતી?”
ચોમાસું, જે એક સમયે આશીર્વાદ સમાન લાગતું હતું, તે હવે કાશી માટે શાપ બની ગયું. રસ્તાઓ કાદવવાળા ખાબચડાથી ભરાઈ ગયા. વર્ષોથી સૂકી રહેલી નદી અચાનક ગર્જના કરવા લાગી. હરિરામની શોધ ટીમોમાં વિલંબ થયો અને કૂતરાઓ પણ તેને શોધી ન શક્યા. ગામલોકોમાં ડર ફેલાણો: “શું હરિરામ ફરી તેના મરેલા દીકરાને શોધવા જંગલમાં ભટકતો હશે? શું તે નદીમાં ડૂબી ગયો હશે?”
એક અઠવાડિયું વીતી ગયું. હરિરામ ક્યાંય દેખાતો નહોતો. કાશી ઘરે ઘરે ફરતી, બધાને પૂછતી રહેતી કે કોઈએ તેના પતિને જોયો હોય તો.
હરિરામના ગાયબ થવાથી કાશીના જીવનમાં ઘનઘોર ઘટા છવાઈ ગઈ. “તું ક્યાં છે, હરિ?” ભલે હવે હરિરામ એક રીતે અચેતન બની ગયો હતો, પણ હતો તો કાશીનો પતિ, પરિવારનો સભ્ય. કાશી તેની ચિંતા કેમ ન કરે? જીવન સંઘર્ષ ભર્યું હતું, પણ ઘરમાં હરિરામની મૌન હાજરી કાશીને હિંમત આપતી હતી.
કાશી નદીના કાંઠે ઊભી હતી, તે સાવ મૂંઝાઈ ગઈ હતી, સમજમાં જ નહોતું આવતું કે હરિરામને ક્યાં શોધે. એજ સમયે એક દૂધિયો છોકરો દોડીને તેની પાસે આવ્યો, “બાઈ! એક વૃદ્ધ માણસ, ગાંડા જેવો કોઇ જૂના નાળિયા નીચે પડ્યો છે! ઘાયલ લાગે છે!”
કાશીનું હૃદય મોંમાં આવી ગયું, અને તે તાબડતોબ ત્યાં પહોંચી. વાંકાળાં પુલની નીચે, એક બચ્ચાની જેમ સટસટ વળાઈને હરિરામ પડ્યો હતો: ભીનો, ધ્રૂજતો, અર્ધબેહોશીની હાલતમાં. એના હાથ ખરચાયેલા, પગો સુજાયેલા અને આંખો ખાલી લાગતી હતી.
“હરિ, હરિ!” પતિનું માથું ખોળામાં લઈને તે રડી પડી.
હરિરામે આંખ ખોલીને હળવેથી પૂછ્યું. “શું… રામુ સુરક્ષિત છે? સર્પદંશ ખરાબ હતો, નહીં? મેં તેને રડતો સાંભળ્યો.”
કાશીને બધું સમજાયું: વીજળીના ગડગડાટથી હરિરામ મૂંઝાઈ ગયો હતો, યાદો તેના મનમાં વેલાની જેમ ગુંચવાઈ ગઈ હતી. તે કોઈ ભ્રમનો પીછો કરતો હતો, વિચારતો હતો કે તેનો દીકરો મદદ માટે બોલાવી રહ્યો છે.
દિવસો વીતતા ગયા અને હરિરામના રુઝની સફર ધીમી ગતિએ આગળ વધી. કાશીએ શાળામાંથી રજા લીધી. પતિની દેખરેખ તકલીફદાયક અને આભાર વગરનું કામ હતું. પરંતુ કાશીએ તે ધીરજપૂર્વક અને પ્રેમથી કર્યું. હરિરામને ફરીથી નામ યાદ આવવા લાગ્યા. ક્યારેક તે સ્મિત પણ કરતો.
ગામવાસીઓના વલણમાં પણ પરિવર્તન આવ્યું. જે સ્ત્રીઓ ગપસપ કરતી હતી તે જ સ્ત્રીઓ હવે હરિરામ માટે જમવાનું મોકલવા લાગી. પુરુષો કાશીને માન આપવા લાગ્યા.
એક દિવસ, જ્યારે છત પર જોરદાર વરસાદ પડી રહ્યો હતો, ત્યારે હરિરામે કાશી તરફ જોયું, “તું મારી ખૂબ કાળજી રાખે છે, તું મને મારી પત્ની કાશીની યાદ અપાવે છે.”
કાશીના ચહેરા પર સ્મિત અને આંસુ એકસાથે છલકાઈ આવ્યા. શું હરિરામની આ વાતથી તેને ખુશ થવું જોઈએ કે દુઃખી? ભગવાનનો આભાર, કમસેકમ તેને એનું નામ તો યાદ આવ્યું!
એક સાંજે, કાળા વાદળો હળવે હળવે વહેવા લાગ્યા અને ગામનું આકાશ સાંજના અજવાળે કેસરિયું થઈ ગયું. હરિરામ ઝૂલા પર બેઠો, હજુ પણ ખોવાયેલો લાગતો હતો પણ હસતો હતો. કાશી ખુશ હતી કે હવે તેનો પતિ ઘેર પાછો આવી ગયો હતો.
ક્યારેક, ઉગ્ર તોફાન આકાશમાંથી નથી આવતું… તે તો અંદર ઉઠે છે…અને જ્યારે તે પસાર થઈ જાય, ત્યારે તમે માત્ર બચતા નથી… તમે રૂપાંતરિત થાઓ છો!
~ લેખિકા: શમીમ મર્ચન્ટ


















































