આજે મિત્રોની વાત થશે, એ નિમિત્તે મૈત્રીની વાત થશે.
બાળપણના મિત્રો યાદ આવશે. વીતેલા દિવસો યાદ આવશે. કરેલા મસ્તી તોફાન યાદ આવશે. એમાંથી કેટલાક સાથે હજીય મૈત્રી હશે. કેટલાક ભૂલાયા પણ હશે. કિશોરવયના મિત્રો સાથે વીતાવેલા સમયમાં કેટલાંક રહસ્યો પણ હશે. યુવાનીના દોસ્તોની મજા થોડી naughty પણ હશે.પ્રૌઢવયે તંદુરસ્ત હરિફાઇ , ખેલદિલી અને પ્રાપ્તિની ઉજવણી પણ હોય. વધતી વયે તન મનની મુંઝવણની વાત અને ફરી મુલાકાતની આશા સાથે “આવજે “ કહેવાય.
મૈત્રીની વાતોમાં જો ઉપયોગી થવાની વાત આવે તો વપરાયાની લાગણી પણ ઉભરાય. વિશ્વાસ સાથે જ વિશ્વાસઘાત પણ ચર્ચાય.
મૈત્રીની વાતોમાં ગુલાબી ને ગુલાલી વાતો આવે તેમ ક્યારેક રંગ ધુમ્મસમાં ખોવાઇ ગયાનો ભાવ પણ હોય. ક્યાંક એ સંજોગવશ હોય તો ક્યાંક સ્વાર્થવશ.
મુશ્કેલીમાં જ કામ આવે એ મિત્ર , ઢાલ બનીને ઊભો રહે એ જ મિત્ર , બલિદાન આપીનેય સાચવી લે એ જ મિત્ર એવી બધી અપેક્ષાઓમાં સ્વાર્થનો અંશ છે. એના ત્યાગને ભોગે આપણું કામ થઇ ગયાનો સંતોષ છે. મૈત્રીમાં જવાબદારી કે અધિકાર જેવું કૈં નથી હોતું. “ તું “ કહી શકનારા મિત્ર જ નીકટના અને “ તમે “ વાળા દૂરના એવું “ અંતરનું માપ “ મૈત્રીમાં ન હોય.
આજે “ શેરી મિત્રો “ ને “ તાલીમિત્રો “ની વ્યાખ્યામાં કેટલાક વ્હેંચાશે. “ જેમાં સુખદુખ બાંટીએ “ એવા “ લાખોમાં એક “ નવું નામ પણ શોધાશે ને બે ત્રણ નામ આમથી તેમ જશે.
મિત્ર વિષેની આ બધી જ અપેક્ષાનાં કેન્દ્રમાં આપણે છીએ ને એ અપેક્ષા પૂરી ન કરે કે ન કરી શકે એને મિત્ર ન ગણવા સુધીની ગણત્રીબાજ માનસિકતા એમાં ગંધાય છે. મિત્ર એકધાર્યા સતત આપણે માટે ઘસાવું જોઇએ એવું જરુરી છે ? ભવિષ્યમાં કામ લાગશે એવી ગણત્રીથી મિત્રતા ન કેળવાય. જી હા , મૈત્રી બંધાય નહીં , કેળવાય. એ રાતોરાત ન કેળવાય , સમય સંજોગ એને કેળવે.
જેની સાથે મજાનો સમય વીતે , જેની પ્રગટ કે પરોક્ષ હાજરી સધિયારો આપે , જેનું સ્મરણ પણ સંગાથની પ્રસન્નતાની એકાદ ક્ષણના અપાવે એ મૈત્રીની ઉપલબ્ધિ.
આપણી ઉપલબ્ધિ વિષે જાણીને મનમાં રાજી થાય પણ એ બાબતે એને ખાસ કૈં રસ ન હોય. આપણી નિષ્ફળતાથી એને કોઇ ફેર ન પડે.
પાસે હોઇએ કે ન હોઇએ , આનંદ અને આંસુમાં આપણે સાથે છીએ એવું બંનેને લાગે , બસ.
આનું નામ મૈત્રી.
તો મૈત્રીની માપપટ્ટી મુકી ને એ સહુને યાદ કરો જેમણે જીવનમાં એકાદ ક્ષણ પ્રસન્નતાનો અનુભવ કરાવ્યો હોય.
મિત્રો અને મૈત્રીને યાદ કરવાનું ઉત્તમ સ્થળ હીંચકો અને એનો શ્રેષ્ઠ સ્વાદ કોફી.

– તુષાર શુક્લ.
Related