આજે વાત બીજા સંબંધની કરવી હતી , પણ આજનો દિન મહિમા જાણ્યો એટલે વડિલોને ખાસ યાદ કર્યા. આમ પણ આ દિવંગત વડિલોને શ્રાદ્ધના દિવસો છે. અને જીવંત વડિલો પર શ્રદ્ધા મુકવાના દિવસો છે.
આપણા જીવનમાં દાદા દાદી ને નાના નાની એ ચાર વડિલ. દાદા દાદી એટલે પપ્પાના પપ્પા મમ્મી ને નાના નાની એટલે મમ્મીના પપ્પા મમ્મી. આમ તો બંને સરખા જ પૂજનીય પણ આપણે ત્યાં વરનો વટ કન્યા કરતા વધુ મનાયો છે, પરિણામે પિયરપક્ષનાં બધાં સંબંધો કરતાં સાસરી પક્ષનાં સંબંધોનું વજન ઝાઝૂં પડે. અને એ જ અહીં પણ સાચું.
દાદીને પૌત્ર વધુ વ્હાલા, મૂડીનું વ્યાજ. પૌત્રી પણ વ્હાલી ખરી પણ એને જરાક કડકાઇથી ઘડવાની. હેતુ શુભ કે કાલ સવારે પરણીને સાસરે જાય ત્યાં પાછી ન પડે. પણ પરિણામે એની સ્વતંત્રતા મર્યાદિત.
દાદી પીરસવા બેસે તો પોતાના દીકરાની રોટલી પર છૂટથી ઘી ચોપડે, પોતાના વર કરતાંય વધુ ! કારણ સ્પષ્ટ છે !!
સાસુ તરીકે દાદી જરાક કડપ વાળું પાત્ર. આખા ઘરના વહેવારો એમના હાથમાં. બહાર દાદાનો કડપ ને અંદર દાદીનું રાજ. દાદીને વહુવારુઓ પર દાબ રાખવો હોય. એ એમનું રજવાડું. એમની કેડે ઝૂલે ઝૂડો ને ઝૂડામાં હોય તિજોરીની ને પટારાની ચાવી. Handing over of power એમ કૈં સહેલું છે ?
દાદી જ્યારે સાસુ બને ત્યારે એમનું કામ ઘરની પરંપરાનું વહુને શિક્ષણ આપવાનું ને એ પરંપરાનું પાલન કરાવવાનું ને એને આગળ લઇ જવાનું. આ આગ્રહ એ પુત્રી પાસે ન રાખે કારણકે એણે “ પારકે ઘેર “ જવાનું . ત્યાં આ જ કામ એની સાસુ કરે. પુત્રવધૂને કામ ચીંધતી ને માથે ઉભા રહીને કામ કરાવતી વખતે એમનો હેતુ grooming નો , પુત્રી પાસે કામ કરાવતી વખતે પદ્ધતિ જૂદી હોઇ શકે.
દાદીના પાત્રમાં પ્રેમાળ લાગતું આ પાત્ર સાસુના પાત્રમાં સાવ જૂદું ય લાગે.
દાદાનો વટ પડે. એમણે જમાનો જોયો છે. દુનિયાદારી જાણે છે. વહેવારમાં સમજે છે. પ્રતિષ્ઠાનું મહત્વ કરે છે, પરંપરાનો આદર કરે ને અમલ પણ કરાવે. પૌત્ર પૌત્રી સહુ એમને વ્હાલા .
પણ દાદી કરતાં એક મહત્વની વાતે જૂદા પડે- દાદાને પૌત્રી વધારે વ્હાલી. પિતાની આમન્યા ને વયસહજ લજ્જાને કારણે અંતર જાળવતી પૌત્રી દાદાના ખોળે રમે. ને મોટી થાય ત્યારે હૈયાની વાત પણ દાદાને જ કરે.
દીકરી કહે , “ દાદા …”
ને દાદા હોં કારો ભણે ,” હો દીકરી ..! “
દાદા ને દાદીના roles well defined છે. પરિવારનાં પુત્ર – પુત્રવધૂ ને દીકરી- જમાઇનાં સંબંધ અને સંભવિત સંઘર્ષને એમની અનુભવી આંખ આગોતરા જ ઓળખી લે છે ને સમયસર defuse કરે છે.
હા, સાસુ સસરાના પાત્રમાં કોઇક વળી અણસમજ ને અહંકારમાં ચિનગારીને ફૂંક મારે કે બળતામાં ઘી હોમે ને સંતાનોના સંસારમાં આગ ચાંપે એમ બને.
આવાં જ બે પાત્રો છે નાના નાની.
અલબત્ત આગળ કહ્યું તેમ એ માતાપિતા તરીકે પુત્રીના પરિવાર સાથે એક સલામત અંતર જાળવે છે. પડ્યું પાન નીભાવી લેવાની સલાહ આપનારાંય છે તો “ કરડો નહીં તો ફૂંફાડો મારો “ ની રણનીતિ શીખવનારાય છે. કોઇક વળી “ જૂદાં થવા “ની ઉશ્કેરણી કરનારાંય છે. તો સાસુ સસરા તરીકે જમાઇસા’ને રાજી રાખવા મથનારાંય છે. જમાઇના નામ પાછળ લાલ, ચંદ્ર , કુમાર લગાડીને સંબોધન કરે છે. એમને માટે કન્યાવિદાય પછીય વર રાજા જ છે .
પણ નાના ને નાનીને માટે તો દીકરીનાં સંતાન એટલે શું વાત ! મોસાળમાં એમને જરાય ઓછું ન આવે એ એમની standing instruction. દીકરીને ઘેર કૈંક મોકલવાનું બહાનું ઊભું કરતાં રહે. “ છોકરાંને બહુ ભાવે છે “ કહીને પૌત્ર પૌત્રીને નામે પુત્રીને મનગમતુ મળે એ એમના પ્રયત્ન.
દાદા દાદીને તો એ મૂડીનું વ્યાજ આનંદવાનું છે પણ નાના નાની તો કેવળ વ્હાલ વરસાવીને જ ધરાઇ જાય.
બાળકોનું બાળપણ આ ચારે સંબંધથી સભર બને , સમૃધ્ધ બને.
આજે એમને વંદન.
– તુષાર શુક્લ


















































