આજના સમયમાં પણ બધાને દિકરાની લાલસા જ છે. કુળમાં જો એક દિકરો હોય, તો જ કુળ આગળ વધી શકે. આવી જ એક ઈચ્છા લઈને એક દંપતી માતાજીનાં મંદિર સામે મંદિરનાં પ્રાંગણમાં દિકરો પ્રાપ્ત કરવાની પૂજા કરાવી રહ્યું હતું.
પૂજામાં બેઠેલી સ્ત્રીની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી. જોતાં માત્ર અઠ્ઠાવીસ વર્ષની એ સ્ત્રીને આ પૂજાથી અણગમો હતો. એ સાફ સાફ નજર આવતું હતું.
“હવે તમારું રડવાનું બંધ કરો. કોઈએ તમને માર નથી માર્યો, કે ઘરમાંથી કાઢી નથી મૂક્યાં. તે આમ આંખોમાંથી ગંગા-જમુના વહાવો છો.” પૂજામાં બેઠેલી સ્ત્રીના સાસુએ કહ્યું.
સાસુના કડવાં વેણ સાંભળી એ સ્ત્રીએ રડવાનું તો બંધ કરી દીધું. પણ, દિલમાં જે ઉંડા ઘા લાગ્યાં હતાં. એ કેમેય કરીને રૂઝાય એમ નહોતાં. જ્યારે એક સ્ત્રી માઁ બનવાની હોય, ત્યારે તેને જે ખુશી મળવી જોઈએ. એમાંની ખુશીનો થોડો એવો અંશ પણ રેશ્માને નહોતો મળ્યો. જ્યારથી સાસરાવાળાને ખબર પડી હતી, કે રેશ્મા માઁ બનવાની છે. ત્યારથી તેનાં સાસુ તેને ઉઠતાં-બેસતાં, ખાતાં-પીતાં બસ એક જ વાક્ય કહેતાં, “મારે તો દિકરો જ જોઈએ છે, જો તમે દિકરો નાં આપી શકો. તો તમારાં પિયર જતાં રહેજો.”
રેશ્માના સાસુએ દિકરા માટે બધાં જ હોમહવન કરાવ્યાં હતાં. રેશ્મા માટે દિવસનો ઉગતો સુરજ એક નવી વેદનાં લઈને ઉગતો હતો.
આજની પૂજા તો કેમેય કરીને પૂરી થઈ. પણ, હવે રેશ્માથી આ બધું સહન કરવું મુશ્કેલ બનતું જતું હતું. ઘરમાં સંતાનની નહીં, પણ માત્ર દિકરાની રાહ જોવાતી હતી. એવામાં જો દિકરી અવતરે તો રેશ્માએ ઘર છોડીને જતું રહેવાનું હતું. રેશ્મા માટે એક-એક દિવસ કપરો જતો હતો.
સમય ધીમે-ધીમે હાથમાંથી સરકતો ગયો, ને આખરે રેશ્માને એક દિવસ દુઃખાવો થયો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ગણતરીની મિનિટોમાં રેશ્માએ એક બાળકને જન્મ આપ્યો. નાનાં બાળકના રડવાના અવાજથી હોસ્પિટલ ગુંજી ઉઠ્યું.
“અભિનંદન, તમારી ઘરે લક્ષ્મીજી આવ્યાં છે.” નર્સે આવીને કહ્યું.
નર્સની વાત સાંભળતાં જ બધાનાં મોઢાં પરનું તેજ ઓસરી ગયું. જાણે ખરાબ સમાચાર સાંભળ્યાં પછી ઘરમાં માતમ છવાઈ જાય. એમ બધાં શોકમાં ડૂબી ગયાં. કોઈ રેશ્માની કે નાની બાળકીની ખબર સુધ્ધાં પૂછવા નાં ગયું. પરિવારનાં બધાં સભ્યો ઘરે જતાં રહ્યાં. નર્સને આ વાતની ખબર પડતાં જ તેણે રેશ્માને બધી વાત કરી. બાળકનાં જન્મ પછી જે માઁના ચહેરા પર ખુશી હોવી જોઈએ. એ જ માઁ ચોધાર આંસુડે રડવા લાગી.
રેશ્મા હોસ્પિટલના ખાટલે બેસી, પોતાની દિકરીનાં પારણામાં નજર કરી, પોતાની કિસ્મતને કોસવા લાગી. ત્યારે રેશ્માના મમ્મી-પપ્પા રેશ્મા પાસે આવ્યાં. રેશ્માની હાલત જોઈને તેમને બહું દુઃખ થયું. છતાંય હિંમત એકઠી કરી તેઓ રેશ્માને અને તેની બાળકીને પોતાની ઘરે લઈ આવ્યાં.
રેશ્માને રહેવા માટે છત તો મળી ગઈ. પણ, પોતાની માસૂમ દિકરી પરથી એકસાથે આખાય પરિવારનો હાથ ઉઠી ગયો. તેનાં જન્મ પછી જે હરખ થવો જોઈએ. એ હરખ કોઈને નાં થયો. બીજાં બધાં તો ઠીક પણ એનાં પિતાએ પણ તેની સામે નાં જોયું.
રેશ્માનો એક-એક દિવસ આંસુથી ખરડાયેલો વિતવા લાગ્યો. સમયનાં ચક્રને ફરતાં સમય નથી લાગતો. એમ રેશ્માના જીવનનું ચક્ર પણ ફરવા લાગ્યું. રેશ્માની દિકરી એંજલ ધીમે-ધીમે મોટી થવા લાગી. તેનાં પગની ઝાંઝરી અને કાલીઘેલી ભાષાથી આખું ઘર ગુંજવા લાગ્યું. હવે રેશ્માનો દિવસ અને રાત બંને એંજલને જોયાં પછી જ થતાં. રેશ્માના જીવનની બધી ખુશીઓ જ્યાં લુંટાઈ હતી. ત્યાં જ તેને એંજલના રૂપમાં એક નવી આશા સહિત નવી ખુશીઓ મળી હતી.
એક દિવસ એંજલનો અભ્યાસ પણ શરું થઈ ગયો. રેશ્માએ પોતાનાં મમ્મી-પપ્પા પર બોજ નાં બનીને નોકરી કરવાનું શરૂ કરી દીધું. બધું વ્યવસ્થિત ચાલતું હતું. એંજલની શાળાનો સમય અને રેશ્માની નોકરીનો સમય બંને સરખાં હતાં. રેશ્મા રોજ એંજલને શાળાએ મૂકીને ફરી રજાનાં સમયે સાથે જ ઘરે લઈને આવતી.
જીવન તેજ ગતિથી પસાર થવા લાગ્યું. દિવસો, મહિનાઓ ને વર્ષો વિતવા લાગ્યાં. હવે રાત પછી થતો સુર્યોદય રેશ્મા માટે ખુશીઓનો ઉજાસ લઈને આવતો. રેશ્મા એંજલ સાથે ખુશ હતી.
એક દિવસ એંજલે આવીને રેશ્માને કહ્યું, “મમ્મી, મારી સ્કુલમાં પેરેન્ટસ્ મિટિંગ છે. તારે અને પપ્પાએ આવવાનું છે.”
એંજલના મુખે પપ્પા શબ્દ સાંભળતાં જ રેશ્માની આંખો ભીની થઈ ગઈ. મહાપરાણે રોકી રાખેલું અશ્રુબિંદુ આખરે બંધ તોડીને આંખની બહાર સરકી જ ગયું.
“મમ્મી, પપ્પા ક્યાં છે?? એ આપણી સાથે કેમ નથી રહેતાં?? એ કાલ મારી સ્કુલમાં આવશે કે નહીં??” એંજલ પોતાની મમ્મીને રડતી જોઈને, તેનાં આંસુ લૂંછી, તેની પાસેથી કંઈક જવાબ મળશે, એવી આશાએ પૂછવા લાગી.
રેશ્મા એંજલની એક પણ વાતનો જવાબ નાં આપી શકી. તે દોડીને પોતાનાં રૂમમાં જઈને રડવા લાગી. સમય તો ઘણો આગળ નીકળી ગયો હતો. પણ, એ સમય રેશ્માના જીવનમાં જે અધૂરપ છોડીને ગયો હતો. એ ક્યારેય ભરી શકાય એમ નહોતી.
“બેટા, આમ રડવાથી કાંઈ ફાયદો નથી. એંજલને તે બધું ના સમજે ત્યાં સુધી તારે જ સંભાળવાની છે.” રેશ્માના મમ્મીએ રેશ્માને રડતી શાંત કરાવીને કહ્યું.
“ક્યાં સુધી હું આવી રીતે તેનાથી હકીકત છુપાવીશ!! મારાં સાસુ પણ એક સમયે દિકરી જ હતાં. છતાંય એ મારી નાની ફુલ જેવી માસૂમ દિકરીની વેદનાં નાં સમજી શક્યાં. શું આપણાં સમાજમાં હંમેશાં એક દિકરાને જ માન-સન્માન મળશે?? શું કોઈ ક્યારેય એક દિકરીની વેદનાં નહીં સમજી શકે??” રેશ્મા રડતાં રડતાં એક મોટી હકીકત કહી ગઈ હતી. જેનો જવાબ તો તેનાં મમ્મી પાસે પણ નહોતો.
એંજલ બહાર બેઠી બેઠી રડતી રહી. રેશ્મા પોતાનાં રૂમમાં રડતી રહી. આજે એક માઁ સામે પોતાની બબ્બે દિકરીઓ દુઃખી હતી. છતાંય એ માઁ કાંઈ નાં કરી શકી.
“શું ખરેખર સમાજ એક દિકરીની વેદનાં ક્યારેય નહીં સમજી શકે??” આ માત્ર સવાલ નહીં, પણ એક ઝરતો અંગારો છે. જેને કોઈ નકારી શકે એમ પણ નથી, ને કોઈ તેનો જવાબ આપી શકે એમ પણ નથી.
– સુજલ પટેલ


















































