આંખોમાંના આ ઝળઝળીયા હમણાં સુધી સળગતાં તારામંડળમાંથી નીકળતા તારા જેવા લાગી રહ્યાં હતા. મનમાં એક જ સવાલ સતત પુખ્ત થોરનાં કાંટાની માફક ખૂંચી રહ્યો હતો, શું જીવનનો અંત આવો જ હશે? એ મનોમન વિચારી રહ્યા હતા.
આમ તો આ બધું એમને મન કંઈ નવું તો નહોતું જ! આ આંસુ, રીઢા ગુનેગાર જેવી ભાસતી એકલતા, નવવધુ જેવી શાંત-સુશીલ છતાં માદક હવા, શિકારી કૂતરાંઓની માફક પાસે ધસી આવતા ટોળાંનો આભાસ અને એની વચમાંથી કોઈ પીઠ બતાવીને દૂર જતી, અંધારામાં વિલીન થતી આકૃતિ.
વરસો પહેલાં એમનો એકનો એક દીકરો અહીંનાં વૃદ્ધ, હતાશ, મોંઢે કાગળના ડૂંચામાં હોય એવી કરચલીઓ ધરાવતા અજાણ્યા લોકોની વચ્ચે એક અંધારા ઓરડામાં એમને છોડીને, ઓરડામાંથી પીઠ બતાવીને નીકળી ગયો હતો. આટઆટલા વરસો પછી પણ એ પળ એમની આંખ સામે એમની એમ જ તાજી હતી.
પણ આ દિવાળીની ક્ષણોમાં માહોલ કંઈક ભિન્ન બની ગયો હતો, દરવખતની જેમ! ખુશખુશાલ લાગતા ચહેરાઓની કેટલી ચહેલપહેલ હતી આ દિવસોમાં નહિ! અદ્દલ પોતાનો પુત્ર જન્મ્યો હતો ‘ને સૌ કોઈ એની બસ એક ઝલક લેવાં ઉમળકાભેર મારા ઘરે ધસી આવતા હતા એવી જ! એમણે વિચારતા હતા.
(ઘડીભર એ ક્ષણ એમની આંખોમાં જીવંત થઈ બેઠી પછી તરત જ એ ક્ષણમાંથી એક નિસાસા સાથે એ બહાર આવ્યા)
આજે આ દિવાળીનો તહેવાર પણ પૂરો થયો! એ મનોમન બબડ્યા. ફરી બધા જ લોકો એ અંધારામાં ગુમ થઈ જવાના જે રીતે એક રાત્રે અંધારીયા ઓરડામાંથી એ પીઠ બતાવીને ગુમ થઈ ગયો હતો, મારો એકનો એક …
હવે ફરી જીવનમાં અંધારું પથરાઈ જવાનું હતું, પાછું આવતી દિવાળી સુધી! એ મનોમન વિચારી રહ્યા હતા, પછી અચાનક જ પોતાના મનમાં નજર માંડતા કંઈક ભાળ્યું હોય એમ એક ઉંડા નિસાસા સાથે બોલી પડ્યા “અથવા કાલ સવાર સુધી, પછી તો આ દેહ…”
***
દિવાળીના દિવસોમાં ઘણાં લોકો આવાં વૃધ્ધાશ્રમોની મુલાકાત લેવાનું ચૂકતા નથી. બે-ચાર તહેવારો પર આમ મોંઢું બતાવીને આપણે આપણી ફરજ પૂરી થઈ એમ માનીએ છીએ. આપણા એક દિવસનાં અજવાળા પાછળ એમના બીજા દિવસો કેટલા અંધકારમય બની જતા હશે! આ વાત તરફ આપણે નજરસુધ્ધા કરતા નથી. આમ પણ દીવાથી પ્રકાશિત ઘરોમાં રહેતા આપણે ક્યાં દીવા તળેનું અંધારું જોઈ શકવાનાં હતાં!


















































