ઉઠો,જાગો,હજી કઈ જ મોડું નથી થયું. ‘હવે મારી ઉંમર થઇ ગઈ છે અને હવે ઘણું મોડું થઇ ચુક્યું છે’ આવા નકારાત્મક શબ્દો પોતાની જાતને ક્યારેય ન કહેશો.સફળ થવા માટે કોઈ યોગ્ય અથવા પૂર્વનિર્ધારિત વય નથી હોતી.જીવનના કોઇપણ સમયે વ્યક્તિ સફળ થઇ શકે છે,જો વ્યક્તિની પોતાની તૈયારી હોય તો!
દાદીમા મોઝિસ,કે જે ૭૮ વર્ષ પછી ચિત્રો દોરવાની શરૂઆત કરે છે અને ૭૯ વર્ષની ઉંમરે તેમણે એક નવો જ ઈતિહાસ સર્જી દીધો.તેમણે બે હજારથી વધુ ચિત્રો દોર્યા અને સો વર્ષના થયા ત્યારે દાદીમા મોઝીસે ‘ધેટ વોઝ ધ નાઈટ બિફોર ક્રિસમસ’નામના પુસ્તક માટે ચિત્રો દોર્યા! એક નવી જ દુનિયામાં પ્રવેશી,નવી કારકીર્દી અપનાવીને એશી વર્ષની વયે દાદીમા મોઝિસ જો સફળ થઇ શકતાં હોય,તો હું કેમ નહિ? આ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે.
60 વર્ષની ઉંમર થઇ ને હવે બધું પૂરું,એવું ક્યારેય ના વિચારશો! “વર્ષ પસાર થાય એમ વ્યક્તિ વૃદ્ધ નથી થતો,પરંતુ દરરોજ એક નવો જ વ્યક્તિ બને છે.”હાલનું જ જો એક ઉદાહરણ જોઈએ તો, જો બાઈડન કે જે અમેરિકાના ૪૬માં રાષ્ટ્રપતિ બનશે,પોતે ૭૭ વર્ષની ઉંમરે અમેરિકાના રાષ્ટ્રપતિ બનનાર સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ છે.ઉંમરના આંકડા તેમને ભલે વૃદ્ધત્વના આરે ઉભા છે એવું દેખાડતા પરંતુ તેમની હકારાત્મક વિચારસરણીએ જ તેમને વિશ્વના સૌથી શક્તિશાળી અને સમૃદ્ધ દેશના રાષ્ટ્રપતિ બનાવ્યા.આ વયે પોતે શારીરિક અને માનસિક રીતે એકદમ ફીટ છે અને આવતા ચાર વર્ષ સુધી પોતે અમેરિકાના દરેક મહત્વના નિર્ણયો પણ લેશે.ઉંમરના આંકડા તો તેની જાતે ફર્યા જ કરશે,તેને ગણતા રહેવાની કોઈ જરૂર નથી.આપણે જરૂર છે તો ફક્ત આપણી માનસિકતાને બદલવાની!
સમય રોજ એક નવી તક આપે છે.વ્યક્તિ પ્રયત્ન કરે છે,ક્યારેક જીતે છે તો ક્યારેક હારે પણ છે.બસ મહત્વનું એ છે કે દરેક પ્રયત્ને માણસ ઘણું બધું શીખે છે.હાર્યા વગર જે માણસ જીવનમાં પોતાના ધ્યેયને પામવા માંડ્યો જ રહે છે,તે એક દિવસ પોતાની નિર્ધારિત જગ્યા સુધી જરૂર પહોચે છે.સમયના વહેણ સાથે વહેતા વહેતા એક દિવસ માણસ તરતા શીખી જ જાય છે. ‘સમય વહેતો જાય છે ને,તારી જીતવાની ઈચ્છાને એકદમ પ્રબળ બનાવવાનું કહેતો જાય છે.’


















































