જી હા.
તે સમયે પડોશમાં રહેતા કાકા ( ત્યારે અમે અંકલ ન્હોતા કહેતા. ) સવારે ઉઠીને આંગણામાંપાર્કકરેલા એમના સ્કુટરને નવડાવતા , ઘસા ઘસીને લૂછતા. પછી એને સ્ટાર્ટ કરતા.
આ સ્ટાર્ટ કરવાની પ્રક્રિયાનું પહેલું પગથિયું હતું એને જરુર મુજબ – સ્હેજ કે લગભગ આડું – ઝૂકાવતા. પછી કીકો મારતા. એકબે નહીં .. કીકો પર કીકો.. ને એ દરમિયાન એક્સીલેટર પણ ઘૂમાવતા. એમાં એક વાર ચાલુ થઇ જાય પછી એક્સીલેટર આપીને ઘરર ..ઘરર.. અવાજ કરતા. ધૂમાડો થતો , એ વિખરાતો એટલે એમાંથી કાકા ને એમનું સ્કુટર પ્રગટ થતા. એમના ચ્હેરા પરનો વિજયભાવ જોવા આસપાસ કોઇ ન હોય તોય એ હસતા ને વધુ અવાજ .. વધુ ધૂમાડો કરતા.. જેના જવાબમાં એમના જ ઘરમાંથી બૂમ પડતી ને એ પછી એ બંને – સ્કુટર ને પોતે શાંત થતા.
એમની આ ટેવ કાયમની . બહાર નીકળે તોય ગલીના નાકે પણ આવો અવાજ કરે, ને સાંજે પાછા ફરે ત્યારે દૂરથી જ “ ટી..ટીઇઇ..” ચાલુ કરે.
ત્યારે તો અમે ટેવાઇ ગયેલા. આવું ન થાય તો કૈંક ખૂટતું લાગે. પછી સમજાયું કે આ બધું સ્કુટર ચાલુ કરવા માટે અનિવાર્ય તો હતું જ પણ એ દ્વારા એ ધ્યાન ખેંચવામાં પણ સફળ થતા. જે અદામાં એ સ્કુટરનો કાન આમળતા બાજૂમાં ઊભા રહેતા તે વિશ્વવિજેતાની અદા હતી. ગલીના નાકે જવા આવવાના સમયે જે અવાજ કરતા એમાં પણ એ જ આગોતરી ઘોષણા હતી.
કેટલાક પાસે ફટફટિયા હોય એ પણ આવું કરે. જેમ મોટરસાયકલનો અવાજ વધુ આવે એમ વધુ રાજી થનારા હોય છે.
પણ મારી મોટરસાયકલના અસલ ઉસ્તાદ એના વિરોધી હતા. એ કહેતા કે ये बचकाना हरकत है। એમને મતે આવા અવાજ દ્વારા કરતા showoff છોકરમત છે. વાસ્તવમાં તો મોટર સાયકલી ચાલ ને ચાલકનો અંદાજ જ મહત્વનો છે. એ તમને નજર કરવા મજબૂર કરે જ. પોતાની જગ્યા પર ઊભી ઊભી એક જ લયમાં અવાજ કરતી મોટર સાયકલ જાણે હ્રદય ધબકારની નિયમિત ગતિ !
હવે તો નવી ટેક્નોલોજી આવી ગઇ. વાહન બદલાયા. પણ તોય અનાવશ્યક અવાજ કરનારા હજીય છે. ગરનાળા નીચેથી પસાર થતા વાહનનો અવાજ કરીને સાથે પોતેય બૂમબરાડા પાડનારા મેંય જોયા છે.
માણસને ગમે છે , ધ્યાન દોરવું.
Related