આધુનિક જમાનો અને આધુનિક જમાનાના આધુનિક માણસો…પરિવાર છે ને પોતાના પણ છે,બસ સવાલ એટલો છે કે ખરેખર પોતાના મનાય છે કે ફક્ત કહેવાય છે! ફોટોગ્રાફ્સમાં દેખાતા એ હસતા ચહેરા અને તેમના દ્વારા અપાયેલો એક પરફેક્ટ પરિવારનો પોઝ! માણસો અને માણસોનો પ્રેમ વાસ્તવિક છે કે બનાવટી એ અનુમાન લગાવવું પણ હવે અઘરું થઇ ગયું છે. “ભેળસેળવાળી વસ્તુઓ તો હતી,પરંતુ હવે માણસો પણ ભેળસેળવાળા થઇ ગયા છે.” “આજે એક જ પરિવારમાં અલગ-અલગ પરિવાર રહેવા લાગ્યા છે,બધાના અલગ રૂમની સાથે મન પણ અલગ થઇ ચુક્યા છે!” સ્નેહથી જોડાયેલા સંબંધો સ્વાર્થમાં ક્યારે ફેરવાઈ જાય છે,તેનો અણસાર સુધ્ધાય નથી આવતો.
“યુઝ એન્ડ થ્રો વસ્તુઓને કરાય છે,માણસોને નહિ!” “વસ્તુઓનો યુઝ કરાય છે અને માણસોને પ્રેમ કરાય છે,પરંતુ અત્યારના સમાજની કડવી સત્યતા તો એ છે કે,લોકો વસ્તુઓને પ્રેમ કરે છે અને માણસોને યુઝ કરે છે!” પોતાના કહીએ છીએ પણ પોતાના માણસની લાગણી નથી સમજી શકતા,તેમનું દુઃખ પણ નથી અનુભવી શકતા…સંબંધોનું તો ફક્ત એક નામ જ રહી ગયું છે.
પોતાના પરિવાર સાથે રહેવાની ઝંખનામાં ને ઝંખનામાં એક ઘરડી માં અંતે દુનિયા છોડીને ચાલી જાય છે,અને તેની ઈચ્છા પણ તે પોતાની સાથે જ લઇ જાય છે.છેલ્લા શ્વાસ સુધી પોતાના પરિવાર માટે સુખ અને શાંતિની કામના કરનાર એ માં પોતાના હકનું સુખ અને શાંતિ પામ્યા વગર જ દુનિયામાંથી ચાલી જાય છે. ‘માં તું અમને છોડીને આવી રીતે અચાનક કેમ ચાલી ગઈ?’ સમાજની સામે રોઈને સવાલ કરતો એ પરિવાર ખરેખર શું સાબિત કરવા માંગતો હશે? “માં તરીકેનો તો ફક્ત એક નામનો જ સંબંધ હતો અને હવેનો સંબંધ સંપતિ લેવાના ભાગ રૂપે જ રહેશે!” આ કિસ્સામાં બસ એક સવાલ થાય છે કે ,હુંફ,પ્રેમ, લાગણી..શું આ બધું એક શબ્દ જ બનીને રહી ગયા છે? માણસ એમ કેમ નથી સમજતો કે દેખાડો તો જીવીએ ત્યાં સુધી જ કરી શકીશું,મર્યા પછી તો બધું વાસ્તવિક જ ભોગવવાનું છે.
પોતાના છે એમ કહીએ અને મનથી માનીએ પણ ખરા.આડમ્બરવાળી દુનિયા ચલચિત્રોમાં જ જોવી ગમે,વાસ્તવિક દુનિયા કે પરિવારમાં નહિ.


















































