ગુજરાતી ભાષામાં ‘છ અક્ષરનું નામ’ ખૂબ જ જાણીતું છે, એ છે રમેશ પારેખ. રાજવી કવિ શ્રી રમેશ પારેખ એમની કૃતિઓમાંના આલા ખાચર જેવા પાત્રોને આજેય ભાવકો યાદ કરે છે, એમનું કાલ્પનિક પાત્ર ‘સોનલ’તો જિજ્ઞાસા જગાડે એટલું લોકપ્રિય થયેલું .
સોનલને સંબોધીને લખાયેલ તેમની કવિતાઓ અને ગીતોમાં આ પાત્ર અમર થઈ ગયું તો મીરાંને તેમણે અલગ પરિપ્રેક્ષમાં રજૂ કર્યાં છે. ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યોમાં એમનું પ્રદાન કયારેય ન ભૂલી શકાય એટલું સમૃદ્ધ છે, તો બાળસાહિત્યમાં પણ આ સર્જક એટલા લોકપ્રિય છે. સાહિત્ય સંગીત, ચિત્રકલા એમના મનપસંદ વિષયો હતા.ચિત્રકલાના અભ્યાસ માટે જે.જે.સ્કૂલ ઓફ આર્ટસમાં પ્રવેશ મેળવવો હતો,પણ નાણાકીય ભીડને કારણે તેમ ન કરી શકયા. જોકે ચિત્ર અને સંગીતને છેક સુધી જાળવી શકયા. તેમનો જન્મ 27/11/1940ના રોજ અમરેલીમાં કપોળ વણિક કુટુંબમાં થયો હતો. પિતાનું નામમોહનલાલ અને માતાનું નામ નર્મદાબેન.તેમણે તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમરેલીમાંથી લીધું હતું.
1958માં પ્રથમ વર્ગ સાથે તેમણે એસ.એસ.સી.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી. તેમણે શિષ્યવૃત્તિ મેળવી હતી.1960માં તેઓ અમરેલી જિલ્લા પંચાયત કચેરીમાં જોડાયા હતા.તેઓ શાળામાં ભણતા હતા ત્યારે તેમની પ્રથમ વાર્તા ‘પ્રિતની દુનિયા’ ‘ચાંદની’ સામાયિકમાં પ્રગટ થયેલી. 1962 સુધી તેમણે વાર્તાઓ લખવાનું ચાલુ રાખ્યું અને સંગીત ક્લબની સ્થાપના કરી. ૧૯૬૭માં તેમણે કવિતા લખવાની શરૂઆત કરી. 1968માં તેમની મુલાકાત અનિલ જોશી સાથે થઈ અને તેમણે વધુ કવિતાઓ લખવાની પ્રેરણા આપી. તેમની કવિતાઓ સાહિત્યના વિવિધ સામાયિકોમાં પ્રગટ થવાની શરૂઆત થઇ.1988માં તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા અને સમગ્ર જીવન સાહિત્યિક કારકિર્દી પર કેન્દ્રિત કર્યું. 1997માં તેઓ અમરેલીથી રાજકોટ સ્થાયી થયા. રમેશ પારેખ તેમના ગીતો માટે જાણીતા છે પણ તેમણે અછાંદસ કવિતાઓ અને ગઝલોમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે.
તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ ‘ક્યાં’ 1970માં પ્રગટ થયો. એ પછી ‘ખડિંગ’ (1979) તેમનો બીજો કાવ્ય સંગ્રહ પ્રગટ થયો આ સંગ્રહને અનેક પુરસ્કારો મળ્યા હતા. તેમના અન્ય કાવ્ય સંગ્રહો જોઈએ તો ‘ત્વ’ (1980) ‘સનનન (1981), ‘ખમ્મા, આલા બાપુને! (1985), મીરાં સામે પાર (1986) અને વિતાન સુદ બીજ (1989)છે. તેમની બધી કવિતાઓ ‘છ અક્ષરનું નામ’ સંગ્રહમાં ૧૯૯૧માં પ્રગટ થઈ હતી. આ સંગ્રહ ખૂબ લોકપ્રિય થયા હતો અને પાંચ વર્ષમાં તેની ચાર આવૃત્તિઓ પ્રગટ થઇ હતી. લે, તિમિર! સૂર્ય'(1995), ‘છાતીમાં બારસાખ’ (1998), ચશ્માંના કાચ પર’ (1999) અને ‘સ્વગતપર્વ’ (2002) સંગ્રહો ત્યાર પછી પ્રગટ થયા હતા. ‘કાલ સાચવજે પગલા’ (2009) તેમના મિત્ર નિતિન વડગામા વડે સંપાદિત અને પ્રકાશિત મરણોત્તર કાવ્ય સંગ્રહ છે.
1983માં તેમનો વાર્તા સંગ્રહ ‘સ્તનપૂર્વક’ પ્રગટ થાય છે. તેમણે ત્રિ-અંકી નાટકો પણ લખ્યા છે, જેમાં ‘સગપણ એક ઉખાણું (1992), ‘સૂરજને પડછાયો હોય’ (2002) અને રમૂજી નાટક ‘તરખાટ’નો સમાવેશ થાય છે. તેમના નિબંધ સંગ્રહો ‘હોંકારો આપો તો કહું’ (1994), ‘ચાલો એકબીજાને ગમીએ’ (2001), ‘સર્જકના શબ્દને સલામ’ (2002) છે. તેમણે ‘ગિરા નદીને તીર’ (1989) કાવ્ય સંગ્રહ અને આ પડખું ફર્યો લે! (198,) ગઝલ સંગ્રહનું સંપાદન કર્યું હતું.
બાળ સાહિત્યમાં પણ તેમનું નોંધપાત્ર પ્રદાન છે. તેમના બાળ કવિતા સંગ્રહો ‘હાઉક (1979), ‘ચીં’ (1980), દરિયો ઝુલ્લમ ઝુલ્લા’, હસીએ ખુલ્લમ ખુલ્લા’ (1988, સચિત્ર), ‘ચપટી વગાડતા આવડી ગઈ’ (1997) છે. તેમના બાળ વાર્તા સંગ્રહો ‘હફરફ લફરફ’ (1986), ‘દે તાલ્લી (1979), ‘ગોર અને ચોર’ (1980), કૂવામા પાણીનું ઝાડ’ (1986) અને જંતર મંતર છુ (1990) છે. તેમની બાળ નવલકથાઓ ‘જાદુઇ દીવો’ અને ‘અજબ ગજબનો ખજાનો’ છે.
શ્રી રમેશ પારેખને મળેલા એવોર્ડ અને સન્માન નીચે મુજબ છે…
કુમાર સુવર્ણ ચંદ્રક(1970), ‘ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક’,(1983)’રણજિતરામ સુવર્ણ ચંદ્રક'(1986) ‘કલા ગૌરવ પુરસ્કાર'(1989) પ્રાપ્ત થયો હતો. ખડિંગ પુસ્તક માટે તેમને ૧૯૭૮માં નર્મદ સુવર્ણ ચંદ્રક અને ૧૯૭૮-૭૯નો ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ‘મીરાં સામે પાર’ માટે તેમને ગિજુભાઇ બધેકા સુવર્ણ ચંદ્રક'(1988) અને શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક, રાજ્ય ક્ક્ષાનો ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર (1979) મળ્યો હતો. તેમના કાવ્ય સંગ્રહ ‘વિતાન સુદ બીજ માટે 1994માં તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ જ પુસ્તક માટે તેમને રાજકુમાર ભુવલ્કા પુરસ્કાર પણ મળ્યો હતો. તેમના સમગ્ર સર્જન તેમને 1988માં ‘સંસ્કાર પુરસ્કાર અને અમરેલી જિલ્લા પંચાયત કચેરી તરફથી ‘કલાગૌરવ સુવર્ણ ચંદ્રક’ (1989) મળ્યો હતો. 2004માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર એનાયત થયો હતોર આ ઉપરાંત 1982-83માં ‘નસીબની બલિહારી’ ચલચિત્ર અને 1993-94માં ‘માનવીની ભવાઈ’ ચલચિત્ર માટે તેમને શ્રેષ્ઠ ગીતરચનાકારનો પુરસ્કાર ગુજરાત સ્ટેટ ફિલ્મ એવોર્ડમાં મળ્યો હતો.
ગુજરાતી સાહિત્યના આ મશહૂર સર્જકનું 17 મે, 2006ના રોજ રાજકોટ ખાતે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું.
(સંદર્ભ – ગૂગલ)


















































