ગઢની રાંગે, દિશાએ બેઠેલી વાણીઆણીઓ અરસપરસ આવી વાતો કરતી હતી:
“હાશ ! દાદાને પરતાપે કાલ્ય બારવટીયાનું પાર પડી જાશે!”
“હા બાઈ ! ડાકોરને દેવે પાદશાહને સારી મત્ય સૂઝાડી. બાર વરસથી રોજ સાંજે દિ’ છતાં દુકાનો વાસવી પડતી !”
“પણ પીટ્યો પાદશાહ દગો કરીને પકડી તો નહિ લ્યે ને ?”
“ના રે ! આપણું મા’જન બારવટીયાનું જામીન થયું છે ને !”
“અરે બાઈ ! માજને ય શું કરે ! ધણીનો કોઈ ધણી છે ? મા’જન પાસે ક્યાં ફોજ છે ! પાદશા તો પકડીને પૂરી દ્યે બહારવટીયાને.”
“પૂર્યાં પૂર્યાં ! અમારા લાલચંદ શા ને પદમશી ઝવેરી જોયા છે ? દગો થયા ભેળી તો આખા અમદાવાદમાં હડતાળ પડાવે, હડતાળ, ત્રણ દિ’ સુધી હીરા મોતી ને રેશમનાં હાટ ઉઘડે જ નહિ.”
“હા, હો ! ઈ ખરૂં. મા’જન હડતાળ પડાવે, ત્રણ દિ સુધી રાજને બકાલું, તેલ કે લોટ ક્યાંઈ લાખ રૂપીઆ દેતાં ય મળે નહિ. બેગમુને ફુલના હાર ગજરા ય ન મળે ને !”
“તો તો પાદશાહ બાપુ આવીને મા’જન આગળ હાથ જ જોડે હો બે’ન ! હડતાળ કાંઈ જેવી તેવી વાત છે ?”
વાતો સાંભળીને બહારવટીયા શ્વાસ લઈ ગયા.
“મોટા ભાઈ !” વેજો બોલ્યો, “આ મહાજન આપણા જામીન ! પાદશા દગો કરશે તો આપણા હામી હડતાળ પાડશે ! હાટડાં વાસીને પાછલે બારણેથી વેપાર કરશે ! વાહ હામી ! પણ એમાં નવાઈ નથી. જેની બેન-દીકરીયું આમ બેમરજાદ બનીને પાટલીએ બેસે, એના બાપ બેટાથી બીજુ શું બની શકે ? હડતાળું પાડશે ! હાલો ભાઈ પાછા ! હેમખેમ બહાર નીકળી જાયેં. અહી જો ડોકાં ઉડશે તો માજન હડતાળ પાડશે !”
“ભાઈ ! બાપાં ! સથર્યો રહે. આકળો થા મા. તેલ જો ! તેલની ધાર જો ! જોવા આવ્યા છીએ તો પૂરૂ જોઈને પાછા . વળીએ.”
અંધારાની ઓથે ઓથે બહારવટીઆ આગળ ચાલ્યા. ઘુમતાં, ઘુમતાં, ઘુમતાં એક બીજો લતો આવ્યો. મકાનોનાં બારીબારણાં આડા ચક લટકતા દીઠા. નજીવા નગરીમાં પ્રેત ફરતાં હોય તેવી સફેદ બુરખામાં ઢંકાએલી, પગમાં ચટપટ બોલતા સપાટ વાળી કોઈ કોઈ આબોલ ઓરત ક્યાંઇક વરતાતી હતી.
“ભાઈ ! પઠાણવાડો લાગે છે.”
ત્યાં તો આઘેરેક ગઢની રાંગને અંધારે ઝીણો કલબલાટ ઉઠ્યો : “હાય ખુદા ! કોઈ મરદ”
“હાય હાય ! આપના મું દેખેગા !”
“યે કાંટેમેં “
“યે કૂવેમેં.”
બહારવટીઆ નજીક પહોંચ્યા ન પહોંચ્યા ત્યાં તો કૂવામાં ધબકારા સંભળાયા, અને પાંચ દસ બાઈઓને ઉંધે મ્હોંયેં કાંટાના ઝાળામાં પડતી દીઠી.
સડેડાડ પગ ઉપાડતા બે ભાઈ દૂર નીકળી ગયા.
જેસો બેાલ્યો “ભાઈ વેજા ! આ બીબડીયું ભાળી ? એનાં મલાજો ને કુળલાજ જોયાં ?”
“હા ભાઈ ! આના પેટમાં પાકેલાઓ જો હામી થાય, તો હડતાળું ન પાડે, પણ માથાં આપે. અસલ પઠાણોનું લોહી તે આનું નામ. મલીદા સાટુ વટલેલાની વાત હું નથી કરતો.”
“ત્યારે પાદશાહની ફોજમાં પણ અસલ લોહીના પઠાણો રહે છે ખરા.
•••••••••••••••
“શેઠીઆવ ! તમારી અમારે માથે મોટી મહેરબાની થઈ. પણ પાદશાને જઈને કે’જો કે માજનના હામીપણા માથે તો અમે નહિ આવીએ.”
“કાં બાપુ !” ભાતભાતની પાઘડીઓ વાળા શેઠીઆઓ હાથ જોડીને પૂછવા લાગ્યા.
“પાદશા દગો કરે તો તમે શું કરો ?”
“અમે શું શું ન કરીએ ? અમે હડતાળું પાડીએ : હાટડે ખંભાતી તાળાં દેવરાવીએ : ઘાંચીની ઘાણી ને કુંભારના ચાકડાં બંધ કરાવીએ. અમે માજન શું ન કરી શકીએ ? શાકપીઠમાં બકાલાં સડી સડીને ગામને ગંધાવી નાખે; જાણો છો ઠાકોર ? ભલેને અમને વેપારમાં હજારૂની ખેાટ્ય જાય, તો ય શું, તમારા માથા ઉપરથી ઓળધોળ કરી નાખીએ દરબાર ?”
“હા શેઠીઆવ ! તમે તો સમરથ છો. પણ હડતાળ પાડ્યે કાંઈ અમારાં ડોકાંમાંથી નવાં કોંટા થોડા ફુટે છે ! લીલાં માથાં ફરીવાર નથી ઉગતાં ભાઈ !”
“ઈ તો સાચુ બાપા ! અમે તો બીજું શું કરીએ ? અમારી પાસે કાંઈ લાવ લશ્કર થોડું છે ?”
“શેઠ ! મારી ન શકો, પણ મરી તો જાણો ને ?”
“ત્રાગાં કરવાનું કો’છો ? અરરર ! અમે ત્રાગાળું વરણ નહિ – ઈ તો ભાટ -ચારણુંનાં કામ !”
“સારૂં શેઠ ! જાવ ! પાદશાને કેજો કે અમારા હામી માજન નહિ.”
“કાં રાણીજાયા, ને કાં બીબીજાયા ?”
“બીબીજાયા ! મલેછ તમારા હામી ? માજન નહિં, ને મલેછ ? જેને મોવાળે મોવાળે હિંસા ! અરરર ! ”
કલબલાટ મચી ગયો. મહાજનના શેઠીયા સામસામાં લાંભા હાથ કરીને જાણે પરસ્પર વહી પડશે એવે ઉગ્ર અવાજે બોલવા લાગ્યા. અરર ! અરરર ! એમ અરેરાટીનો તો પાર જ ન રહ્યો.
મહાજન વીંખાયું, માર્ગે મીચકારા મારીને વાતો કરતાં ગયાં; “હંબ ! થાવા દો. પઠાણને હામી બનાવીએ. સામ સામા મર કપાઈ મરે. કાં એનું બારવટું પતે છે, ને કાં એને પઠાણો કાપે છેઃ બેય રીતે કાસળ જાશે.”
“હંબ ! ઠીક થયું, નીકર ભાઈ, આ તો પાદશાહના મામલા ! સપાઈ ધોકે મારીને હાટડાં ઉઘડાવે. અને આપણે સુવાળું વરણ. ધોકા ખાય ઈ બીજા ! આપણે કાંઈ કાંટીઆ વરણ જેવા પલીત થોડા છીએ, તે ધોકા ખમી શકાય ?”
“હંબ ! બલ્લા ટળી !”
“હંબ ! બળતું ઘર કરો !”
•••••••••••••••••••
પાંચસો ઘોડાનો ઉપરી પઠાણ: લાલ ચટક મોઢું: મુખમુદ્રામાંથી ખાનદાની ટપકતી આવે છે: હાવ ભાવ કે હાથજોડ જાણતો નથી: માથા પર સોનેરી પટાની કાળી લુંગી બાંધી છે: પાંચ જ અસવારે ઝાડીમાં ઉતર્યો. બહારવટીયાની પાસે જઈને જરા ય નમ્યા વિના, વધુઘટુ બોલ્યા વિના, જાણ કરી કે “હમ તુમારા જામીન !”
“જમાદાર ! પાદશાહ તમારો પાળણહાર છે, નીમકનો દેનાર છે. અમ સાથે દગો કરશે તો તમે શું કરશો ?”
“બસ ભાઈ વેજા ! આનું પાણી મરે નહિ એની આંખ્યું કહી આપે છે. લોહી જો, એનું લોહી ! સતીની આંગળીએથી ઝરતા કંકુડા સરીખુ. “
ઘોડે ચડીને, પૂરે હથીઆરે, ઘુઘરમાળ ગજવતા બહારવટીયા પઠાણની ફોજ વચ્ચે વીંટાઈને ચાલ્યા. જુનાગઢની બજારમાં તે દિવસ બહારટીયાને નિરખવા માણસ ક્યાં માતું હતું ?
બહારવટીયા મહેલના ચોકમાં જ ઉભા રહ્યા. પાદશાહને કહેવરાવ્યું કે “ઝરૂખામાં આવીને તમે વષ્ટિ ચલાવો. અમે ઘોડે બેઠા બેઠા આંહીથી જ વાટાઘાટ કરશું. કચારીમાં નહિ આવીએ.”
રજપૂતોને વીંટીને પાંચસે ઘોડુ વાળો પઠાણ ઉભો રહ્યો. બહારવટીયાને ભોળવીને ક્યારીમાં ગારદ કરવાની બાજીમાં પાદશાહ ન ફાવ્યો. ઝરૂખે બેસીને રજપૂતોના ઘોડાની હમચી જોતો જોતો, મ્હોં મલકાવતો પાદશાહ જોઈ રહ્યો.
બહારવટીયાને ગરાસ પાછો સોંપાણો.
[••••••••• સંપુર્ણ •••••••••]
Related