ભાભી અને નણંદને તો આપણે મળ્યા. નણંદબાનો વટ પણ જોયો. અને એ નણંદબાને કારણે પરિવારમાં પધારેલા જમાઇરાજ, બનેવીલાલ ને ફૂઆજીનેય જાણ્યા. એમને માટે જ એક બીજૂં નામ છે : નણદોઇ. નણંદના વર તે નણદોઇ. નણંદના તાપ વચ્ચે નણદોઇની સમજદારી ભાભી માટે રાહતરુપ પણ બને ને ક્યારેક એમની આડોડાઇ આફતરુપ પણ બને.
એવું એક પાત્ર છે સાળાવેલી. સાળાની વહુ તે સાળાવેલી. આ નણદોઇ અને સાળાવેલીને સાથે મુકવાનું એક માત્ર કારણ એ કે એ બંને Outsiders છે. બંને બહારનાં પાત્રો છે જેમણે આ family drama માં entry કરી છે. પતિની બહેનને પરણીને નણદોઇ આવ્યા ને પત્નીના ભાઇને પરણીને સાળાવેલી આવી. આ નણદોઇ ને સાળાવેલી સંબંધનામ એ બંને માટે છે.
હવે આ બંને પાત્રો “ બહારનાં “ છે એટલે કેટલીકવાર એમની વચ્ચે સારું tuning જોવા મળે છે. હળવાશથી કહીએ તો દુશ્મન એક છે એટલે આ બંને મિત્ર છે !
એમણે નવા પરિવાર સાથે કામ પાડવાનું છે, એ પરિવારજનોને ઓળખવાના છે ને એ પ્રમાણે રણનીતિ તૈયાર કરવાની છે. સામે પક્ષે સેના મોટા છે. એટલે એને ઓળખવી જરુરી છે. એ કામ સાળાવેલુંનું ! એની પાસે સતત નીકટતાને કારણે first hand information છે. તો નણદોઇ એમાંના એક આક્રમક સોદ્ધાને – નણંદબાને – રણમેદાનથી દૂર લઇ જાય છે, ને યથાશક્તિ દૂર રાખે છે. ને એ રીતે બંને પોતાના common વિરોધી એવાં સાસુમાની સામે મોરચો માંડે છે.
અરે ભાઇ ,
રખે માનતા કે સંબંધો એ કોઇ યુધ્ધભૂમિ છે ને એમાં સતત લડાઇ ચાલતી હોય, દાવપેચ ગોઠવાતા હોય, હુમલા મે પીછેહઠ થતી હોય , negotiation ચાલતાં હોય , હાર જીત થતી હોય ! આ કોઇ એવું અવિરામયુધ્ધ નથી જ. આ તો માત્ર આ બે પાત્રોની વિશેષતા સમજાવવા આમ વાત માંડી. બાકી આ સાળાવેલી જ વ્હાલ વરાસવતી ભાભી ને મામી છે ને નણદોઇ પ્રેમાળ જીજાજી ને જવાબદાર ફૂઆજી.
– તુષાર શુક્લ
Related