ઘરમાં બધા અહીંથી અહીં દોડી રહ્યા હતા. જાણે શું ય તૈયારી કરી લેવાના હશે. મને તો બધું એમ પણ નીરસ લાગતું હતું. જાણે કે રંગીન દુનિયાનાં રંગ જ ઉડી ગયા હતા.
‘આ વખતે સરસ તૈયાર થજે. એટ લિસ્ટ તને આ છોકરો પસંદ પડી જાય.’ મમ્મીએ મારી જૂની કુર્તી તરફ નજર નાંખીને ટકોર કરી.
પરિક્ષામાં નિષ્ફળતા પછીના ત્રણથી ચાર મહિનાઓમાં હું પાંચ છોકરાઓ જોઈ ચૂકી હતી. મારા યુ.એસ. જવાના પ્લાન પર ઠંડુ પાણી રેડાયા પછી પપ્પાએ નવી ઝુંબેશ ઉપાડી હતી. મારા માટે એન. આર. આઈ. મૂરતિયા શોધવા તેમણે જાણે કમર કસી દીધી હતી. પણ વડીલોના શબ્દોમાં જે છોકરાઓ વેલ-સેટલ હતા તેમાં ઉંમર નડતી હતી અને મને જે પસંદ પડે એમની જિંદગી હજી પાટે નહોતી ચડી. મને જો કે આ પરિસ્થિતિથી કોઈ જ ફેર નહોતો પડતો કેમ કે મારી પાસે જાણે ન હતા સપનાઓ કે ન હતી આશા. અંતે મમ્મીની ટકોરને ધ્યાનમાં લઇને મે ફ્લાવર પિંક કુર્તી પહેરી. કાચમાં પોતાની જાતને આજે હું જાણે વર્ષો પછી જોઈ રહી હતી. પોતાને નિરખતી વખતે જાણ થઈ કે હવે પર્સનાલિટી બદલવાનો સમય આવી ગયો છે. આજે મારી આંખો કાચમાં પોતાની જાતને ઓળખવા મથી રહી હતી. ઉંડી ઉતરી ગયેલી આંખો મહિનાઓના ઉજાગરાની ચાડી ખાતી હતી.એક નાનકડી સ્માઇલ માટે જાણે હોંઠોને કિલો – બે કિલોનું વજન પડી રહ્યું હતું અને વાળની હાલત તો એવી હતી કે વિચારોના અતિરેકથી હમણાં ખરી પડશે. આવા અળવીતરા વિચારોથી પોતાના પર જ હસવું આવી ગયું.
ટેબલના ડ્રોવરમાંથી કાજલ અને લિપસ્ટીક કાઢી અંતે હું પર્સનાલટી થોડી ડેવલપ કરવા પ્રયત્ન કરવા લાગી.
હજી કાજલ લગાવતી જ હતી ત્યાં પપ્પાનો અવાજ સંભળાયો.
‘ સિધ્ધિ…’ જાણે કે મને કહી રહ્યા હતા કે છોકરાવાળા આવી ગયા છે.
‘ શાંતિથી પહોંચી ગયાં ને? ‘ પપ્પાએ કોઈ અંકલને પૂછ્યું.
હજી લિપસ્ટિક લગાવી ત્યાં મમ્મીએ બૂમ પાડી અને હું દોડીને તેમને મદદ કરવા રસોડામાં પહોંચી.
પાણીની ટ્રે લઇને હું અને મમ્મી મેઈન રૂમમાં દાખલ થયા ત્યાં જ મારી અને શ્રેયની નજર એક થઈ.
‘ તમારે વાતો અને ઓળખાણ કરવી હોય તો કરી લ્યો.’ શ્રેયના મમ્મી બોલ્યા.
‘ એમ બોલો ને કે એકબીજાની કેપેસિટી જાણવા માટે સવાલો કરી લ્યો.’ હું મનોમન બબડી પણ મારા માટે હવે આ કઈ નવું ન હતું.
હોલમાંથી અમે બંને મારા રૂમ તરફ જઈ જ રહ્યા હતા ત્યાં શ્રેયએ પહેલો સવાલ કર્યો.
‘ તમારો ફ્યુચર પ્લાન શું છે? ‘
‘ ખાસ કંઈ નહિ ! ‘ મે તેને ખુરશી આપતા જવાબ વાળ્યો.
‘ તો તમારો જોબ કરવાનો કોઈ પ્લાન નથી? ‘ એણે એ જ સવાલ ફેરવીને પૂછ્યો.
‘ મારા ખ્યાલથી કેનેડામાં સારી જોબ માટે પહેલા સ્ટડી કરવું પડે ‘ મે મારા નોલેજને છુપાવતા કહ્યું.
‘ પણ એ તો તમારા ફાધર ભણાવશે જ ને, બાકી સ્ટોર કે મોલમાં તો જોબ મળી જતી હોય છે.’ શ્રેય જાણે મારી સાથે બિઝનેસ ડિલ કરતો હોય એમ બોલ્યો.
‘ જોબ કરવી જરૂરી છે? નો ડાઊટ બંનેનો સાથ સહકાર જીવનમાં જરૂરી છે પણ સ્વમાન મૂકીને મોલ કે સ્ટોરમાં જોબ કરવી મારા ખ્યાલથી યોગ્ય નથી.’ મે મારા ગુસ્સા પર કાબૂ રાખી શાંતિથી જવાબ આપ્યો.
‘ તો ઘરે બેસીને બોજ તો ના જ બનાય, જેમ તમે અત્યારે તમારા મમ્મી – પપ્પા પર બની રહ્યા છો. એ પણ આટલું સારું ભણ્યા પછી અને આટલા ખર્ચ કર્યા પછી.’ અંતે એક ટિપિકલ સોસાયટીના વિચારો તેના શબ્દોમાં દેખા દઈ ગયાં.
‘ મારે લગ્ન જ નથી કરવા. ‘ મેં ઉભા થઈને ઊંચા અવાજે બોલી દીધું, જેનો પડઘો છેક હોલ સુધી પડ્યો.
‘ તે દિવસે ઘરમાં કોઈ જમ્યું ન હતું. પણ હા! મારી અંદર ઉભા થવાની હિંમત આવી ગઈ હતી.’ મે વાત પૂરી કરતા કહ્યું.
‘ આજકાલના છોકરાઓ સાચે સ્વાર્થી થઇ ગયા છે,’ મીરા પોતાના વિચારો વ્યક્ત કરતા બોલી.
‘ તને એવું લાગે છે કે આપણે વર્કિંગ વુમન છીએ?ના….. આ સ્વાભિમાની જીવન જીવવા માટે આપણે જોબ કરવાનું નક્કી કરીએ છીએ પણ ઘરના કામ અને જોબના ભારતળે દબાતા જઇએ છીએ, બાંધતા જઈએ છીએ, અહી વાંક શ્રેયનો નથી, આપણી સોસાયટી જ અમુક વિચારોથી બંધાયેલી છે, એ જ જૂની જડતા અને સિદ્ધાંતોથી.’ હું મારા નારી-સશક્તિકરણના વિચારો રજૂ કરતા બોલી.
‘ ચલ હવે આગળનું પેજ ખોલ. ‘ વિધિ બોલી.
અને મે વાત આગળ વધારી.
ક્રમશ
– યશા પંડિત


















































