નેહા શર્માનું દિલ ઈન્ટરવ્યુ માટે આવેલ યુવા કેન્ડિડેટને જોઈ ધબકાર ચૂકી ગયું. એ જ સ્ટાઈલ, એ જ પર્સનાલિટી અને ચહેરો પણ એ જ, “આ અશક્ય છે. ” એ જ વાત મગજમાં ઘૂમરાતી રહી.
નેહાએ તંદ્રામાંથી જાગૃત થઈ પહેલો સવાલ જ એ કર્યો, “મિસ્ટર.. તમે અમદાવાદનાં છો? “
“જી, મેડમ હું મિહિર, વર્ષોથી અહીં દિલ્હીમાં જ છું. ” મિહિરનો ઉત્તર સાંભળી નેહા ક્ષણ ભર છોભીલી પડી ગઈ.
મિહિરે આગળ વાત વધારી ,”પણ મારા મમ્મી અમદાવાદનાં છે.”
વળી નેહા અતીતમાં ખોવાઈ ગઈ, મૃત્યુ પામ્યા પહેલાં પતિએ કહેલાં શબ્દો યાદ આવ્યાં, “માફ કરજે નેહા, મે દિલથી તને પૂરો ન્યાય આપવા કોશિશ કરી, પણ મારા પહેલાં પ્રેમને ન ભૂલી શક્યો, પણ હા.. મે આપણાં લગ્ન પછી એને મળવાની કોશિશ પણ કરી નથી, પરંતુ હમણાં થોડાં દિવસો પહેલાં મને જાણ થઈ છે કે મારો એક દીકરો પણ છે.”
શ્વાસ ચડી ગયો, થોડી વાર થોભી આગળ વાત વધારી, “કુદરતનો ન્યાય તો જો એ બાપ વગર મોટો થયો અને હું સંતાન વગર ઝુરતો રહ્યો. ” આટલું બોલી ધ્રુસકે ધ્રુસકે રડતાં પતિનો ચહેરો યાદ આવ્યો.
મિહિરે નેહાને તંદ્રામાંથી જાગૃત કરતાં કહ્યું,” મેડમ તમારી તબિયત તો સારી છે ને? “
મિહિર મેડમની વર્તણુક સમજી ન શક્યો, નેહાએ ફરી સવાલ કર્યો, “તમારા મમ્મી હાલ..? “
વાત કાપતાં મિહિર બોલ્યો, “ગત તારીખ 12/05 એટલે કે આઠ મહિના પહેલાં જ મારા મમ્મીનું નિધન થયું છે. “
નેહા સ્વગત બોલી, “12/05 ..અચ્છા તો અધુરુ મિલન પુરૂ થયું ખરુ. “
અને પોતાનાં દિલમાં ઊઠેલી ટીસને દિલમાં દબાવી અને કહ્યું “મિહિર તમારી જોબ કન્ફોર્મ છે.”
અને પોતાનાં પતિનાં આત્માની શાંતિ માટે એક નિર્ણય લીધો.
– જાગૃતિ કૈલા
Related