સવારે ઉઠતાની સાથે જ નિલાંગે પોતાનો ફોન ચેક કર્યો. બે-ચાર આડા-અવળાં કંપનીના મેસેજ સિવાય કશું એનાં હાથે ન લાગ્યું. એક લાંબો નિ:શ્વાસ નાખી આંખો બંધ કરીને બંને હાથે માથું પકડ્યું. તેનું માથું સખત દુખતું હતું, આંખો સૂજી ગઇ હતી. વિખરાયેલાં વાળ, જાગવા છતાં ઉજાગરો દર્શાવતો ચેહરો. તેની મોટી આંખો સોજાના કારણે વધુ મોટી દેખાતી હતી. કોઈપણને વ્હાલો લાગી જાય એવો નમણો માસૂમ ચેહરો અત્યારે ભારોભાર ચિંતા અને મનોમંથનમાં ગૂંથાયેલો હતો. તેને એકવાર તો એવો વિચાર આવી ગયો કે ફોન કરી લઉ. ફટાક કરતી આંખો ખોલીને મોબાઈલ હાથમાં લીધો. ક્ષણિક કઈંક વિચારીને પાછો મૂકી દીધો. તેનું મન ક્યાં દ્વન્દમાં સપડાયું છે તે તેને પોતાને જ સમજાતું ન હતું. આમ ને આમ અસમંજસમાં તેણે પથારીમાં ફરી લંબાવી દીધું અને છત તરફ તાકતો, વિચારતો, જાતને સમજાવતો કે પછી જાતને સમજતો પડ્યો રહ્યો. થોડીવાર બાદ બધાં જ વિચારોને ખંખેરીને ઉભો થયો, પલંગ પરથી ઉતરી રૂમની બહાર કિચનમાં જઈને ગેસ પર ચા મૂકી. તેને હતું કે આમ કરવાથી ગઇકાલ રાતની વાત તેના દિમાગમાંથી નીકળી જશે, પણ એમ થયું નહીં. ચાના ઉભાર સાથે વાતનો ઉભાર પણ શરૂ જ રહ્યો. એક બાજુ ચા ઉકળતી રહી અને બીજી બાજુ નિલાંગનું મન. ચાને મગમાં લઈ બાલ્કનીના ઉભો રહ્યો. બે ચાર સિપ લઈને તેને વિચાર આવ્યો, જે સંબંધ પોતે ત્રણ વર્ષ પહેલાં પૂરો કરી નાખ્યો હતો તેના ઉઝરડાં આજેય અકબંધ હતાં.
“શું તે જીવનમાં આગળ વધી ચૂક્યો છે ખરેખર ?” તેના મને તેને સવાલ પૂછ્યો. જેનો જવાબ “ના” જ હતો. આમ તો આ ત્રણ વર્ષમાં ઘણું બધું બની ગયું હતું. સારી કંપનીમાં સારી નોકરી, આર્થિક સ્થિરતા, આ ઘર, ગાડી… લાઇફ સેટ થઈ ગઈ હતી તેની બીજાની દ્રષ્ટિએ. પણ આમ છતાં નિલાંગ હજુ ત્યાંનો ત્યાં જ હતો જ્યાં ઈશિતા એને છોડીને ગઈ હતી. નિલાંગને આજે પણ એ રાત યાદ છે, સંપૂર્ણ રીતે. ફિલ્મ સ્ટ્રીપની જેમ સદૈવ તેની સામે એ ફર્યા કરે છે અને નિલાંગને બધું ગુમાવ્યાનો ડામ આપ્યાં કરે છે. તેનું ધ્યાન હાથમાં પકડેલા મગ પર ગયું જેમાં ચા ઠરી ગઈ હતી. છતાં એકઝાટકે વધેલી બધી ચા પી ગયો. કપ મૂકી પાળી પર હાથ ફેલાવી ઉભો રહ્યો.
નિલાંગ એક સમજદાર, બુદ્ધિશાળી છોકરો હતો. એણે ક્યારેય પોતાનો સંબંધ તૂટવાનો કે પોતાની જિંદગી ઉથલપાથલ થયાનો દોષ ઈશ્વરને નો’તો આપ્યો. તે સમજતો હતો કે પ્રેમ અને લાગણીથી ઘર નથી ચાલતું. તેનાં માટે પૈસાની પણ જરૂર પડે છે, જે ત્યારે તેના પાસે પૂરતા ન હતા અને એમાં કોઈનો વાંક પણ ક્યાં હતો ? તેને ઈશિતા યાદ આવતી, નિલાંગે સંપૂર્ણ સાચા હ્રદયથી ઈશિતાને પ્રેમ કર્યો હતો. જોનાર સૌની આંખમાં વસી જાય એવું જોડું હતું એમનું. પણ જે થવાનું હોય છે એ જ થાય છે તેમ વિચારીને નિલાંગ જાતને મનાવી લેતો તેમ છતાં હજી ઈશિતાની યાદોથી ઘેરાયેલો રહેતો. એને બીજી કોઈ સ્ત્રીને પોતાની લાઇફમાં પોતાની નજીક આવવા દીધી ન હતી કે આવવાં દઈ શક્યો નથી એ પોતે જ નથી સમજી શક્યો. ગઈકાલ સાંજે કંપનીના કામથી તે અને તેની ઓફિસનો કલિગ, અન્ય પાર્ટીના બે વ્યક્તિ સાથે મિટિંગ કરવા ‘ડિલાઇટ’ માં રાહ જોતા બેઠાં હતા, બીજી પાર્ટી હજી સુધી આવી ન હતી. ત્યાં દૂરથી તેને ઈશિતા પ્રવેશતી દેખાઈ, ઘડીક તો એનું મન હા-નામાં વ્યસ્ત રહ્યું, પછી જરાક નજીક આવતાં નિલાંગને વિશ્વાસ થઈ ગયો કે એ જ છે. લગભગ સાડા ત્રણ વર્ષે ફરી એને જોઈ એ વિચારે અજાણતા તેના મુખ પર સ્મિત આવી ગયું જે જોઈને એના કલિગને પણ નવાઈ લાગી. ઈશિતાની સાથે જ એક ગોરો, ઊંચો, પહોળા ખભા ને આકર્ષક કટિ, નખશિખ હેન્ડસમ યુવાન, લગભગ પોતાની જ ઉંમરનો, સાથે આવતો હતો એ ખ્યાલ આવતાં જરા વાર થઈ ગઈ અને બે જ ક્ષણમાં એ છોકરો નિલાંગની સામે આવીને ઊભો રહ્યો, હળવી મુસ્કુરહાટ સાથે પોતાની ઓળખાણ આપી. ‘હેલો, આઈ એમ અભિમન્યુ મલ્હોત્રા’ અને પોતાનો હાથ આગળ વધાર્યો. નામ સાંભળતા જ નિલાંગની સાથે આવેલો કુલકર્ણી સફાળો ઊભો થઈ ગયો, અભિમન્યુ સાથે હાથ મેળવી ઔપચારિક વાત કરી. આ એ જ ક્લાઈન્ટ હતા જેમની તેઓ રાહ જોતા હતાં. નિલાંગ આ બધું વિસ્ફૂરિત આંખે જોઈ રહ્યો, તેનું મગજ બંધ થઈ ગયું હતું. ઈશિતા પણ આઘાતમાં ચૂપચાપ જ ઊભી હતી. કુલકર્ણીએ નિલાંગનો ખભો થપથપાવ્યો, ‘સર, ઈઝ એવરીથિંગ ઓલરાઇટ?’ તેના કહેવાથી જાગૃત થયેલો નિલાંગ જાતને સ્વસ્થ કરીને ઊભો થયો. મલ્હોત્રા સાથે હાથ મેળવી, થોડી વાત કરી ત્રાંસી આંખે ઇશિતાને બે-ત્રણ વાર જોઈ લીધી એટલે અભિમન્યુએ ઓળખાણ કરાવતાં કહ્યું,
‘મીટ માય વાઇફ, ઈશિતા’. આ વાક્યએ નિલાંગને બીજો જટકો આપવાનું કામ કર્યું. તેણે ઈશિતા સાથે હળવું હસ્તધૂનન કર્યું અને નોધ્યું કે ઈશિતાનો સ્પર્શ આજે પણ તેને રોમાંચિત કરવા માટે પૂરતો છે. તેને સ્પર્શતાં જ તેની રકતવાહિનીઓમાં વહેતા રુધિરની ઝડપ ચારગણી થઈ ગઈ હતી. નિલાંગે આગ્રહ કરીને મલ્હોત્રાને બેસાડ્યો, મીટીંગ થઈ, પ્રોજેક્ટને લગતી ચર્ચા થઈ, ડીલ ફાઈનલ પણ થઈ ગઈ અને એની ખુશીમાં ડિનર પણ સૌએ સાથે કર્યું. ખાસ્સી અઢી-ત્રણ કલાક વીતી ગઈ સાથે છતાં, ઈશિતા કે નિલાંગ કશું ન બોલ્યા. જાણે એકબીજાને ઓળખતાં જ ન હોય ! માત્ર ઔપચારિક વાતો જ થઈ. એમ છતાં ઈશિતાને જોઈ રહેવા માટે નિલાંગ પોતાની જાતને રોકી ન જ શક્યો અને ઈશિતા પણ તેને જોતી હતી એ પણ તેનાથી અજાણ્યું ન રહ્યું.
ચા નો મગ ત્યાં જ પડ્યો રેહવા દઈ નિલાંગ પોતાના રૂમમાં જતો રહ્યો ઑફિસ માટે તૈયાર થવા. જ્યાં તેના બૉસ કાલના પ્રોજેક્ટ માટે તેને વધામણાં આપવા તેની રાહ જોતા હતા.

















































