“હેમંત, રાજીવ તમારું જ ખૂન છે. આપણો દીકરો. તમે આવું કેવી રીતે વિચારી શકો છો?”
ત્યારે ઉત્તેજીત થતાં મે રાધિકા પર રાડ પાડી હતી.
“રાજીવનાં દિલની બીમારી આનુવંશિક છે. જે તારા અને મારા આખા કુટુંબમાં કોઈને નથી. તો પછી આ આવ્યું ક્યાંથી?”
રાધિકા કાંઇ બોલે, એ પહેલાં મે કટાક્ષ કર્યો,
“શું મારે ચોખવટ કરવી પડશે? તે આજ સુધી રોનક સાથે સંબંધ રાખ્યો છે.”
રાધિકાના અવાજની પીડા હું કયારેય નહીં ભૂલું.
“હેમંત, રોનક ફક્ત આપણો શુભચિંતક છે.”
“બસ રાધિકા. હવે હું સહન નહીં કરું. આ પાપ ની ગઠરી જેણે આપી છે એની પાસે જઈને ઇલાજનાં પૈસાની ભીખ માંગ.”
બાર મહિના પહેલાં આ કડવા વેણ સાથે મે રાધિકા અને આઠ વર્ષના રાજીવને ઘરમાંથી કાઢી મુક્યાં હતાં. બા કારણ પુછતી રહી અને હું ટાળતો રહ્યો.
“આ અમારી આંતરિક બાબત છે. તું વચ્ચે ન પડ.”
છેલ્લા બે મહિનાથી મે રાધિકાનાં ફોન કે મેસેજનો કોઈ જવાબ નથી આપ્યો. આજે સ્વીકારતાં તકલીફ થાય છે, મારા શંકાશીલ સ્વભાવને સહન કરવો આસાન નથી.
હવે, હોસ્પિટલ જઈ રહ્યો છું તો રાત્રે ફોન ઉપર બાની કિધેલી વાતનાં ભણકારા કાનમાં વાગી રહ્યા છે.
“હેમંત, સાંગલીવાળા ખતી ફઈ યાદ છે? તું તો એમને મળ્યો પણ નથી. બિચારી એમની બાર વર્ષની પૌત્રી, દિલના આનુવંશિક બીમારીથી ગુજરી ગઈ. આ આપણા કુટુંબમાં ત્રીજી મોત છે. ખબર નહીં આપણો આ ખાનદાની રોગ બીજા કેટલા જીવ લેશે?”
ધ્રૂજતા પગલે હું હોસ્પિટલમાં દાખલ થયો અને લિફ્ટમાં આઇસીયું સુધી પોહચતાં દિલને દિલાસો આપતો ગયો.
“પ્રભુ. મારી સમજ ખુલી, દિલના દરવાજા પણ ખુલી ગયાં. બસ રાજીવ………”
આઇસીયુંનો દરવાજો ઉઘાડો હતો. નઝર ઉંચી કરતાં જોયું … દિલના ધબકારાનું મોનીટર ઉપર સીધી લાઇન ચાલી રહી હતી.
–શમીમ મર્ચન્ટ
Related