રાખી ઘરનું બધું કામ કાજ પતાવીને બાર વાગ્યે તો નવરી થઈને બાંધણાં બાંધવા બેસી ગઈ
એની માં લોકોને ત્યાં ઘરકામ કરવા જતી લગભગ દસેક ઘર માં કામ કરતી અને બપોરે અઢી ત્રણ વાગ્યે જ્યારે સૌ શેઠિયાઓના ઘરેથી વધેલી રસોઈના ટિફિન લઈને આવે ત્યારે ત્રણે નાના ભાઈ બહેન ની સાથે એ જમવા બેસતી.
રાખી ને બીજા ત્રણ નાના ભાઈ બહેન હતા. એક દસેક વર્ષની મંદબુદ્ધિ બહેન. એથી નાનો પાંચ વર્ષનો ભાઈ અને સૌથી નાની દોઢેક વર્ષ ની બહેન અને દિવસ રાત દારૂના નશામાં ચૂર રહેતો પિતા… આટલા બધા ને પંદર વર્ષની રાખી એકલા હાથે સાચવતી અને આખા દિવસનું ઘરકામ કરતી. રાખીનો જમણો પગ પોલિયોને લીધે લંગડાતો હતો છતાં એ પોતાની માં ને જીવનમાં સહારો બની રહી હતી.
એક દિવસ સવારે ઘરેથી કામે ગયેલી રાખીની માં કોઈ શેઠને ત્યાં રસોઈ કરવામાં ગંભીર રીતે દાઝી ગઈ અને ત્રણ ચાર દિવસમાં તો મૃત્યુ પામી.
રાખીના પિતાને તો કોઈ હોશ જ ક્યાં હતા ? એને ક્યાં ખબર હતી કે પોતે શું ગુમાવ્યું છે ?!?
નાની ઉંમરે રાખી ને માથે આખા ઘરની જવાબદારી આવી પડી. હવે એની માં ની જગ્યાએ રાખી કામે જવા લાગી અને એની એક દુરની ફોઈ જે સાસરેથી પાછી આવેલી, એકલી જ પાડોશમાં રહેતી એ હવે રાખીના ઘેર જ રહેવા લાગી ત્રણે બાળકો ને સાચવવાની જવાબદારી એ ફોઈએ લીધી. હવે રાખી કામે તો જતી પણ પોતાના પોલિયો વાળા પગ ને લીધે ઝાઝા ઘરે પહોંચી ન શક્તી અને એની માં ના દાઝી ગયા પછી રસોઈના કામ એને કોઈ આપતું નહોતું. હવે ટિફિન ન આવે એટલે રસોઈ ઘરે કરવી પડે જેથી ખર્ચ પણ વધે અને ઓછા કામ ને લીધે આવક પણ ઓછી. પહેલા મા દીકરી બન્ને કામ કરતા. રાખી ઘરે રહીને બાંધણાં બાંધતી અને હવે દરેક વાતે મુશ્કેલીઓ વધવા લાગી અને કાયમ રાખીના જ હાથમાં રહેલી નાની બહેન….એની તો મા જ રાખી હતી. એ આખો દિવસ રડતી રહેતી. મહા મહેનતે ફોઈ છોકરાંઓ ને સાચવતા અને ઓછામાં પુરુ રાખીના પિતા દારૂ પીવા માટે રૂપિયા ન મળતા ઘરમાં ખૂબ ધમપછાડા કરતા. ક્યારેક તો માસુમ બાળકોને ઝૂડી નાખતો આ બધું જોઈને રાખીને માની ખૂબ જ યાદ આવતી. એ નાના ભાઈ બહેન ના આવા હાલ જોઈ ના શક્તી. ફોઈ એપણ હવે પોતાની રૂમ ભાડા પર આપી દીધી અને ઘરખર્ચમાં થોડી રાહત રહે તેવી ગોઠવણ કરી દીધી. બહેનને મંદબુદ્ધિ બાળકોની સ્કૂલમાં મુકવા નું વિચાર્યું અને ભાઈને સરકારી સ્કૂલમાં દાખલ કર્યો. નાનકી હવે ત્રણ વર્ષની થવા આવી. પિતાને ઘણાં બધા રૂપિયા મળશે એવી લાલચ આપીને નશામુક્તિ કેન્દ્ર માં મૂક્યા.
હવે રાખી ઘરે ઘરે કામ કરવા જતી ન હતી પણ એના પાડોશમાં હમણાં જ રહેવા આવેલા ચાઈનીઝ ફૂડની લારીવાળાને ત્યાં બે વખત વાસણ માંજવા જતી. એ સિવાય કેટરિંગવાળાની સાથે રોજમદારી કામે જતી. આવક સારી અને જમવાનું ટિફિન મળે એટલે રસોઈ ન કરવી પડે. એથી બચત પણ થવા લાગી રાખી ને હવે અઢાર વર્ષ થવા આવ્યા. એ જ્યાં કામે જતી એ ચાઈનીઝ વાળો પર પ્રાંતીય યુવાનની સાથે રાખી ને અનુરાગ થયો. એ યુવાન લગ્નનો પ્રસ્તાવ લઈને ફોઈ પાસે આવ્યો. ફોઈ હવે પોતાનો દાખલો લઈ રાખી માટે કોઈ જાતની ગફલતમાં રહેવા નહોતા માંગતા. એમણે એ યુવાન ને ઘણા સવાલો પૂછ્યા અને એ યુવાન રાખીના નાના ભાઈ બહેન અને પિતાની તમામ જવાબદારી સ્વીકારવા તૈયાર હતો અને ત્યારે ફોઈને થયું રાખી ખૂબ જ નસીબદાર છે. પોતાની નાતમાં પણ આવી પગે ખોટ વાળી છોકરીને કોઈ લેવા તૈયાર ના થાય તો આ યુવાન રાખી માટે સારામાં સારો છે.
હવે માત્ર રાખીના પિતાને વાત કરવાની બાકી હતી. એ નશામુક્તિ કેન્દ્ર માં થી ભાગીને ઘરે આવી ગયો હતો અને કોઈપણ ઉપાયે દારૂ છોડવા નહોતો માંગતો એણે પોતાની નાતમાં કોઈ મોટી ઉંમરનો બીજવર અને ત્રણ છોકરાંઓ બાપ એવો ખૂબ જ પૈસાદાર શોધ્યો હતો રાખી માટે…અથવા એમ કહીએ કે એણે વેંચી દીધી હતી પોતાની દીકરીને. એ દિવસે એ થેલીમાં રુપિયાની થપ્પીઓ લાવ્યો હતો અને કહ્યું કે, “ખબરદાર કોઈ બીજાની વાત કરી છે તો મેં જ્યાં નક્કી કર્યું છે ત્યાં જ પરણાવીશ.” રાખી ને એટલું કહીને ગુસ્સામાં ધમધમતો ચાલ્યો ગયો એ વાતને હજુ બે એક દિવસ થયા હશે અને રાખીને રસ્તે જતા એક અજાણ્યા માણસે રોકી અને પોતાની જાતને રાખીનો પતિ હોવાનું કહેવા લાગ્યો. એ કહે કે હવે તારે કામ કરવાની કે બહાર ક્યાંય જવાની જરૂર નથી. આજ પછી ઘરની બહાર પગ મૂક્યો છે તો જે પગ સાજો છે ને એ પણ ભાંગી નાખીશ. રાખી ખુબ જ ડરી ગઈ હતી. ઘેર પહોંચીને ફોઈના ખોળામાં માથું મૂકીને ખૂબ રડી પડી. ફોઈને બધી વાત કરી. ફોઈએ કહ્યું, “તું મૂંઝાઈશ નહીં આપણે કંઈક રસ્તો કાઢશું. હું છું ને તારી સાથે. તું જરાય ચિંતા કરીશ નહીં.”
બીજા દિવસે ફોઈએ પેલા ચાઈનીઝ વાળા યુવાનને બોલાવ્યો અને બધી વાત કરી અને કહ્યું કે, “જો ભાઈ… હું તારા પર ભરોસો કરીને મારી દીકરી તને સોંપુ છું. ક્યારેય મારી દીકરીને દુઃખી નહિ કરે એવું વચન આપ મને.” એ યુવાને વચન આપ્યું અને ફોઈએ પોતાના થોડા ઘરેણાં અને પેલી રૂપિયાની થેલી બધું રાખીના હાથમાં મૂક્યું અને નાના ભાઈબહેનને પ્રેમથી એકવાર ભેટી અને ફોઈને સોંપ્યા અને ફોઈને પગે લાગી એ યુવાન સાથે ચાલી ગઈ.
હવે બે દિવસની મુસાફરીના અંતે તેઓ યુવાનના ગામમાં હતાં. ખૂબ ખુશીઓથી ત્યાં નવી વહુનું સ્વાગત થયું. અલગ ભાષાના ભલા લોકો એની આસપાસ હતાં. એ યુવાન પોતાની ભાષામાં સહુને રાખીની ઓળખાણ કરાવતો અને તૂટી ફૂટી ગુજરાતી માં રાખીને બધું સમજાવતો બધા ખુબ જ ખુશ હતા પણ રાખીને ચિંતા હતી નાના ભાઈ બહેનની.
જ્યારે બધા લોકો વિખરાયા ત્યારે એકાંતમાં એ યુવાને રાખીને કોઈક કાગળો આપ્યાં. રાખીએ એ ખોલીને જોયા એ પોતાના ભાઈબહેનોની કસ્ટડી પોતાને મળે એવી અરજી કરતા સરકારી કાગળો હતા એ ખૂબ ખુશ હતી બન્ને ની આંખો ભીની હતી. એ યુવાને પોતાના બંને હાથ ફેલાવ્યા જાણે ખુશીઓ બાહો ફેલાવી રાખીને બોલાવતી હતી અને રાખી હવે એ બાહોમાં ઓસરતી હતી…


















































