બુધવારની સવાર હતી, સવારે સાડા છ વાગ્યાના સુમારે મે મારા રોજિંદા સમય પ્રમાણે મારો નાનકડો ગલ્લો ખોલ્યો, જેમાં હું વાળંદ નું કામ કરું છું. રોજ સવારે સાડા છ વાગ્યાથી લઈને સાડા નવ વાગ્યા સુધી જ હું મારો ગલ્લો ખોલતો, અને પછી નોકરી જવા નીકળતો, સ્વાભાવિક છે કે ગામમાં મારા સિવાય કોઈ વાળંદ છે નહિ એટલે ગ્રાહકોનો ઘસારો થોડો રહે જ, એ દિવસે સવારે પણ સામાન્ય દિવસ ની જેમ જ ગ્રાહકો નો ઘસારો હતો, એવામાં મારો એક જૂનો મિત્ર ગાડીમાં બેસી ને પોતાના પિતા સાથે શહેરથી આવે છે, અને મને કહે છે કે ભાઈ મારો નંબર નોંધી લેજો…
પહેલા તો મને આશ્ચર્ય થયું કે શહેરમાંથી મારા કરતાં વધારે આવડતવાળા અને સારી મોટી એ.સી. વાળી દુકાનમાં વાળ કાપવાના મૂકીને મારા જેવા અણઘડ અને નાનકડા ગલ્લામાં કે જેમાં પૂરતી સુવિધા પણ નથી એવામાં આ ભાઈ શા માટે આવ્યા હશે. પરંતુ એ ભાઈ જૂના મિત્ર હતા અને અમારે સબંધ પણ ખૂબ જ સારા હતા એટલે આવ્યા હશે એમ જાણી મે પ્રશ્ન કરવાનું માંડી વાળ્યું.
એ દિવસે થોડીઘણી વાતચીત કરી અને વાળ કપાવીને એ ભાઈ ચાલ્યા ગયા. એમનો સ્વભાવ અને વાતચીત કરવાની રીત જોઈ ઘણો આનંદ થયો… આ વાત ત્યાં જ પૂરી થઈ ગઈ હોત, પરંતુ બે દિવસ પછી એ ભાઈનો ફોન આવ્યો અને કહેવા લાગ્યા કે, ભાઈ મારા બે મિત્રોને વાળ કાપવાના છે હું એમને ક્યારે લઈને આવું? હવે મારા આશ્ચર્યનો પાર ન રહ્યો, કારણકે અત્યારની પેઢીના છોકરાઓ તો એસી વાળી અને સુવિધાવાળી દુકાનમાં વાળ કાપવાના શોખીન હોય અને આ લોકો મારે ત્યાં અને એ પણ દસ કિલોમીટર દૂર શહેરની દુકાન મૂકીને મારે ત્યાં જ્યાં પૂરતી લાઇટની પણ સુવિધા નથી, ત્યાં કેમ આવ્યા હશે? અને એ પણ મારા સમયને ધ્યાન રાખીને કે મને નોકરી જવામાં તકલીફ ના ઊભી થાય…
આવા પ્રશ્નો સહેજે મારા મનમાં ઊભા થાય એ સ્વાભાવિક છે, કારણકે હું જે ગામમાં રહેતો ત્યાંના યુવાનો બાજુના શહેરમાં વાળ કપાવવા જતા અને આ લોકો શહેરથી મારે ત્યાં આવે ? એ વાત મને સમજાઈ નહિ….
મારા પર ફોન આવ્યાના બીજે દિવસે મે જે સમય આપ્યો હતો, એ જ સમયે એ ભાઈ બીજા બે ભાઈઓને લઈને મારે ત્યાં આવ્યા અને પૂછ્યું ભાઈ નોકરી જવામાં મોડું થાય એમ નથી ને… મે મારા સામાન્ય સ્વભાવ પ્રમાણે સ્મિત સાથે કહ્યું ના ભાઈ ના… હજુ મારી પાસે પૂરતો સમય છે. આપનું કામ થઈ જશે! સાથે આવેલા બંને ભાઈ પણ સ્વભાવે ખૂબ જ સરસ અને વિનમ્ર હતા.
આ ઘટના બીજીવાર પણ પુનરાવર્તિત થઈ ત્યારે મે મારી ધીરજ ખોઈને મારા જૂના મિત્રને પૂછી જ લીધું કે ભાઈ તમે મોટા શહેરની આટલી વ્યવસ્થીત અને મોટી દુકાનો મુકીને મારે ત્યાં નાના ગલ્લામાં વાળ કપાવવા કેમ આવો છો? અને એ પણ મારા સમયને ધ્યાનમાં રાખીને… તમે શહેરમાં જ વાળ કપાવી લો તો તમારો ઘણો સમય અને પેટ્રોલના પૈસા બચી શકે એમ છે.
આ સાંભળીને એ ભાઈએ હસીને કહ્યું ભાઈ તારું કામ અમને ફાવી ગયું છે, અને આપણે મિત્રો છીએ એ બહાને મળી પણ લેવાય છે…
વાત એમની વ્યાજબી જ હતી, પણ કોણ જાણે કેમ મને ગળે ઉતરતી નહોતી….તો ય મે સામો પ્રશ્ન ના કર્યો અને એ વાત ને પડતી મૂકી. અને ભુલાઈ પણ ગયી. પછી તો એ ભાઈ મારે ત્યાં સમયાંતરે મુલાકાત લેતા રહ્યા અને એમના મિત્રો પણ મારે ત્યાં આવતા રહ્યા.
થોડા સમય બાદ મારે એમના જ શહેરમાં જવાનું થયું અને એક મિત્ર સાથે મુલાકાત થઈ જે મારા પેલા મિત્રના પણ મિત્ર હતા. એમની સાથેની વાતચીત દરમ્યાન જાણવા મળ્યું કે, મારા એ મિત્ર અને એમના બંને મિત્રો મારી મદદ કરવા માટે મારે ત્યાં વાળ કપાવવા આવતા હતા. મને આર્થિક રીતે સહાય કરવા માટે એ છેક શહેરથી મારે ત્યાં વાળ કપાવવા આવતા અને મને મદદ કરી રહ્યા છે, એવો સહેજે આભાસ કરાવ્યા વગર….
આ સાંભળીને મારું મન ભરાઈ આવ્યું, અને આંખોમાંથી આંસુ નીકળી ગયા, કે આજના સમયમાં આવા લોકો પણ છે, જે નિસ્વાર્થ ભાવે મદદ કરી જાણે છે, અને મદદ કરનાર વ્યક્તિને ક્ષોભ પણ ના થાય એવી રીતે….
હજુ મે એ ભાઈ ને વાત નથી કરી કે મને જાણ છે કે એ મારી મદદ કેમ કરી રહ્યા છે. જેમ ચાલે છે એમ ચાલવા દઉં છું, હવે હું બમણા ઉત્સાહ અને આનંદથી એ ભાઈઓને વાળ કાપી આપુ છું. અને એ ભાઈઓ પણ ખુશ થાય છે, મારા કામથી.
વાત બહુ સરળ છે, કે કોઈની મદદ કરવી છે, અત્યારે જ્યારે લોકો મદદ કરવાને બહાને ફોટા પાડીને સોશિયલ મીડિયામાં અપલોડ કરીને સસ્તી પ્રસિદ્ધિ મેળવે છે, ત્યારે આવા માણસો મળવા ખૂબ જ અઘરા છે, જે મદદ પણ એવી રીતે કરે જેનાથી મદદ લેનાર વ્યક્તિને ક્ષોભ ના અનુભવાય.


















































