ગિર વીંધીને રાવલ પડી છે. આભે અડવાની હોડ રમતી હોય તેવી એની ઉંચી ઉંચી ભેખડો ચડી છે. ઉંચેરી ભેખડોને માથે પણ ક્યાંઈક ક્યાંઈક ડુંગરા ઉભા છે. ભેખડોના પેટાળમાં પાળો આદમી પણ ન વીંધી શકે એવી ઘોર ઝાડી ઉભી છે. એ ઝાડીને ઝાળે ઝાળે સાવઝ હુંકે છે. જેવા ડુંગરા, જેવી વનરાઈ, જેવા સાવઝ, તેવા જ ત્યાં વસે છે નેસવાસી રબારીઓ ને ચારણ આયરો : તેવી જ ચરે છે સાવઝશૂરી ભેંસો : આમ રાવલની ગોદમાં તો બધાં બળીયાં જ પાકે છે. સાદુળાની માતા જાણે કોઈ પૂર્વ જૂગમાં શા૫ લાગ્યાથી નદી બની ગઈ છે. ઉનાળે શિયાળે અબોલ ચાલી જતી રાવલ આજ ચોમાસે ભાદરવાના ભરપૂર વરસાદમાં હાથીના ય ભુકા બોલાવે એવી મસ્તીમાં બે પૂર ચાલી જાય છે. પાણીની થપાટો ખાઈને જાણે રાવલની ભેખો રીડીયા કરે છે. દયા માયા એને સંસારમાં કોઇની રહી નથી. પ્રવાહમાંથી અવાજ ઉઠે છે કે માર માર ! માર માર માર ! બીજી વાત નહિ.
શક્તિએ સમર્પેલ રોઝડાં સાંકડો ગાળો ગોતીને ટપી ગયાં. સામે કાંઠે ઉતર્યા પછી પાછા ફરીને બેય ભાઈ જુનાગઢી સેનાની સન્મુખ ઉભા રહ્યા. રાવલે ફોજને સામે કાંઠે જ રુંધી રાખી હતી. સંધ્યાની લાલ૫માં રંગાતી આ બે મરણીયા ક્ષત્રિઓની મુખકાંતિ નિહાળીને પઠાણો પાછા ફર્યા. આંખે તમ્મર આવે એવો ઉંડો વાંકળો સૂવરનળો અને એવી જ ઝેરકોશલી નદી : એને કાંઠે કાંઠે નાનકડી સાંકડી કેડી છે. જાણભેદુ વિના બીજું કોઈ એને જાણતું નહિ. કેડીએ રોઝાડાં હાંકીને બેય ભાઈ ટોચે પહોંચે છે ને ત્યાં ડેલીબંધ દરવાજે થોભાળા રજપૂતોની ચોકી વળોટી અંદર વેજલકોઠામાં જાય છે. અંદર પહોળી જગ્યામાં દરબારગઢ બાંધેલો છે.
સૂવરનળો, રાવલ અને ઝેરકોશલી: ત્રણે નદીઓએ જાણે કે ચોપાસ આંકડા ભીડીને વેજલ-કોઠાને વચમાં લઈ લીધો છે. ક્યાંયથી શત્રુઓ ચડી શકે તેમ નથી. ભેખડો ઉંચી આભઅડતી અને સીધી, દિવાલ સરખી છે. પછવાડે પાણીની મોટી પાટ છે. એમાંથી બહારવટીયા પાવરે પાવરે પાણી ખેંચતા. તે પરથી એનું નામ પાવરાપાટ પડ્યું છે. વાંદરાં પણ ન ટકી શકે એવી સીધી એ કરાડ છે. ગીર માતાએ જાણે બહારવટીયાને પોતાની ગોદમાં લેવા સારુ આવી વંકી જગ્યા સરજી હશે.
એક બુઢ્ઢા રજપૂત સામે આંગળી ચીંધીને જેસોજી બોલ્યા,
“ભાઈ વેજા ! જોયા દાદાને ?”
“હા, ત્રીજી પેઢી સુધી એને માથે ય આ વીતક વીતવાં લખ્યાં હશે ને !”
“ઉઘાડે ડીલે બેસીને નીચેથી કાંઈક વીણે છે.”
“અને વીણી વીણીને ખંભા ઉપર શું નાંખે છે ?”
બે ય પૌત્રો દાદાની પડખે ગયા. ઉધાડી પીઠ ઉપર માંસમાં મોટા ખાડો દીઠો. ને ખાડામાં કીડા ખદબદે છે.
“કાં દાદા ! પાઠાને કેમ છે ?”
“બાપ ! જીવાત્ય પડી ગઈ. ઉઘાડું છું ત્યાં તો ઉછળી ઉછળીને બહાર પડે છે.”
“તે પાછા વીણો કાં ?” “બાપ ! એને મરવા ન દેવાય. પાછા પાઠામાં મેલું છું. એને એનું ઘર છંડાવાય કાંઈ ?”
“અરે દાદા ! જીવાત્યને આમ જીવાડવી ! ફોલીને ખાઈ ન જાય ?”
“પણ બેટા ! બહારવટાંનો ધરમ તો જતિધરમ છે. જીવાત્યને મરવા ન દેવાય. એનાં જતન કરાય.”
“તે સાટુ તો આપણે રોજ પાઠામાં શેર લોટનો પીંડો કરીને ભરીએ: જીવડાં લેાટ ખાય ને કાયા બચી જાય: બે ય વાત સગવડ.”
દુઃખીયો ડોસો લ્હેરથી દાંત કાઢવા લાગ્યો.
ધોળી ફરફરતી દાઢીના કાતરાવાળો દાદો ગંગદાસ સંત સરખો દેખાતો હતો. બહારવટીયાના બાપનો એ સગો કાકો હતેા. જુવાનીથી માંડીને આજ એંશી વર્ષ સુધી એ જુનાગઢ અમદાવાદની સામે ઝૂઝતો હતો. હવે બે ભત્રીજાના દીકરાને તૈયાર કર્યા પછી પોતે થોડો થેાડો વિસામો લેતો હતો. બહારવટાંના ઉંચા ધર્મોની તાલીમ એણે બે ય ભાઈઓને પહેલેથી જ દીધી હતી.
“ દાદા !” જેસાએ કહ્યું, “હવે તો સાવ વિસામો જ લ્યો. આ પાઠા સોતા અમારી સાથે કેટલાક આંબી શકશો ? કયાંય લોટ મળ્યો, ન મળ્યો !”
“ભાઈ ! વિસામો તે આ શરીર શી રીતે માણે ? મન અમદાવાદ-જુનાગઢના કોટ કાંગરા માથે ઠેક દઈ રહ્યું છે. પણ શરીર મનના દોડમાં આંબતું નથી તેથી આંહી બેઠું બેઠું, જાણે રૂંવે રૂંવે શૂળા પુરોવતા હોય એવું આકળું બને છે.
“બાપ ! એકવાર અમદાવાદ શેરની બજારમાંથી સાચાં મોતીની માળા ઉપાડી આવું, છેલ્લીવાર પાદશાને જાસો દઈ આવું. પછી હાંઉ ! કાયમનો વિસામો. બીજો અવતાર ક્યાં બારવટું ખેડવા આવવું છે ?”
રાખમાં ભારેલા અગ્નિની માફક અંદરથી સળગતો ડોસો, ઉપરથી આવાં નિરાંતનાં વેણ બોલતો બોલતો પાઠામાં લોટનો પીંડો ભરતો જાય છે, ને હેઠાં ઝરી જતાં જીવડાંને પાછાં ઉપાડી ખંભા નીચેના એ મોટા જખમમાં મૂકતો જાય છે. જીવડાં સુંવાળા સુંવાળા માંસના લોચામાં બટકાં ભરી રહ્યાં છે, પણ દાદાના મ્હોમાં તો સીસકારો ય નથી. આ દેખાવ જોઈને બારવટીયાનાં કલેજામાં જાણે શારડી ફરે છે.
===========
તેં માર્યા મામદ તણા ત્રણસેં ઉપર ત્રીસ,
(ત્યાં તો) વધીયું વીઘા વીસ, કબરસ્તાનું કવટાઉત !
[ઓ કવાટજીના પુત્ર ! તેં મામદશા પાદશાહના ત્રણસો ને ત્રીસ પઠાણો માર્યા, તેથી શહેરનું કબ્રસ્તાન વીસ વીઘા વધારવું પડ્યું.]
***
અમદાવાદ શહેરની હીરામોતીની બજારમાં એક હાટ ઉપર ગંગદાસ ડોસા બેઠા છે. ઘોડાની વાઘ પોતાના હાથમાં જ છે. ઢાલ, તલવાર ને ભાલો પોતપોતાના ઠેકાણાસર જ છે.
પારખી પારખીને ડોસાએ મોતી સાટવ્યાં.
મોતીનો ડાબલો શેઠે એના હાથમાં દીધો. પલકમાં બુઢ્ઢો રજપૂત છલાંગ મારી ઘોડાની પીઠ પર પહોંચ્યો. ઝવેરી બેબાકળો બનીને દોડ્યો અને બોકાસાં દીધાં કે “અરે દરબાર ! મોતીનો આંંકડો ચૂકવતા જાવ !”
“આંકડો ચૂકવશે મામદશા બા’દશા ! કહેજે કે કાકો ગંગદાસ મોતી સાટવી ગયા છે, એનાં મૂલ જો એ નહિ ચૂકવે તે હું એનો મોલ ફાડીશ.”
એટલું કહીને ડોસાએ હરણની ફાળે ફાળ ભરવાનો હેવાયો ઘોડો ઠેકાવ્યો અને વેપારીઓનાં બૂમરાણ વચ્ચે કેડી કરતો, ઉભી બજાર ચીરીને બુઢ્ઢો નીકળી ગયો. માર્ગે આડા ફર્યા તેમાંના કૈંક પઠાણ પહેરગીરોનાં માથાં તલવારે રેડવતો રેડવતો ડોસો જાણે ગેડીદડાની રમત રમતો ગયો. કોપાયલા પાદશાહના પાણીપંથા ઉંટ અને ઘોડા બહારવટીયાની પાછળ ચડ્યા. કેડે કેડા રૂંધાઈ ગયા. કૈંક ગાઉની મજલ કપાઈ ગઈ. પણ પાછળ ફોજના ઘોડાની પડધી ગાજતી અટકતી નથી અને ગંગદાસનો ઘોડો ધીરો પડવા લાગ્યો છે.
“કાં દાદા ! ઢીલપ કેમ વરતાય છે ?” જેસો પૂછે છે.
“કાંઈ નહિ બાપ, ઈ તો ગઢપણનું. લ્યો હાંકો !” વળી થોડીવાર હાંક્યા પછી ધીરા પડે છે.
“ના, ના, દાદા ! ખરૂં કહો, શું થાય છે ?”
“બાપ ! વાંસામાં જીવાત્યની વેદના ખમાતી નથી.”
“ભર્યો’તો. પણ ઘણા પહોર વીત્યા. જીવાત્ય ફરીવાર ભૂખી થઈ હશે.”
“કણી અફીણ હશે ? તો ડીલને ટેકો થાય ને પીડા વિસરાય.”
ત્રણેમાંથી કોઈના ખડીયામાં કણી અફીણ નથી નીકળ્યું. ઘોડાં પૂર પાટીએ લીધે જાય છે. ઉભું તો રહેવાય તેમ નથી. એમાં જેસાજીને ઓસાણ આવ્યું.
કાળી ને જરાક પલળેલી જમીન આવી ત્યારે ભોંમાં ભાલો; ખુતાડીને એણે ઉંચો લઈ લીધો. ભાલાને કાળો ગારો ચોંટી ગયો હતો તે ઉખેડી, જેસાજીએ અફીણ જેવી ગોળી વાળી.
“લ્યો દાદા, અફીણ ! ઠાકરની દયાથી મારા માથામાંથી આટલું જડી આવ્યું.”
આફીણ જાણીને ગંગદાસજી આરોગી ગયા. વેદના થોડી વાર વિસારે પડી. ફરી ટટ્ટાર થઈને ઘોડો દોટાવ્યો. પણ વેદના સહેવાતી નથી. પાઠામાં ખદબદતી જીવાત્ય શરીરની કાચી માટીમાં ઉડી ને ઉંડી ઉતરતી જાય છે. ગંગદાસજીએ ઘોડો ઉભો રાખ્યો, નીચે ઉતરીને ધરતી ઉપર બેસી ગયા અને દીકરાઓને સાદ દીધો :
“જેસા વેજા ! બાપ, બેમાંથી એક જણો ઝટ મારૂં માથું વાઢી લ્યો. પછી માથું લઈને ભાગી નીકળો ”
“અરે દાદા ! આ શું બોલો છો ?”
“હા બાપ ! હવે મારાથી ડગલું યે દેવાય તેમ નથી રહ્યું. હવે તો આ દેહ આંહી જ રાત રહેશે. હમણાં જ દુશ્મનો આંબી જાશે. પણ જો અહરાણ મારૂં માથું કાપશે તો હું અસર ગતિ પામીશ. માટે મારી સદ્દગતિ સાટુ થઈને તમે માથું વાઢી લ્યો, વાર કરો મા. વાંસે ઘોડાના ડાબા વગડે છે.”
જેસોજી થંભી ગયો. ગોત્રગરદનનું મહાપાપ એની નજર આગળ ઉભું થયું. એ બેાલ્યો “ભાઈ વેજા ! મારો હાથ તો ભાંગી ગયો છે. તારી હિમ્મત હોય તો વાઢી લે.”
“વાઢી લે મારા દીકરા !” ગંગદાસ બોલ્યો. “પાપ નહિ થાય, પુણ્ય થાશે.”
ઘડીભર વેજો પરશુરામ જેવો બન્યો. આંખો મીંચીને એણે ઘા કર્યો. દાદાનું રેશમ જેવું સુંવાળું માથું પાવશમાં નાખીને ભાઈઓએ ઘોડાં દોટાવી મૂક્યાં. માર્ગે ઝાડવાં ને પંખીડાં યે જાણે કળેળતાં જાય છે કે અરે વેજા ! ગોત્રગરદન ! ગેાત્રગરદન ! ગેાત્રગરદન !
બહારવટીયા ઘણું ઘૂમ્યા. પાદશાહી ફોજ માર્ગે ગંગદાસની લાશ ઉપર રોકાઈ ગઈ લાગી. એાચીંતું જેશાજીને ઓસાણ આવ્યું;
“ભાઈ વેજા ! પાદશાહના માણસો દાદાના ધડને શું કરશે ?”
“પણ ચેહમાં માથા વગરનું ધડ બળે તો તો ગજબ થાય. મેાટા બાપુ અસર ગતિએ જાય.”
“તો તો આ ગોત્રગરદન કરી એળે જાય ! શું કરશું ?”
“હાલો પાછા ! ચિતામાં માથુ હોમ્યે જ છૂટકો છે.”
બહારવટીયા પાછા આવ્યા. મરણીયા થઈને ફોજ માથે પડ્યા. દાદાની ચિતા સળગી રહી છે. ભાલાની અણીએ ચડાવેલું માથું ચ્હેમાં હોમી દઈને અલોપ થયા.
(ક્રમશ:)
– ઝવેરચંદ મેઘાણી
Related