શરદ ઋતુનો સમયગાળો સુંદર, મનમોહક અને આહલાદક હોય છે. તેથી જોઆવા સમયે તહેવારો, ઉત્સવો અને પ્રસંગ ઉજવવામાં આવે, યાત્રા પ્રવાસ કે ધાર્મિક સ્થળોએ દેવ દર્શન કરવા માટે જવામાં આવે તો, કુદરત માં રહેલી એક સુંદર કુદરતી સકારાત્મક ઊર્જાનો પણ જનજીવનમાં સંચાર થાય છે. અને આના કારણે આખું વર્ષ મન અને હૃદય પ્રફુલ્લિત રહે છે. નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો નું આથી જ વિશિષ્ટ મહત્વ છે.
વિક્રમ સંવત 2077 નું આગમન થઇ ગયું છે. ધનતેરસથી શરૂ થયેલો મહત્વનો તહેવાર દિવાળી કાર્તિકી પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીનાં દિવસે સમાપન થશે. વેપારીઓએ આખા વર્ષનું સરવૈયુ કાઢીને, લેખા જોગા સરભર કરીને, નવા ચોપડા માંડી દીધા છે. ભગવાન શ્રી દ્વારિકાધીશ જી એ પણ સાંભળતા શેઠ નું રૂપ ધારણ કરીને લોકોને ત્રાજવાથી તોલીને સુખાકારી ની વહેચણી ભાવના આપી છે. ભક્તોને ખુશીઓની લહાણી કરી છે.
આપણા શાસ્ત્રકારોએ જેમ ધર્મ ને ઉત્સવોમાં સમાવિષ્ટ કર્યો છે. તેવી જ રીતે રાજકીય શાસનમાં પણ આ બાબતને આવરી લીધી છે. શ્રીરામ લંકા ઉપરના વિજય મેળવ્યા બાદ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા આવ્યા. અને અવધ વાસીઓએ જે રીતે ઉત્સવ ઉજવ્યો તેનું વર્ણન તો રામાયણમાં મહર્ષિ વાલ્મીકિએ અત્યંત સુંદર અને મનોહારી સ્વરૂપે કયું છે.અને આ સાથે શ્રી રામના રાજ્યાભિષેકથી શરૂ થાય છે નૂતન વર્ષનો પ્રારંભ.
રામ રાજ્યમાં શાસકને સતાની લાલસા ન હોય, પ્રજાની સુખાકારી માં રસ હોય, અને જે રાજ્યમાં ક્યારેય યુદ્ધના થાય તેવી અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રીરામ નું રાજ્ય વિશ્વભરમાં એક ઉત્કૃષ્ટ રાજનૈતિક વ્યવસ્થા ગણાય છે. શ્રી રામ વનમાં ગયા તો ભાઈ ભરત તેમની ચરણપાદુકા લાવ્યા અને તેની સ્થાપના કરીને શાસન ચલાવ્યું, આ છે રામરાજ્ય. આજે મહાસત્તા બનવાની લાલસા માટે લડતા અને ગમે તે કેટલી હદ સુધી જઇ શકતા દેશો અને તેના અયોગ્ય શાસકોને આમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. વિશ્વની મહાસત્તા બની બેઠેલું અમેરિકા તેના અયોગ્ય શાસકની ઘોર બેદરકારીના કારણે તેનું સ્થાન ગુમાવી રહ્યું છે. તો બીજી તરફ ચીનની લાલસા અને બેફિકરાઈ ના કારણે આજે સમગ્ર વિશ્વ તેની આકરી કિંમત ચૂકવી રહ્યું છે. એક જીવલેણ વાયરસના કારણે વિશ્વભરમાં જે ભયંકર નરસંહાર સર્જાયો છે તેની કોઈ પણ શબ્દમાં વ્યાખ્યા થઈ શકે તેમ નથી.
એકંદરે નવા વર્ષના વધામણાં માનવ જીવનમાં આનંદ અને ઉલ્લાસ ની એક ઝલક આપી ગયા. લગભગ છેલ્લા સાત-આઠ મહિનાથી ભયના ઓથા હેઠળ જીવતું માનવજીવન થોડા ઘણા અંશે ધબકતું થયું. જરૂર પૂરતી મર્યાદિત ખરીદી કરીને અંગત કુટુંબીજનો અને મિત્રોને મળીને લોકોએ સાદગીપૂર્ણ રીતે દિવાળી ઉજવી અને ઘણી બધી આશાઓ સાથે નવા વર્ષની શરૂઆત કરી છે.
આ નૂતન વર્ષનું આગમન સ્નેહીજનો મિત્ર મંડળ તેમજ જીવન માટે મંગલમય રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના આપ સૌને નૂતન વર્ષાભિનંદન..
Related