સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્ર શરૂ કરેલ છે. ફરી કોરોના વકરતા સરકાર દ્વારા રાત્રી કર્ફયુની ઘોષણા થતાં જ લોકોમાં અફવાઓનો ધોધ શરૂ થઈ ગયો છે. માનસિક રીતે મૂંઝાયેલા ઘણા લોકોએ મનોવિજ્ઞાન ભવન 0281-2588120 પર સંપર્ક કરેલ અને પોતાની વ્યથા ઠાલવેલ.
1. અમદાવાદમા કર્ફયુ આવવાથી મોટા ભાગના લોકોના સ્ટેટસમાં પોલીસ મારતી હોય અને મોર બોલે એવા સ્ટેટસ જોઈને મને આજે રાત્રે આખી રાત નીંદર ન આવી, એમ જ લાગ્યું કે હમણાં પોલીસ આવીને અમને મારશે. સતત ડર, ચિંતા થાય છે. આવા સ્વપ્ન કેમ આવતા હશે ?
2. સાહેબ, ફરી લોકડાઉન આવશે ? કેટલા દિવસનું આવશે ? જો લોકડાઉન આવશે તો ફરી અમારે ઓશીયાળું જીવન જીવવું પડશે. માંડ રોજગાર ધંધા સેટ થયા છે ત્યાં આવું ફરી કેમ ? અમારા જેવા ગરીબનું તો વિચારો, દિવાળીમાં ફરવા બીજે ગયા અને સજા અમને “પાડાના વાંકે પખાલીને ડામ કેમ ?”
3. ગઈ કાલે સમાચારમાં જોયું કે અમદાવાદમા 1500થી વધુ લગ્નો કેન્સલ થયા. મારા દીકરાના પણ પેલી ડિસેમ્બરે લગ્ન છે માંડ કરીને મે તેના લગ્ન નક્કી કર્યા બધી જ તૈયારી થઈ ગઈ છે. હું વિધવા છુ માટે બીજાના સહારે બધી તૈયારીઓ કરવી પડી છે ત્યાં ફરી કાલથી લોકડાઉન આવશે એવી વાતો ફરતી થઈ છે શું આ સાચી છે ? જો લોકડાઉન આવશે તો મારા દીકરાના લગ્ન અટકી પડશે. ઉપર સરકારમાં ક્યો ને લોકડાઉન ન નાખે….
4. ફરી પાછા ઘરમાં કેદ થઈશું, ફરી ઘરની રોજની રામાયણ શરૂ થશે અમારી શેરીમાં તો બધા કે છે કે ડિસેમ્બર એન્ડ સુધી લોકડાઉન આવશે. ડોઢ મહિનાનું સીધું જ લોકડાઉન આવશે તો ઘરમાં રોજ પેલાની જેમ ઝઘડા શરૂ થશે. સ્ત્રીઓની હાલત ફરી કફોડી થશે. સરકારમાં ક્યો કે લોકડાઉન ન લાવે. આ વિચારથી હું ધ્રુજી ઉઠું છુ, ક્યાય ચેન પડતું નથી.
5. મારા લગ્ન 27 તારીખના છે. પણ આ કરફ્યુ અને લોકડાઉન ની સતત વાત સાંભળી મને બીક લાગે છે. એક તો મારા લવ મેરેજ છે. બહુ મહેનતે અમારા ઘરના લોકો માન્યા છે. હવે બીક એ લાગે છે કે બધી તૈયારીઓ થઈ ગઈ છે અને જો ક્યાંક લગ્ન કેન્સલ થશે તો?
6. મારે 2 ભાઈ અને ભાભી, મમી, પાપા અને ભાઈના 3 છોકરાવ એમ હર્યું ભર્યું ઘર છે. મારા લગ્ન થઈ ગયા છે. માર્ચ મહિનાથી અત્યાર સુધી મારા ભાઈઓ અને મમી પાપા બહુ વિચિત્ર થઈ ગયા છે. ભાઈઓએ એક વખત પણ મારા મમી, પાપા અને ભત્રીજાઓને ઘરની બહાર તો ઠીક બારીની બહાર પણ નથી જોવા દીધું. ઘરે કામવાળીને પણ નથી આવવા દેતા. ત્યાં સુધી કે ઘરમાં પણ માસ્ક પહેરી ફરે છે. માત્ર 2 ભાઈઓ નોકરીએ જાય. દિવાળીમાં પણ કોઈને ત્યાં ગયા નથી કે કોઈને આવવા ય દેતા નથી. એ લોકો એટલા ડરી ગયા છે કે હવે આંખ નીચે કાળા કુંડાળા થઈ ગયા…હવે ફરી પાછું આ લોકડાઉન અને કરફ્યુ સંભળાય છે એટલે વધુ ડરી ગયા છે. તમે કઈક સમજાવો ભલે બહુ બહાર ન નીકળે પણ કુદરતી આબોહવા થોડી તો લે…
7. મેડમ આજે કર્ફ્યુ? કાલ લોકડાઉન થશે તો?
માંડ કોલેજ ખુલવાના સમાચાર મળ્યા હતા ત્યા ફરી કોરોના આવ્યો. હવે આ મુઓ જાય તો સારુ. લોહી પીધું. મેડમ હું ઘરમાં રહીને કંટાળી ગઈ છું, એમ થાય છે ક્યાંક ભાગી જાવ. મારાં પપ્પાએ છેલ્લા 8 મહિનાથી ઘરની બહાર નીકળવા દીધી નથી. હવે ગભરામણ થાય છે. તમને ખબર છે કોરોના ક્યારે જશે? મેડમ હવે હું ગાંડિ થઇ જઈશ. કંઈક કરો દમ ઘૂંટાઈ છે હવે ચાર દીવાલ વચ્ચે રહીને.
8. ભગવાને કેવી પરિસ્થિતિ સર્જી?
આ મહામારીએ બધા સબંધો વીખી નાખ્યા. સાહેબ મારી દીકરીના લગ્ન છે આ કોરોનાનો વકરો ફરી ફેલાયો. હવે મારો ભાઈ મારો પરિવાર આવવા તૈયાર નથી. ખૂબ ચિંતા થાય છે જો મારો પરિવાર ડરને માર્યે ન આવે તો બીજા સગા સબંધીઓ કેમ આવશે? આ બધા નહિ આવે તો સામે વાળાને હું શું મોઢું બતાવીશ? હું તમને આ બધાના નંબર આપું તો તમે વાત કરો ને નહીંતર આ કોરોનાને કારણે મારે મરવા જેવું થશે. મારી દીકરીને શું સમજવું? એક બાપની વ્યથા જાણી ને કોઈક ઉકેલ આપો સાહેબ..
9. એક શિક્ષક:
એક વાત સમજાતી નથી કે લોકો હરે ફરે ત્યારે કોરોના નથી થતો પણ જ્યારે શાળા કોલેજો ખુલવાની વાતો આવે ત્યારે જ કોરોના થાય? આ દિવાળીની રજાઓમાં બધા ખૂબ ફર્યા ત્યારે કઈ કોઈને બીક ન લાગી પણ જેવી શાળા કોલેજો ની વાત થઈ ત્યાં માતા પિતાને ભય લાગ્યો…વાહ રે…


















































