“આજે આકરી ૭ વર્ષની તાલીમ પછી તમને ભારતીય સેનામાં લેફટન્ટની પદવી મળી છે, ખૂબ ખૂબ અભિનંદન તમને.” જિનલે વીરને શુભેચ્છાઓ પાઠવી.
“શું કામનું તારું આ અભિનંદન મારે, તારી આ શુભેચ્છાઓનું પણ શું કરીશ હું?” વીર ખૂબ જ પરેશાનીમાં કહે છે.
“કેમ આવું બોલો છો તમે? તમારું તો આ સ્વપ્ન હતું અને તમે સાવ આવી વાતો કરો છો? શું થયું છે તમને? આમ જરાક બહાર જોવો આખું ગામ તમને અભિનંદન પાઠવવા આવ્યું છે અને આ લેફટન્ટ મોઢું ચડાવીને બેઠા છે.” જિનલ વીરને મનાવાની કોશિશ કરે છે.
“તું જા લે એ બધાના અભિનંદન.. મારે કાઇ કોઈને મળવું નથી, અમસ્તા પણ તું તો ખુશ જ છે કે અંતે હું જઈ રહ્યો છું. તારાથી દૂર એટલે જ આમ હરખઘેલી થઈને અભિનંદન વેચવા નીકળી છે.” વીર ખૂબ જ ગુસ્સે થઈ જાય છે.
“અચ્છા, હવે સમજાયું મૂળ તકલીફ હવે ખબર પડી મને. તો સાંભળો શ્રીમાન વીરસિંહ ચૌહાણ, મને ખૂબ જ ખુશી છે અને હા, હું થઈ છું હરખઘેલી પણ કારણ તમે કહો છો એ નથી, કારણ છે તમે દેશ માટે જઈ રહ્યા છો અને મને તેનો ગર્વ છે. મને તો એ અનુભવીને આનંદ આવે છે કે હું એક સિપાહીની પત્ની છું, સેવા દેશની તમે કરશો પણ મને મનમાં એમ થાય છે જાણે હું ત્યાં તમારી સાથે છું, એટલે જ તો તમને અભિનંદન ક્યારની કીધા કીધ કરું છું.” જિનલ ખૂબ જ ઉત્સાહિત છે.
“તું સમજતી નથી જિનું, મારી ભરતી જ્યાં કરવામાં આવી છે એ નક્સલી વિસ્તાર છે અને ત્યાં હું ગયો પછી મારા શહીદ થવાના સમાચારની જ રાહ જોજે તું.” વીરએ ચિંતામાં વાત કરી.
“તમે આવી ડરપોક વાતો કરો છો? જિનલે ગુસ્સામાં કહ્યું.
“ડરપોકની વાત નથી, ના મને ત્યાં જવામાં કઈ વાંધો છે, મને બસ તારી ચિંતા છે અને તારી હાલત જો, તારે ૭ મો મહિનો ચાલે છે, જ્યારે તને મારી સૌથી વધુ જરૂર છે ત્યારે જ હું તારી સાથે નહીં હોવ.” મારા ઘરમાં આનંદના સમાચાર આવના છે, હું બે મહિનામાં બાપ બનવાનો છું અને તું મને લેફટન્ટ બનવાના અભિનંદન આપે છે ! બાપ બનવાના દે તો પણ હું ખુશ થાવ.” વીર પૂરા ધર્મસંકટમાં ફસાયો છે.
“ના, નહીં આપું એવા અભિનંદન તમને, મારા માટે વીર એ સિપાહી છે જે દેશ માટે પહેલા છે અને પછી તેના પરિવાર માટે. તમને ભલે ખોટું લાગે પણ એક વાત કહી દઉ છું, ભગવાન ના કરે પણ કદાચ જો નક્સલીઓ સાથે યુદ્ધ થાય અને તમારી શહીદીના જો સમાચાર પણ આવે ને તો એનું પણ હું અભિનંદન કહીશ, આપણાં છોકરા/છોકરીને પણ કહીશ આ તમારા પિતા છે, એને અભિનંદન પાઠવો કે તેમને એક અમૂલ્ય અવસર મળ્યો દેશ માટે કાઈક કરી શકવાનો, દેશ માટે શહિદ થવાનો. આખું ગામ આજે જેમ આવ્યું છે ને તમારા લેફટન્ટ બનવાની અભિનંદન આપવા તેમ જ્યારે તમે દેશ માટે જીતશો કે શહિદ થશો ત્યારે પણ અભિનંદન આપવા આવશે જ, આ મારો અટલ વિશ્વાસ છે.” જિનલ ખરી દેશભક્ત નીકળી.
જિનલની વાત પૂરી થતાં જ વીરના આંખમાં આંસુ આવી ગયા અને તેણે જિનલને સેલ્યુટ કર્યું અને કહ્યું, “મને ગર્વ છે કે તું મારી જીવનસાથી છે, સાચે આજે મને ખુદને હું અભિનંદન આપીશ કે મારા નસીબ એટલા સારા છે કે મને તારા જેવી પત્ની મળી.”
ભારતની નારી દેશની ગરિમા છે, જેટલા પણ આપણાં સૈનિક ભાઈઓ છે, તેમની પત્ની, માતા, બહેનના આ બલિદાનને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે.
Related