“આ કેવો સમય આવી ગયો હે ભમરડા? હવે તો આપણી સામે કોઈ જોતું પણ નથી. પેલા તો તારો કેવો વટ પડતો ને રોજ સવારે સાંજે છોકરાઓ તને લઈને નીકળી પડતાં, તારી ફરતે સુંદર મજાની તારી જીવનસાથી દોરીને બાંધે અને તને જમીન પર ફેરવતા અને અમુક છોકરાઓ તો તને હાથ પર રાખતા. હવે તો સાવ તારે તો બેરોજગારીના દિવસો આવી ગયા. કેટ કેટલી કોશિશ તે કરી તારા માં બદલાવ લાવવાની, પેલા લાકડાનો હતો પછી પ્લાસ્ટિકમાં આવ્યા એમાં રંગબેરંગી રંગો વાળો આવ્યો, લાઇટ અને સંગીત પણ લાવ્યો પરંતુ હવે તો આ છોકરાઓ એ તારું અસ્તિત્વ જ સાવ મિટાવી દીધું.” લખોટી એ ભમરડાને તેના ભવિષ્ય પર તીખા અને આકરા વચનો સંભળાવ્યા.
“સાચું કહ્યું લખોટી બેન તમે, હવે મારુ કોઈ જ અસ્તિત્વ રહ્યું નથી. ઘણી કોશિશ કરી પરંતુ હું આ બદલાતા સમયના પ્રવાહમાં ગુમ થઈ ગયો. બાળકોને હવે મારી સાથે કંટાળો આવે છે, પહેલા જેવો સમય હવે નથી રહ્યો, પહેલા તો મારા નામે શાળામાં અને શેરીના મેદાનોમાં સ્પર્ધાઓ થતી પરંતુ ધીરે ધીરે હું પહેલા શહેરોમાંથી કાઢવામાં આવ્યો અને હવે તો ગામડાના બાળકો પણ મને ભાવ નથી આપતા. એમાં જ જો મારી પત્ની દોરીને બહાર બીજે કામે જવું પડે છે, કોઇકના બુટમાં ક્યારેક બંધાઈ તો ક્યારેક કોઈ સામાન બાંધવામાં મજૂરીએ જાય છે. દુખ ના દાડા મારે તો પૂરા જ નથી થતાં.”
“તમારે પણ એવું જ થયું છે ને લખોટી બેન, તમને પણ હવે કયા કોઈ રાખે છે કે કયા કોઈ તમારી સાથે રમત રમે છે.” ભમરડાએ વળતો સવાલ લખોટી ને કર્યો. “સાચી વાત છે, ભાઈ. હું તો પેલા રાણીની જેમ એક ડબામાં મારી ૧૦૦-૨૦૦ બહેનો સાથે રહેતી પણ હવે તો ના કોઈ મારા પર દાવ લગાવે કે ના કોઈ મને હારે કે જીતે. પેલા તો રોજ મારો મહેલ બદલાતો, ક્યારેક પેલા બંટી જાડયા ને ત્યાં તો ક્યારેક મોન્ટુ મસ્તીવાળાને ત્યાં તો ક્યારેક રિંકીના રંગીલા મકાનમાં. હાલ તો જો આમ જ કચરામાં રખડું છું, કાલે તો માંડ માંડ બચી છું, દિવાળીના ભંગારમાં સાથે સાથે મને પણ દઈ દેતા હતા એ તો ખબર નહીં રિંકીને શું મગજમાં આવ્યું કે મારો ઘા થતો થતો રહી ગયો.” લખોટીએ તેની વેદના વ્યક્ત કરી.
બંનેની વાતો શરૂ હતી ત્યાં, અમુક લાકડાના અને પ્લાસ્ટિકના રમકડાં ત્યાં આવી પહોંચ્યા અને ભમરડા અને લખોટી સાથે વાતો કરવા લાગ્યા. એક રમકડાની કાર બોલી, “હું તો હવે શો પીસ સમાન થઈ ગઈ છું, રિંકીના પહેલા જન્મદિવસમાં મને વાજતે ગાજતે દુકાનમાંથી અહીં લાવવામાં આવેલી પરંતુ હવે આ મૂઇ મોબાઈલની રેસિંગ ગેમએ તો મારુ જીવન નર્ક કરી દીધું છે. મોન્ટુ ને બિટ્ટુ તો આખો દિવસ બસ મોબાઈલમાં રેસિંગ ગેમ રમ્યા જ કરે અને મને જાણે હું ભંગાર છું તેમ અવગણે. “
“કાર બેન, તમારે તો કોઈ નાનું છોકરું અડે કે રમી લે, મારી હાલત તો પૂછો જ નહીં. એક સમયે ગલી ક્રિકેટનો શું સમય હતો, વેકેશન હોય કે ના હોય શાળાએથી છોકરા ઘરે આવે એટલે તરત મને અને મારા નાના ભાઈ બોલ અને અમારા કઝિન ભાઈઓ સ્ટમ્પ્સને લઈને રમવા નીકળી પડતાં પણ હવે તો મોબાઈલમાં જ ક્રિકેટ રમે છે, એમાં રેકોર્ડ બનાવે. કેટલા દિવસ થઈ ગયા આ મારા નાના ભાઈ બોલ ને કે એણે કોઈ ના ઘરની બારી પર અથડાય ને કાચ નથી ફોડ્યો. સાચું આ બાળકોનું બાળપણ આપણે હતા અને હવે આ મોબાઈલ અને ટેકનોલોજીએ એમણે આપણાંથી અળગા કરી મૂક્યા છે.” બેટએ આવીને તેનું હૈયું ઠાલવ્યું.
કોઇકના રોવાનો ખૂબ જ અવાજ આવી રહ્યો હતો, બધાએ ત્યાં જઈને જોયું તો એક પ્લાસ્ટિકની ઢીંગલી ત્યાં ચોધાર આંસુએ રડી રહી હતી. બધાએ જઈને એને છાની રાખી અને રોવાનું કારણ પૂછ્યું, “શું થયું ઢીંગલી બેન? તમને તો હજી નાની છોકરીઓ રમાડે છે અને સાચવે છે તો કેમ રડો છો?” ઢીંગલીએ રડતાં રડતાં જવાબ આપ્યો, “એ તમારો વહેમ છે કે મને સાચવે છે કે રમાડે છે, મારુ મહત્વ હવે ફક્ત એક જ દિવસનું છે, મને પછી એ લોકો ગમે તેમ ઘા કરીને મૂકી દે છે. આ જોવો મારા કપડાં અને વાળ અને અમુક તોફાની છોકરાઓ મારા હાથ મચકોડી દે છે, મારા વાળ ખેચે છે. મારે તો શારીરિક ત્રાસ ખૂબ જ વધી ગયો છે.”
બધા રમકડા ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, અને મનમાં બસ એક જ સવાલ લઈને ઊભા છે, આ આધુનિક યુગમાં આ જૂના રમકડાં અને રમતોને કોઈ સ્થાન મળશે કે પછી એમનું સ્થાન મોબાઈલ ગેમ્સ લઈ લેશે.
Related