ભંગારવાળાનો અવાજ સાંભળી મીતા તેને રોકવા માટે દોડી. દિવાળીની સફાઈ ચાલુ હતી તો ભંગારનો સામાન આપી દઉં એ જ વિચારોમાં ખીલી પર પગ પડી ગયો. અડધી ખીલી પગના તળિયે ખૂંચી ગઈ. જોરથી ચીસ પડી “ઓય…મા“. તેમનાં સાસુએ ઊભી કરી પાટો વાળી આપ્યો અને તે ફરી કામમાં લાગી ગઈ. એની નજર ધૂળ બાઝેલી બુકો પર પડી. મનમાં ગણગણી “મમ્મીજીને કહી જ દઈશ. હવે આ કામ વગરનાં સામાનને ઘરમાંથી કાઢો. લગ્ન કરી આવી પહેલી નજરે આ ખૂણામાં પડેલી…. કેવું લાગે…. ઘરની શોભા બગાડે” બુક હાથમાં લઈ ધૂળ ખંખેરી એમાં લખેલું નામ વાંચ્યું. એકદમ સ્તબ્ધ થઈ ગઈ હાર ચઢાવેલા ફોટો તરફ નજર કરી આંખો લૂછી અવાજ કર્યો, “મમ્મીજી નિહિતની સ્કૂલના નકામાં ચોપડાં પસ્તીમાં રાખી દીધાં કે …………”
ખુશી ક્યાં મળે છે?
ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...


















































