એકદમથી જ યશના કાનમાં કોઈ મધુર સ્વર સંભળાયો અને આ સાંભળીને યશ જાગી ગયો. તે આંખો ખોલીને જુવે છે ત્યાં તો રૂમની બારી ઉપર એક સુંદર મજાનો મોર બેઠો હોય છે. મોર તેના પીંછા ફેલાવી સુંદર નૃત્ય કરી રહ્યો હતો અને સાથે સાથે પોતાના કલરવથી વાતાવરણમાં એક અલગ જ મધુરતા ફેલાવી દીધી હતી. યશ પથારીમાંથી ઉઠ્યો અને પોતાની ઢેલને શોધવા માંડ્યો કે એણે એના ટહુકા હજુ સાંભળ્યા કેમ નથી !! યશે પાછળ વળીને જોયું તો રાજવી તકિયા ઉપર માથું રાખીને હજુ પણ સૂતી હતી. રાજવી સૂતી વખતે બહુ માસૂમ લાગતી હતી. સૂર્યના સીધા કિરણો રાજવીના કાનના ઝૂમકાં ઉપર પડી રહ્યા હતા અને એના પ્રકાશથી રાજવીનો માસૂમ ચેહરો વધારે ખીલી રહ્યો હતો. એના સોનેરી વાળે સૂરજની રોશનીથી જાણે સોનાની ચાદર પાથરી હોય એમ લાગી રહ્યું હતું. યશએ જોયું કે સૂર્યના સીધા કિરણો માસૂમ રાજવીને જાણે ઊંઘવામાં પરેશાન કરી રહ્યા હતા એટલે તેણે પોતાના હાથને કિરણો અને રાજવીના મોઢા વચ્ચે દીવાલ બનાવી ને રાખી દીધા , અને પોતે પણ પાછો રાજવીની બાજુમાં ઊંઘી ગયો. જયારે યશ બીજી વખત જાગ્યો ત્યારે તેણે જોયું કે રાજવી બાથરૂમમાંથી નીકળી રહી હતી. એ સીધી યશ પાસે આવી અને પૂછ્યું કે “હવે કેમ છે યશ તને ?”, યશએ એનો આગલી રાતની સંભાળ માટે આભાર માન્યો અને એક સ્મિત આપ્યું. પછી યશ જલ્દીથી પથારી માંથી ઉભો થયો અને બંને જણા નીચે સવારનો નાસ્તો કરવા માટે ગયા. હવે બંને પોતાના બીજા પડાવ લોનાવાલા માટે નીકળી ગયા હતા. લોનાવાલા જવા માટેનો રોડ ખૂબ જ સુંદર હતો અને સવારના વાતાવરણ અને આજુ બાજુના વૃક્ષોથી એની સુંદરતામાં વધારો થઈ રહ્યો હતો. જાણે લીલીછમ ચાદરથી આજુબાજુનો વિસ્તાર ઢંકાઈ ગયો હોય એવું લાગતું હતું. આજના દિવસની શરૂઆત જ જાણે એટલી મધુર થઇ રહી હતી અને ઉપરથી આ રસ્તાની સફર અને ધીમો–ધીમો વરસાદ વરસી રહ્યો હતો. રાજવીએ રેડિયો ચાલુ કર્યો તો સંગીતે પણ જાણે વરસાદના સુરમાં રંગાવાનું નક્કી કર્યું હતું. “ટીપ ટીપ બરસા પાની—–પાની મેં આગ લગાયી ” ગીતને લીધે રાજવીમાં જાણે હવે રોમાન્સના પંખી પાંખો ફેલાવીને ઉડી રહ્યા હોય એવું લાગતું હતું. રાજવી કાર ઉપર ઉભા રહીને એટલી જોરજોરથી સંગીતના તાલ પર ઝૂમી રહી હતી કે જાણે એને કોણ જોવે છે અને લોકો શું વિચારશે એની પડી જ ન હતી અને કદાચ રાજવીની આ જ વાત યશને વધારે ગમતી હતી, રાજવીનું પોતાની ધૂનમાં રહેવું, એનું નાના છોકરા જેવું વર્તન, પોતાના જીવનની હર એક પળને એવી રીતે જીવતી કે જાણે એ એનો છેલ્લો દિવસ હોય. રાજવીની આવી જ વાતો હતી જે યશને હંમેશા એના પાસે રાખતી. રાજવીએ ફટાફટ પોતાનો ફોન નીકળ્યો અને આ સુંદર દ્રશ્યોને પોતાના ફોનમાં કેદ કરી લીધા. જોતજોતામાં બંને મહાબળેશ્વર પહોંચી ગયા. કુદરતે જાણે આ જગ્યાને પહાડોના સૌંદર્યની ભેટ આપી હોય એમ ચારેય બાજુએ બસ પહાડ જ પહાડ જોવા મળે છે. કુદરતનું આ એક અદભુત સૌંદર્ય છે અને એટલે જ રાજવી અને યશે ત્યાં જમવા માટે રોકાવાનું નક્કી કર્યું. એમને એક એવી જગ્યા પસંદ કરી જ્યાં બેસીને તમે પહાડોના સૌંદર્ય વચ્ચે જમવાનો આનંદ માણી શકો. બંને માટે આ એક સુંદર અને યાદગાર પળ હતી, જ્યાં એમના મનગમતા સાથી સાથે પહાડોની ગોદમાં તેઓ જમવાનો આનંદ માણી રહ્યા હતા. જમ્યા પછી એમણે પોતાની કાર એક જગ્યાએ પાર્ક કરી અને બંને ગાડી ઉપર બેઠા અને કુદરતના આ અદભુત સૌંદર્યનો લાભ લઈ રહ્યા હતા. થોડી વાર પછી યશે ગાડી ચાલુ કરી અને સીધી ગોવા જઈને ઉભી રાખી. લગભગ ૧૧ વાગ્યાની આસપાસ તેઓ ગોવા પહોંચ્યા. એમની ગોવાની આગળની સફર પણ એમના આ સફરની જેમ જ રોમેન્ટિક રહી અને યશને રાજવીનો અમદાવાદથી ગોવા ગાડીમાં જવાનો વિચાર ખૂબ જ ગમ્યો.
જીવન એ એક રોડની સફર જેવું જ છે. જ્યાં તમને સારા–નરસા બધા જ પ્રકારના અનુભવો થશે પણ જો રાજવી જેવી જીવનસાથી તમારી જોડે હોય તો યશ જેવા પુરુષ માટે કેવા પણ કપરા રસ્તા સર કરવાના આવે, એ હંમેશા માટે આસાન અને યાદગાર બની જાય છે. માણસે પોતાના જીવનમાં રાજવી જેવું બેફિકર બનવાની જરૂર છે. જે નકામું વિચાર્યા વગર બસ પોતાની આજની જિંદગી જીવવામાં મશગુલ હોય. જેને લોકો શું કહેશે કે વિચારશે એનાથી એને કોઈ જ ફરક નથી પાડવાનો. બસ પોતાના જીવનસાથી સાથે એ દરેક પળનો આનંદ માણી અને ખુશ રહેતી હતી.
– જય પરમાર


















































