આપણા જીવનમાં આપણે ઘણા લોકોને અને ઘણા લોકો આપણને પ્રેમ કરતા હોય છે, ખરું ને !!!! ન સમજ્યા ? આપણે આપણા માતાપિતા, ભાઈ–બહેન, દોસ્તો, પરિવારના સભ્યોને પ્રેમ કરતા હોઈએ છીએ અને એ પણ આપણે એટલો જ પ્રેમ કરતા હોય છે ને, પણ આપને બધાને પ્રેમ શબ્દ જોઈને કોઈ અલગ જ ચહેરો કે વાત યાદ આવી હશે ? મગજમાં અનેક વિચારો દોડવા લાગ્યા હશે ને !! એક એવો ચહેરો અંતરપટ પર આવ્યો હશે જેને તમે ક્યારેય પોતાની આંખોથી દૂર થવા દેવા નથી માંગતા, એનો ચેહરો મનમાં યાદ કરીને તે ક્ષણ પણ જીવી લીધી હશે, છતાં પણ બધાને સામાન્ય રીતે પ્રશ્ન થાય કે પ્રેમ એટલે શું? પ્રેમ કોને કહેવાય? પ્રેમ કેવો હોય? પ્રેમ કોનાથી થાય? અને સૌથી અઘરો પ્રશ્ન પ્રેમ થાય તો કહેવું કેવી રીતે ?
પ્રેમની કોઈ વ્યાખ્યા નથી હોતી એ વાત તો ૧૦૦% સાચી જ છે, પણ વ્યાખ્યા વગરનો પ્રેમ પણ શું હોઈ શકે ખરો? એમાં પણ આજના સમયમાં નિર્દોષ, નિસ્વાર્થ પ્રેમ મળવો ખરેખર ખૂબ જ અઘરો છે. પ્રેમ એક એવો મધુર અહેસાસ છે જેનો અનુભવ એકવાર જરૂર થવો જ જોઈએ.
ક્યારેક આપણે પોતે પણ નથી જાણતા હોતા કે કોઈ આપણને કેટલો પ્રેમ કરે છે. પ્રેમ એ કોઈ જાણીજોઈને કરવાની કરાવાની વસ્તુ જ નથી, એ તો બસ થઈ જાય છે, ક્યારે, કેમ, કોની સાથે, કેવી રીતે આ બધુ સમજ્યા જોયા વગર બસ થઇ જાય છે. અને આપણે એ જ પ્રેમના પ્રવાહમાં વહેતા–વહેતા બધુ જ ભૂલી માત્ર એમનામય થઇ જઈએ છીએ, આ છે પ્રેમ…
પ્રેમ આપણામાં હોય છે કે આપણે પ્રેમમાં હોઈએ છીએ? સવાલ અને જવાબ બન્ને એક સાથે જ છે ને!!! આપણું મન પણ કેવું ચંચળ હોય છે. આખો દિવસ એક ભ્રમમાં રાખે છે કે એ વ્યક્તિ દરેક સમયે આપણા સાથે છે. એવા એવા વિચારો આવે કે કોઈ સૂમસામ જગ્યા ઉપર ક્યાંક હું હોઉં અને મને તે મળી જાય, બસમાં લાંબી મુસાફરી કરતા હોઈએ અને સાઈડસીટમાં અચાનક એ આવીને બેસી જાય, કોઈ ગાર્ડનમાં બેન્ચ ઉપર બેઠા હોઈએ ત્યારે અચાનક જ મારી આંખો પાછળથી બંધ કરી તું પૂછે ઓળખી બતાવ !!
ટ્રુથ એન્ડ ડેરની ગેમમાં તું મને આખી જીવન સાથે રહેવાનું ડેર આપે, હજારોની ભીડમાં તું અનાયાસે મળી લાંબુ આલિંગન આપે, મારા ફોનમાં અજાણ્યા નંબર પરથી ફોન આવે અને એ તારો જ ફોન હોય,
આંખો બંધ કરી એક એનો જ ચેહરો સામે આવે, દરેક પ્રાર્થનામાં જેની માંગણી થાય, સવારે જાગીને રાત્રે સૂતા પહેલા બસ એક જ ચહેરો જોવાની ઈચ્છા થાય, આખો દિવસ માત્ર જેની સાથે રહેવાની ઝંખના થાય, કલાકોના કલાકો, દિવસોના દિવસો, બસ એની વાતો જ સાંભળવાનું પાગલપણું અને એક વખત માત્ર એમની સામે કોમળ સ્મિત આપીને પોતાના હૃદયમાં સ્થિત કરી દેવાની ઈચ્છા થાય, માત્ર એક વખત જોયાની સાથે જ આખુ જીવન સાથે રહેવાની ઈચ્છા થાય, દરેક વખતે તૈયાર થઇને જેને સૌથી પહેલા દેખાડવાનું મન થાય, જેની સુંદરતાના વખાણ કરતા થાક જ ન લાગે તો સમજો કે તમને એમનાથી પ્રેમ થઇ ગયો છે.
– ક્રિષ્ના ભાલાણી


















































