એમ તો કહેવા માટે મારા બે ઘર છે પણ એમાંથી એકને પણ હું પોતાનુ કહી શકું એમ નથી. આમ તો આ ઘરમાં હું પરણીને આવી હતી અને અહી જ મારા પતિ સાથે જીવન વિતાવવાના સપના જોયા હતા પણ ખબર નહિ ક્યારે એક તોફાન આવ્યું અને મારું એ સપનુ રોળાઈ ગયું. મારું સર્વસ્વ લૂંટાઈ ગયું.
એક ઘરેથી મને વિદાય આપવામાં આવી હતી પણ એનો અર્થ એ નહોતો કે હું ફરી પાછી ત્યા ના જઇ શકું પણ જ્યારે મને સહારાની જરૂર હતી ત્યારે એ ઘર મારા માટે પારકું થઈ ગયુ. આ ઘરમાં લગ્ન પછી મારું ગૃહલક્ષ્મી તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું પણ આ ઘરને ક્યારેય હુ મારું કહી જ ના શકી કારણ કે દરેક સમયે મને અહેસાસ થતો કે આ ઘર મારું નથી. સંજીવ તરફથી મને પૂરો સહકાર અને સહારો રહેતો પણ આ રૂઢિચુસ્ત સમાજના કારણે એ બંધાયેલા હતા અને એટલે જ અમુક સમયે એ પણ મારો સાથ ના આપી શકતા. ક્દાચ આના કારણે જ મને લડવાની હિંમત મળી નહિતર હું મારા દીકરાનું ભવિષ્ય સુરક્ષિત ન કરી શકી હોત.
સંજીવ હંમેશા કહેતા કે ક્યારેક તમારે તમારી લડાઈ જાતે જ લડવી પડે છે અને એમને બધી રીતે સહકાર પણ આપતા. એમણે આપેલ હિંમતના કારણે જ આજે હું આટલું કરી શકી છું અને મે જે પણ કર્યુ છે એ મારા દિકરા માટે કર્યુ છે. આજે મને મારા દીકરા ઉપર ગર્વ થઈ રહ્યો છે, મારા આટલા વર્ષની મહેનતનું ફળ મળ્યુ છે.
આજે હું મારા ઘરે જઈ રહી છું જે મારા દીકરાએ મારી માટે ખરીદ્યુ છે અને હવેથી અમે ત્યાં સાથે રહેશું. આ વાત પહેલા મને ખટકી હતી પણ પછી મારે તેની વાત માનવી પડી કારણ કે મારી દીકરી જેવી વહુ પણ મને તેની સાથે લેવા આવી હતી. ત્યારે મારા દિકરાએ કહ્યું હતું, “મમ્મી, ક્યાં સુધી તમે આ લોકોના સહારે રહેશો. હવે અમે બન્ને કમાઇએ છીએ તો તમે અમારી સાથે રહેવા આવી જાવ”.
હજી હું આ વાત પર વિચાર કરુ એ પહેલા જ મારા જેઠાણી કહે, “દેરાણીબા ધ્યાન રાખજો, દિકરો જાતે વહુ શોધી લાવ્યો છે ક્યાક ત્યા જઇને જીવન નર્ક ના બની જાય”. બધુ જાણવા છતા હું ચૂપ રહેતી એટલે એમને એમ કે હુ સમજતી નથી પણ આખરે મે નિર્ણય લઈ લીધો અને મારા દિકરા–વહુ સાથે જવા તૈયાર થઈ. આટઆટલા દુઃખ વેઠ્યા પછી આજે સુખનો સુરજ જોયો છે પણ મારુ મન શાંત છે. ખુશી છે પણ એને વ્યક્ત કરવાનુ કારણ ન હતું.
અમે જ્યારે ઘરે પહોચ્યા ત્યારે બધા ત્યા હાજર હતા. મારી વહુના ઘરના લોકો. દિકરાના ઓફિસના લોકો અને થોડા સગાસંબંધી જે અમને પોતાના માનતા. અમે ગાડીમાથી ઉતરીને ઘરના મુખ્ય બારણા તરફ ગયા, હજી બારણું ખોલવામાં આવ્યું ન હતું. એટલામાં જ મારી વહુએ મારા હાથમાં કાતર પકડાવી અને મે બારણા આગળની દોરી કાપી. તરત જ બારણા પાસેનું કાપડ હટ્યું અને એના પર લખેલું નામ વંચાયુ. એના પર લખેલું હતું.
“સરિતા ભવન“
મારા દિકરાએ આ ઘરને મારું નામ આપ્યું આ જોઈ આજે મને હાશ થઈ.
હાશ એ વાતની કે આ ઘરને હું મારુ ઘર કહી શકીશ.
અમારું ઘર.
– કિંજલ પટેલ


















































