【સત્ય ઘટના】
એનું નામ માનવી હતું, દેખાવે થોડી શ્યામવર્ણ પરંતુ નમણી ખૂબ જ હતી. એમ તો પોતે બાર ધોરણ પણ પાસ અને અંગ્રેજી પણ લખતા વાંચતા આવડે. ચાર બહેનો અને એક નાનો ભાઈ, જેમાંથી ત્રણ બહેનોના લગ્ન થઈ ગયા હતા. પોતે, નાનો ભાઈ, મમ્મી અને પપ્પા એમ આટલો ટૂંકો પરિવાર સુરતની નજીકના એક ગામડામાં રહે. ખેતમજૂરી કરી આખાયે ઘરનું ગુજરાન પપ્પા પર ચાલે, ભાઈ ભણતો હતો.
ત્રણેક વર્ષ પહેલાં એના પપ્પાને પેરાલિસિસનો હુમલો આવે છે અને પોતે ખાટલાવશ થઈ જાય છે, જેથી માનવી વિચારે છે કે હવે પોતે જ ભાઈને ભણાવવાની અને ઘર ચલાવવાની જવાબદારી ઉઠાવવી પડશે, તેથી તેની એક બેન સુરત સાસરે હોવાથી પોતે ઘરકામ કે કોઈ સંસ્થામાં કચરા પોતા કરશે એવા સ્વપ્નોનું વાવેતર કરી માનવી બેનના ઘેર સુરત આવે છે.
તેની બેન કોઈ બાંધકામના કાર્યસ્થળ પર કચરપોતાની નોકરી કરે છે, તેથી માનવી પણ તેની સાથે જોડાય છે, મહિને આઠેક હજારની આવક ધીરે ધીરે શરૂ થાય છે. મારી પ્રથમ મુલાકાત માનવી સાથે જીમમાં થાય છે, જ્યાં પોતે રોજ કચરા પોતા કરે, મેં વાત વાત માં પૂછ્યું, “તું કોઈના ઘરે પણ કામ કરવા જાય કે?” તો કહે હજુ હું અહી નવી છું એટલે મને એવું કોઈ કામ મળ્યું નથી પણ મળશે તો જરૂર કરીશ. મેં કહ્યું મારા ઘરે આવજે તને ફાવે તો!, એ આવી અમારા ઘરે એને કામ ફાવી ગયું, બે વર્ષ કામ કર્યું એ ઘરમાં સૌની સાથે હળીમળી ગઈ હતી. અમારા ઘરેથી એને ચાર પાંચ હજાર જેવા મળતા અને અન્ય કામના ભેગા કરી પોતાનો નહિવત ખર્ચો બાદ કરતા બચતી રકમ તેમની મમ્મીને મોકલતી જે ઉદ્દેશથી પોતે પોતાના માવતરને છોડીને અહીં આવી હતી.
એક નાનકડી પતરાની બનાવેલી રૂમમાં પોતાની બેનની બાજુમાં રહેતી, એની બેન પણ થોડી કડક સ્વભાવની, માનવીની દરેક ગતિવિધિ પર સતત નજર રાખ્યા કરે, કોઈ માનવીને કઈ સારી વસ્તુ પહેરવા, ઓઢવા કે ખાવા આપે તો તરત જ ઝૂંટવી લે. માનવીનું એની પાસે રહેવું તો એને કેટલીયે મોટી જવાબદારી જેવું લાગતું, માનવી બંને ટાઈમ અમારા ઘેર જમતી તેથી તેને જમવાનો કોઈ ખર્ચો ના લાગતો, ક્યારેક જો માનવી ટીફીનમાં જમવાનું લઈ ગઈ હોય તો જમવાનું પણ એની બેન લઈ લેતી.
બાંધકામના સ્થળે હજુ હોઈ રહેવા નહોતું આવ્યું, બિલ્ડીંગની નીચે ઓફીસ હતી રોજ તેની સફાઈ કરે અને બિલ્ડીંગની અંદર કચરપોતા કરે, પોતાના કામ સાથે જ મતલબ રાખતી, સાથે કામ કરનારાને ભાઈ કે બેન કહીને જ બોલાવતી, પોતે એકલી હતી પરંતુ ખૂબ ખુશ હતી, પરંતુ કહેવાય છે ને કે સુખના દા’ડા ઝાઝા ‘દી ટકે નહીં, અને માનવીના જીવનમાં પણ કંઈક એવું જ ઘટ્યું.
રવિવારના દિવસે વધુ કોઈ હાજર ના હતું, તેથી તે કેમ્પસનો સુપરવાઈઝર મોબાઈલનું કોઈ કામનું બહાનું બતાવીને માનવી સાફસફાઈ કરતી હતી ત્યાં જાય છે, માનવી એની મદદ કરવા ફોન હાથમાં લેય છે ત્યાં પેલો સુપરવાઇઝર માનવીને પોતાની બાહુપાશમાં જકડી લેય છે, અને અડપલા કરે છે, માનવી રડવા લાગે છે અને ધક્કો મારીને દરવાજા બહાર નીકળી જાય છે, મહામહેનતે જીવ બચાવતી માનવી પોતાના ઘરે જાય છે અને બેનને પોતાની સાથે જે ઘટના બની એની વાત કરે છે. બેન હકીકત જાણવાની કોશિશ ના કરતા તેને ધમકાવીને તેનો સમાન ભરીકારવીને તેના ગામ મૂકી આવે છે. માનવીને નાછૂટકે પોતાની નોકરીમાંથી અને અમારા ઘરકામમાંથી રાજીનામુ આપવું પડે છે.
પોતે સુરત રહીને સારું કમાતી જેથી પોતાનો ઘરપરિવાર સુખેથી રહેતો, પોતે દિલની ખૂબ જ ચોખ્ખી હતી, હવે માનવીને રોજ ખેતીકામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવવું પડે છે, પોતે ભણેલી હોવા છતાંયે નોકરી નથી કરી શકતી, પોતાનો કોઈ વાંક ના હોવા છતાંયે આજે બીજા પુરુષના લીધે પોતે દુઃખી છે, એક પુરુષ માટે કદાચ પારકી સ્ત્રી જોડે આવું વર્તન સામાન્ય બાબત હશે પરંતુ એક સ્ત્રી માટે ખૂબ જ મોટી આઘાતજનક વાત હોય છે, પુરુષ પર કોઈ કલંક નથી લાગતો કે કોઈ આંગળી નથી ચીંધતુ પરંતુ વગર વાંકે સ્ત્રી સમાજમાં કલંકિત થઈ જાય છે.
સ્ત્રી પોતાની હોય કે પારકી એના સ્વમાનનું રક્ષણ એ આપણી એક પુરુષ તરીકેની મોટી ફરજ છે, એક પુરુષ તરીકે આપણું મન ચોખ્ખુ હશે તો જ દરેક સ્ત્રી પોતાના સંપૂર્ણ સ્વમાન સાથે જીવશે, કોઈ સ્ત્રી સાથે સૂવું એમાં પુરુષની મર્દાનગી નથી, પરંતુ કોઈ પણ સમયે પારકી કે પોતાની સ્ત્રીની રક્ષા કરવી એ જ સાચી મર્દાનગી છે.
રક્ષાબંધને બેનને કોઈ ગિફ્ટ ના આપો તો ચાલશે પણ એટલું વચન આપજો કે પત્ની ને છોડતા દરેક સ્ત્રી તમારા માટે માં કે બેન સમાન છે, જેમ આપણે એક બેન છે તેમ છેડતીનો ભોગ બનનારી સ્ત્રી પણ કોઈની બહેન હશે!, આ સમાજના ભાવિ માટે સ્ત્રીને સ્વતંત્ર અને સાક્ષર બનાવવી પડશે, એને બાળકોના સારા ભવિષ્યમાટે પગભર બનાવવી પડશે, અને એમાં શક્ય હોય તેટલું આપણે મદદરૂપ થવું પડશે.
બની શકે’ને સાહેબ!, તો કોઈ સ્ત્રીના દિલથી આશીર્વાદ લેજો, કોઈ ના નિહાપાનું કારણ ના બનતા. સ્ત્રીની રક્ષાએ તમારી જવાબદારી છે, સ્ત્રીની છેડતી કરનારને આ સમાજ વચ્ચે જો સાચો પાઠ ભણાવવામાં આવશે તો જ આજે સ્ત્રી રાત્રે બે વાગે પણ અંધારે રસ્તે એકલી ચાલતા ખચકાટ નહીં અનુભવે, મન પર કાબુ મેળવતા શીખજો સાહેબ!, બેકાબુ બન્યા પછી ઘણુંબધું ગુમાવવાનો વારો આવે છે….A+
– અંકિતા મુલાણી “રિચ થીંકર”
Related