માયાના લગ્નને બે વર્ષ જેટલો સમય વિતી ગયો, કોલેજકાળ દરમિયાન સાથે ભણતા વૈભવની સાથે આંખ મળી અને પરિવારની વિરુદ્ધ જઈ માયા વૈભવની સાથે લગ્નના એક પવિત્ર “બંધન” માં બંધાઈ ગઈ.
ભગવાનની દયાથી માયાને પરિવારનું સુખ ખૂબ જ મળ્યું હતું, તેના સાસુ–સસરા, નણંદ, નાનો લાડકો દિયર બધા માયાનું ખૂબ જ ધ્યાન રાખતા. માયા હતી પણ એવી જ, માયા પણ પોતાનું કામ પડતું મૂકીને પરિવારના દરેક સભ્યનું ધ્યાન રાખતી. લગ્નના પ્રથમ દિવસ થી જ ઘરની તમામ જવાબદારી ઉપાડી લીધેલી, પૂરું કુટુંબ માયાના વખાણ કરતા થાકતું નહોતું,
વૈભવ મોબાઈલની શોપ ચલાવતો હતો, માયા પોતે શિક્ષક હતી, વૈભવે માયા સાથે પ્રેમલગ્ન કર્યા હોવા છતાં, વૈભવ નો સ્વભાવ ખૂબ જ શંકાશીલ હતો, તે બને ત્યાં સુધી માયા ને ઘરની બહાર એકલી ક્યાંય ના જવા દેતો, વૈભવ અને માયા સવારે અલગ અલગ જગ્યા એ પોતપોતાના કામ પર નીકળી જાય, સાંજે ઘરે પાછા આવે, માયા રસોઈ પાણી બનાવીને નવરી થાય ત્યાં સુધીમાં વૈભવ જમીને મિત્રોની મહેફિલમાં જતો રહેતો, વૈભવનો સાથ ઝંખતી માયા દરરોજ ઉદાસ ચહેરે સૂઈ જતી.
એક વાર વૈભવના કોઈ મિત્રને ત્યાં જન્મદિનની પાર્ટીમાં માયા અને વૈભવને જવાનું થયું, ત્યાં તેનો ભેટો કોઈ મોટા ઉદ્યોગપતિ સાથે થયો, તે ઉદ્યોગપતિને માયા પહેલી નજરમાં જ ગમી ગઈ, તેણે માયા અને વૈભવ ને ઘરે બોલાવ્યા, તેને વાત કરી કે હું પૈસાનું રોકાણ કરી આપું, વૈભવ તું આ મોબાઇલની દુકાનમાં શું જીવન જીવવાનો ? કાલથી જ તું મારા ધંધા મા આવી જા, હું બધું જ શીખવીશ, અને સમાજની નજરે માયાને બહેન બનાવી, પણ પેલા ઉદ્યોગપતિએ વૈભવની મદદ કેમ કરી એ વાત તો વૈભવ અને ઉદ્યોગપતિ જ જાણતા હતા, માયા તે વાતથી બિલકુલ અજાણ હતી.
પછી તો પેલા ઉદ્યોગપતિએ માત્ર ૬ મહિનામાં જ વૈભવની જીવનશૈલીને વૈભવી બનાવી દીધી, ઓડી ગાડી, બંગલા, વગેરે ભેટ કર્યું. પેલા ઉદ્યોગપતિએ એક વાર માયાને ઘરે બોલાવી, માયા તેના ઘરે ગઈ, ઘરે કોઈ ન હતું પેલા ઉદ્યોગપતિ સિવાય. તે ઉદ્યોગપતિએ માયાની નજીક જવાની કોશિશ કરી, માયાને ના ગમ્યું, એટલે માયા બોલી, “તમે આ શું કરો છો? પેલા ઉદ્યોગપતિ એ કહ્યું, “કદાચ તને વૈભવે કઈ વાત નહિ કરી હોય. મારી પાસે પૈસા ખૂબ જ છે, પણ મારી પાસે મારી વાસના પૂરી કરે એવું કોઈ નથી, માટે મે અને વૈભવએ કરાર કર્યા છે કે હું વૈભવનું જીવન વૈભવી બનાવીશ અને તેના બદલે મારે માયા તું જોઈએ”. આટલું સાંભળતા માયાના પગ નીચેથી જાણે જમીન જ સરકી ગઈ, માયા મજબૂરીમાx કંઈ બોલી ન શકી, પેલા ઉદ્યોગપતિએ માયા સાથે એ દિવસે અભદ્ર કૃત્ય કર્યું, માયા તેની હવસથી બચી ન શકી, જેમ તેમ બિચારી માયા સ્વસ્થ થઈને ઘરે આવી. સાંજે વૈભવ આવ્યો, વૈભવ ને માયાએ પૂછ્યું: “તમે કોઈની સાથે મારા શરીરનો કરાર કર્યો છે ?” વૈભવ સમજી ગયો કે પેલા ઉદ્યોગપતિએ આજે માયાને બોલાવી હશે. વૈભવ બોલ્યો, “તું એ બોલાવે ત્યારે તેને મળવા જજે, તેના બદલે જો તેણે આપણને કેટલો સહકાર આપ્યો છે, આપણે આપણા બાળકોનું સારું ભવિષ્ય આપવા જ આપણે આ કરી રહ્યા છીએ.” માયા રડી પડી. વૈભવે માયાને જેમ તેમ મનાવીને સુવડાવી દીધી, વૈભવની આંખને આજે પોતાની માયા નહિ પણ પૈસાની માયા વળગી હતી, માંડ એક અઠવાડિયાનો સમય જતો હશે ને પેલો ઉદ્યોગપતિ માયાને એકાંતમાં મળવા બોલાવતો, માયાની કેટલી મજબૂરી હશે ? તે જવાનું ઈચ્છતી નહિ પણ તેને જવું પડતું અને પેલો ઉદ્યોગપતિ માયા પાસેથી પોતાની હવસ સંતોષતો,
માયાનું તો જાણે જીવન જ બદલાઈ ગયું હતું, વૈભવ હવે મોટો ધંધાદારી બની ગયો હતો, સાંજે સારું લાગે તો ઘરે આવતો, તે દિવસના ૨૪ કલાકમાંથી માયાને ૨૪ મિનિટ પણ માંડ આપતો. વૈભવી કાર, યુવાન છોકરીઓ, દારૂની લત, માંસ મટન વગેરેના “બંધન” માં આજે વૈભવ બંધાઈ ગયો હતો,
માયા આજે સ્વતંત્ર શિક્ષક હોવા છતાં, ખૂબ જ મજબૂર હતી, કારણ કે તે પણ વૈભવ સાથે લાગણીના “બંધન” માં બંધાયેલી હતી, માયા એ કેટલીયે રાતના ઉજાગરા સહન કર્યા છે, કારણ કે તે વિચારતી કે વૈભવ આજે નહિ તો કાલે સુધારી જશે, પણ એક વાર કોઈ છોકરી સાથે કરેલી વાત ડિલીટ કરવાનું વૈભવ ભૂલી ગયેલો અને એ માયાએ વાંચી લીધું. તે ચેટમાં વૈભવે તે છોકરી સાથે વિતાવેલી રાતનું વર્ણન કર્યું હતું. માયા એ પછી કેટલીયે રાત જાગતી જ રહી કારણ કે વૈભવનું આ સ્વરૂપ તેણે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું,
એક દિવસ માયાએ હિંમત કરી અને તેના સાસુને આ વાત જણાવી, ઘરમાં ઝઘડો થયો અને વૈભવ બોલી ઉઠ્યો, “માયા ખોટું બોલે છે, આ પૈસો મારી મહેનતનો છે, માયાને આમ પણ હવે હું નથી ગમતો, માયાને આ ઘર છોડીને જવું હોય તો તેને કોઈ “બંધન” નથી, તે જઈ શકે છે, માયા રડતા રડતા પોતાના રૂમ તરફ દોડી ગઈ, તેણે વિચાર્યું કે તે એકલી જીવન કેમ જીવશે? ક્યાં જશે? માં બાપ ને ઘરે પણ ના જવાય, નહિતર સમાજને ના પહોંચાય !
ત્યાં પેલા ઉદ્યોગપતિનો ફોન આવ્યો, માયાને મળવા બોલાવવા. માયાએ હિંમત એકઠી કરીને તેને કહી દીધું કે તે હવે ક્યારેય તેના બોલાવવા પર તેને મળવા નહિ આવે, કારણ કે માયાએ નક્કી કરી લીધું હતું કે તે વૈભવની સાથે જે લગ્નના “બંધન” માં બંધાઈ હતી તેનાથી હવે તે મુક્ત થઈ જશે. માયાએ ઘણું સહન કર્યું હતું. પેલો ઉદ્યોગપતિ ચિડાઈ ગયો,
પેલા ઉદ્યોગપતિએ વૈભવને પોતે રોકેલો બધો જ પૈસો વ્યાજ સહિત પરત કરવાનો ફોન કર્યો, એક બાજુ માયાનો આ નિર્ણય હતો અને બીજી બાજુથી વૈભવની વૈભવી જીવનશૈલી ચાલી જવાનો સમય આવી ચૂક્યો હતો. વૈભવને પોતાની ગાડી વેચવી પડી, વૈભવી બંગલો બધું જ વેચી દીધું છતાં પણ તેની ઉપર ૩૦ લાખનું લેણું હતું, વૈભવે જે છોકરીઓ સાથે મસ્તી માં ઉડવેલા પૈસા હતા, એ ક્યાંથી તે પરત લાવે ?
વૈભવને યુવાન છોકરીઓની એટલી હદ સુધી લત લાગી ગઈ હતી કે, માયા એ શિક્ષકની નોકરી કરીને જમા કરેલી બચત તેમજ માયાએ પોતાના લગ્નમાં ભેગી કરેલી મૂડી પણ વાપરી નાખેલી, છેલ્લે તો માયાના બધા જ ઘરેણાં પણ વૈભવે બેંકમાં ગિરવે મૂકીને પૈસા લઈ લીધેલા. સમાજની શરમે એકમાત્ર મંગળસૂત્ર માયા પાસે હતું, વૈભવ મિત્રો પાસેથી ઉછીના પૈસા ગોતે અને ઉઘરાણીવાળાઓને ચૂકવે. આખો દિવસ ઉઘરાણીવાળાને સાચા ખોટા વાયદા આપ્યા કરે અને માયા ઉપર મગજ તપાવ્યા કરે. માયા આ જીવનથી થાકી ગઈ હતી, તેણે ઘર છોડવાનું નક્કી કર્યું અને વિચાર્યું કે તે જીવનપર્યંત અનાથ બાળકો ની સેવા કરશે,
વૈભવ અને સમાજના “બંધન”થી મુક્ત માયા આજે માત્ર બે જોડી કપડાં લઈને ડિવોર્સ પેપર પર સહી કરી ગઈ. જતા જતા તેણે વૈભવ માટે એક ચિઠ્ઠી લખી, જેમાં લખ્યું હતું, “તમારે તમારા દિલના દરવાજા ખોલવા હોય તો ખોલી દેજો, કારણ કે તમને “બંધન”માં રાખવાવાળા અમે તમારા જીવનમાંથી ચાલ્યા જઈએ છીએ” અને માયા હંમેશા ને માટે ઘર છોડી ને ચાલી ગઈ. માયા આજે અનાથાશ્રમમાં રહીને નાના બાળકો સાથે પોતાનું જીવન ગાળે છે. હવે તે ખૂબ જ ખુશ છે તેના વર્તમાન જીવનથી, કારણ કે તે આજે તેનો પ્રેમ એ બાળકોને પીરસી રહી છે, જે બાળકોના જીવનમાં “માયારૂપી મા”ની ખોટ છે.
માયા આજે છોડી આવી એ “બંધન”,
જેણે તેની જિંદગી કરી હતી નાકે દમ…..
– અંકિતા મુલાણી “રિચ થિન્કર”


















































