“ઈચ્છાઓના આંગણે નથી હોતી પરીક્ષા
છતાં વગર પ્રતિક્ષાએ દેવી પડતી પરીક્ષા“
જીવનમાં આવતી પરીક્ષા ઘણી મહત્વપૂર્ણ હોય છે અને જ્ઞાનમાં વધારો કરનાર હોય છે. હકીકતમાં આપણે એમ સમજીએ છીએ કે જીવનની પરીક્ષાઓનું પરિણામ આવતું નથી, પરંતુ ખરેખર પરિણામ આવે છે પણ આપણે જોઈ શકતા નથી એટલા તો જીવનમાં અટવાયેલા હોઈએ છીએ. જીવનની પરીક્ષાઓ વાસ્તવિક જીવનમાં અભ્યાસ સમયે આવતી પરીક્ષાઓની જેમ ટાઈમટેબલ ગોઠવીને આવતી નથી એ પણ સત્ય છે અને જીવનમાં આવતી પરીક્ષામાં વિદ્યાર્થી જીવનની જેમ પરીક્ષાઓ જેવી તૈયારી ની પણ જરૂર પડતી નથી એ પણ સત્ય છે. બસ મહેનત અને ધૈર્ય સાથે તૈયારી કરીને જીવનની પરીક્ષાનો સામનો કરતાં રહેવું એ જ સાચી તૈયારી છે. જીવનની પરીક્ષાઓનો અભ્યાસક્રમ એ ખુદ જીવન જ છે. રહસ્યની વાત એ છે કે એમાં તમારી ઈચ્છાઓ મુજબ પ્રશ્નો પૂછાતા નથી હોતા છતાં કુદરત મહ્દંશે તમે સરળતાથી, તમારી મહેનતથી જીવનની પરીક્ષાઓના ઉત્તર સક્ષમ રીતે આપી શકો એટલા જ કઠિન પ્રશ્નો પૂછતી હોય જ છે કેમકે જીવનની પરીક્ષા તમારા ભગવાન તમારા મનોબળની મર્યાદામાં જ લે છે.
અમિત હિરપરા


















































