જ્યોતિષ જાણતા મિત્રો કહે છે કે આજે ગ્રહમાળાના ગ્રહો સાનુકૂળ છે. એની શુભ અસરની સહુ રાહ જૂએ છે. એ અર્થમાં આજનો દિવસ બહુ મહત્વનો છે.
ગ્રહોનો આવો જ સાનુકૂળ યોગ ત્યારે પણ રચાયેલો. અલબત્ત, એ સમયે એવી ખબર ન્હોતી. કારણકે અમારે અમારા રંગમંચ પ્રવેશ નિમિત્તે પ્રસ્તુત કાર્યક્રમમાં જેની વાત કરવી હતી એ પણ જન્મક્ષરો ને કુંડળીઓની પેલે પારનો સંબંધ હતો. રાધા અને માધવના સ્નેહ વિસ્તારમાં માઇલસ્ટોન ન હોય, મોરપીચ્છ જ હોય ને અમારો એ પ્રથમ કાર્યક્રમ પણ હતો “ મોરપીચ્છ” .
આજે “ મોરપીચ્છ “ ની 40 મી વર્ષગાંઠ છે.
વિચારું છું કે તે સમયે કેવા સાનુકૂળ ગ્રહયોગ રચાયા હશે અમારે માટે કે અમે સહુએ સંગાથે આ પ્રવાસ શરુ કર્યો ને એ પ્રવાસમાં આજે સૌમિલ શ્યામલની સર્જકતાએ કેવી નક્કર ઓળખ ઉભી કરી છે !
આશિત દેસાઇ ને પરેશ ભટ્ટ પછીની પેઢીના પ્રથમ પંક્તિના સ્વરકાર તરીકે સાતત્યપૂર્ણ કામ કરીને આજે એમણે આરતી સંગાથે દેશ વિદેશમાં પોતાનો ડંકો વગાડ્યો છે.
નવી પેઢીના શ્રોતાને ગુજરાતી ગીત સંગીત તરફ વાળવાનું સામા વ્હેણે તરવા જેવું કપરું કામ એ નિષ્ઠા ને નિસ્બત સાથે કરે છે ને એમની સર્જકતા કલ્પનાશીલ આયોજનો દ્વારા સ્વરસેતુ રચી શકી છે.
અમારી સફરમાં અમે પણ ચાર દાયકામાં વિવિધ રંગ સભર મોરપીચ્છ મુકામ માણતા આગળ વધ્યા છીએ. અમે સંગીતને સથવારે આપણી ગુજરાતી ભાષાનાં સાહિત્યના પ્રચાર પ્રસારનું કામ કરતા રહ્યા છીએ.
સૌમિલ શ્યામલ આરતીની આંગળીએ હું આ કલાક્ષેત્રે પ્રવેશ્યો. એ પહેલા મેં કાર્યક્રમનું સંકલન સંભાળ્યું નહોતું , તો પણ એમના આ મહત્વાકાંક્ષી કાર્યક્રમમાં એમણે મારા પર વિશ્વાસ મુક્યો. અને ગ્રહયોગે મારે માટે પણ એક નવા જ ક્ષેત્રના દ્વાર ખોલ્યા.
મારી સફરના એ સુકાની અને સાથીઓને આજના શુભદિને અઢળક શુભેચ્છા.
મારા એ મોરપીચ્છને હાલના કપરા સમયમાં પણ સ્વસ્થ , મસ્ત રહીને, ધૈર્ય રાખીને પાર ઉતરવાના આશીષ.
– તુષાર શુક્લ
Related