સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રીહરિ વિષ્ણુ અષાઢ સુદ એકાદશી એટલે કે ‘દેવપોઢી’ એકાદશી એ ચાર માસ માટે યોગ નિંદ્રા માં લીન થાય છે અને કારતક સુદ એકાદશી એટલે કે ‘દેવઉઠી’ કે ‘પ્રબોધિની’ એકાદશીએ જાગૃત થાય છે. જાગૃત થયેલા શ્રી હરિ ભક્તો ઉપર પ્રસન્ન થાય છે. અને ત્રણેય લોકનું કલ્યાણ કરે છે. વિષ્ણુ ભગવાન જાગ્યા એટલે માંગલિક કાર્યની શરૂઆત થઈ જાય છે. એટલે સૌપ્રથમ તો તેમના વિવાહ કરીને પૃથ્વીલોકના મનુષ્યો લગ્ન જેવા પ્રસંગનો શુભારંભ કરે છે. તુલસીજી અને વિષ્ણુ ભગવાનના વિવાહ ખુબજ ધામધુમથી કરવામાં આવે છે પૃથ્વીલોક પર શાલીગ્રામ તરીકે બિરાજતા વિષ્ણુ અને વૃંદા-તુલસીના વિવાહની ઘણી કથાઓ પુરાણોમાં છે.
જગતના સર્વ શ્રેષ્ઠ વિવાહિત આ યુગલને વધાવવા માટે દેવલોકમાં દેવ દિવાળી ઉજવવામાં આવે છે. આમ, દેવલોકની દેવ દિવાળી ઊજવવાનો સંબંધ નવદંપતી તુલસી અને શાલીગ્રામ વિષ્ણુ ના વિવાહના આનંદ ઉત્સવ સાથે છે. અન્ય એક કથા અનુસાર ભગવાન મહાદેવજી એ આ દિવસે ત્રિપુરાસુરનો વધ કરીને વિજય મેળવ્યો હતો. તેથી દેવતાઓએ કાર્તિકી પૂર્ણિમાએ દેવ દિવાળી ઉજવી. અને મનુષ્ય લોકના માનવીઓએ પણ તેમની સાથે દિવાળી ઉજવી.
કાર્તિકી પૂર્ણિમા ની પહેલા આવતી ચતુર્દશી એ ‘વૈકુંઠ ચતુર્દશી’ કહેવાય છે. ચાતુર્માસ ની યોગનિદ્રા માંથી જાગૃત થઇને વિષ્ણુ ભગવાને પોતાના આરાધ્ય એવા મહાદેવજીનું સહસ્ત્ર સુવર્ણ કમળ પુષ્પોથી પૂજન કર્યું. એટલે કે સોનાના કમળના એક હજાર પુષ્પોથી મહા પૂજન કર્યું. તેમાં શિવજીએ તેની કસોટી લેવા માટે એક કમળ ઓછું કર્યું. આથી એક કમળ ઘટયું. આથી વિષ્ણુ ભગવાને પોતાનું નેત્ર કમળ ચડાવવાં નો સંકલ્પ કર્યો, અને ખડગ હાથમાં લીધું ત્યાં સુધીમાં મહાદેવજી પ્રસન્ન થયા અને તેમને સુદર્શન ચક્ર પ્રદાન કર્યું. અને આ દિવસને ‘વૈકુંઠ ચતુર્દશી’ એવું શુભ નામ પ્રદાન કર્યું.
આમ, કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી ના દેવદિવાળી ના આ દિવસો નો આવો વિશુદ્ધ અને અનેરો મહિમા છે. પ્રકૃતિના શુદ્ધ થયેલા વાતાવરણમાં આ દૈવી ઉર્જાનો સંચાર માનવજીવનમાં અનેરી પ્રેરણા લઈને આવે છે. આ સમગ્ર જગતનાં કણ કણ માં ચૈતન્ય વ્યાપેલું છે. શાલીગ્રામ રૂપી પથ્થર હોય કે તુલસી રૂપી વનસ્પતિ હોય દરેકમાં ઈશ્વરીય ચેતના વ્યાપ્ત છે.