શાસ્ત્રો અનુસાર શબ્દ બ્રહ્મ છે, શું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત સાચી છે?
~ શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ
આજનો ભણેલો-ગણેલો, કહેવાતો આધુનિક સમાજ શાસ્ત્રો કે ધર્મગ્રંથોના વિધાનો પર વિશેષ ભરોસો રાખતો નથી પરંતુ વિજ્ઞાનના પુસ્તકોમાં દર્શાવેલ સામાન્ય વાક્યો પર પણ અનહદ વિશ્વાસ મૂકે છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે શાસ્ત્રોના વિધાનોને આધારે જ વિજ્ઞાન અનેક સંશોધનો કરતું રહે છે અને જેટલું મનુષ્ય ઈન્દ્રિય કે બુદ્ધિની પકડમાં આવે એટલું સંશોધન તરીકે સ્વીકારે છે. આપણે જો શાસ્ત્રોના શબ્દો આદેશો કે વિધાનોની વ્યવહારિક ઉપયોગીતા જીવનના રોજિંદા અનુભવને આધારે ચકાસીએ તો સમજાશે કે ધર્મગ્રંથો કે શાસ્ત્રોની લગભગ દરેક રજૂઆત ખૂબ તાર્કિક, ગર્ભિત અને વૈજ્ઞાનિક હોય છે. આજે આપણે વાત કરવી છે શબ્દ અને બ્રહ્મની. જેના માટે પહેલા બ્રહ્મ એટલે શું અને પછી શબ્દ અને શબ્દની શક્તિ એટલે શું તેમજ શબ્દની શક્તિ કેટલી વગેરે વિભાવનાઓને સ્પષ્ટ રીતે સમજવી આવશ્યક બને છે.
બ્રહ્મ, ઈશ્વર, ભગવાન કે પરમાત્મા એ કોઈ વ્યક્તિ નથી એક વિશિષ્ટ શક્તિ છે. જેની હયાતી સમગ્ર અસ્તિત્વમાં છે એટલે જ શાસ્ત્રો જણાવે છે કે કણ-કણમાં ઈશ્વર છે. વિજ્ઞાન પણ એ વાતને સ્વીકારે છે કે સમગ્ર અસ્તિત્વના દરેક તત્વમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનરૂપી શક્તિ છે. જેને શાસ્ત્રો સત્વ, રજસ અને તમસ તરીકે ઓળખે છે. આખરે બંને ચર્ચા તો શક્તિની જ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે બ્રહ્માંડના તમામ અણુ-પરમાણુ શક્તિસભર છે. જીવન માત્ર શક્તિનું પરિણામ છે. સમગ્ર અસ્તિત્વ શક્તિને આધિન છે. શક્તિની ગેરહાજરીમાં ન જીવન શક્ય છે કે ન અસ્તિત્વ. વળી આ શક્તિ સામાન્ય રીતે ઓળખાય કે સમજાય તેવી નથી, અતિ ગહન, તીવ્ર, અકલ્પનીય અને દિવ્ય છે એટલા માટે તેને આપણે સંપૂર્ણપણે જાણી શકતા નથી કદાચ એટલે જ તેને દિવ્યશક્તિ તરીકે ઓળખવામાં આવે છે. જીવ માત્રની શારીરિક-માનસિક અને આત્મિ સમગ્ર શક્તિ એ બ્રહ્મની શક્તિ છે. ટૂંકમાં બ્રહ્મ એક વિશિષ્ટ શક્તિ છે અને એ જ શક્તિ શબ્દમાં છે. એ તો સર્વવિદિત છે કે શબ્દની શક્તિ પણ અકલ્પનીય છે. શબ્દમાં સર્જન અને વિનાશ બંને કરવાની અકલ્પનીય ગહન શક્તિ છે. શક્તિ તો એક જ છે તેનો ઉપયોગ તેને યોગ્ય કે અયોગ્ય બનાવે છે. સાચું પૂછો તો શબ્દ જ સમયને સારો કે ખરાબ બનાવે છે, શબ્દ જ જીવનને શાંત કે અશાંત બનાવે છે, શબ્દ જ સંબંધને પ્રેમાળ કે ધ્રુણાયુક્ત બનાવે છે અને શબ્દ જ દુનિયાને સ્વર્ગ કે નર્કમાં પરિવર્તિત કરે છે. આમ શક્તિ બધી શબ્દની જ છે જેથી તેની તુલના બ્રહ્મ સાથે થાય છે કેમ કે બ્રહ્મ પણ એક શક્તિ જ છે.

શબ્દ અને વિચાર એકબીજા સાથે જોડાયેલા છે, જેને એકબીજાથી દૂર કરી શકાતા નથી. પ્રથમ વિચાર જન્મે છે જેની રજૂઆત કે પ્રદર્શન શબ્દો દ્વારા શક્ય બને છે. શબ્દો અવિનાશી છે જેથી તેનો નાશ કદી થઈ શકતો નથી. આજે પણ વાતાવરણમાં યુગો પહેલા બોલાયેલ ભગવાન શ્રીકૃષ્ણના ગીતા શ્લોકો હવાના મોજામાં અસ્તિત્વ ધરાવે છે જેને વૈજ્ઞાનિક સાધનો દ્વારા ઝીલવાનો સતત અવિરત પ્રયત્ન થઈ રહ્યો છે. દુનિયાનો કોઈ શબ્દ નાશ પામતો જ નથી, મુક્ત ગગનમાં સતત વિચરતો જ રહે છે એટલે જ શબ્દને બ્રહ્મની ઉપમા આપવામાં આવે છે કેમકે તે પણ બ્રહ્મની જેમ અવિનાશી છે. શબ્દની શક્તિ અને બ્રહ્મની શક્તિ બંનેનો નાશ કરી શકાતો નથી. તીવ્ર શબ્દો કે અપમાનજનક શબ્દો હૃદયને ચીરી નાખવાની તાકાત ધરાવે છે, આપણા સૌનો અનુભવ છે કે અભદ્ર અને અપમાનજનક ધારદાર શબ્દો તીરની જેમ સતત ખૂચ્યા કરે છે, મનુષ્યના અસ્તિત્વને ઘાયલ કરે છે, જેને આપણે ભૂલવા ઇચ્છતા હોવા છતાં ભૂલી શકતા નથી અને જીવનપર્યંત તેના ડંખને, ઘાવને, તડપને સહન કરતા રહીએ છીએ. આ બીજું કંઈ નહીં પરંતુ શબ્દની અવિનાશી શક્તિ દર્શાવે છે. આપણે જમવા બેઠા હોઈએ ત્યારે કોઈ મળ-મૂત્રની ગંદકીયુક્ત માત્ર વાત કરે તો પણ આપણને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે, ખાવામાંથી રસ ઊડી જાય છે, મોં બગડી જાય છે. વાસ્તવમાં સ્થૂળ રીતે આવી કોઈ ગંદકી અસ્તિત્વ ધરાવતી નથી માત્ર શબ્દોથી જ તેનું અસ્તિત્વ અનુભવાય છે છતાં આટલી ગહેરી અસર કરે છે. તેવી જ રીતે કોઈ ભાવતી વાનગીનું નામ લેતાની સાથે જ મોઢામાં લાળ છૂટે છે આ પણ શબ્દની જ શક્તિ દર્શાવે છે. આ તમામ ઉદાહરણ જણાવે છે કે શબ્દની મન પર ગહેરી અસર થાય છે અને એ તો સર્વવિદિત છે કે મનની સંપૂર્ણ જીવન તેમજ સમગ્ર અસ્તિત્વ પર તીવ્ર અસર પડે છે. આમ શબ્દ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ બંને રીતે જીવનને અસર કરતું અતિ શક્તિશાળી પરિબળ છે. માટે તેને બ્રહ્મ તરીકે ઓળખવામાં છે.
ચોક્કસ પ્રકારના શબ્દો કે શ્રુતિઓના સમૂહને મંત્ર કહેવામાં આવે છે. મંત્ર શબ્દ બે શબ્દનો બનેલો છે “મન” અને “ત્ર”. “મન” એટલે વિચારવું અને “ત્ર” એટલે મુક્ત કરવું. આમ મંત્ર એક એવો વિશિષ્ટ શબ્દ છે કે જે વ્યક્તિને વિચારમુક્ત કરે છે. વિચારમુક્ત જીવન આપોઆપ સમસ્ત પીડા અને દુઃખોમાંથી મુક્ત થતું હોય છે. વિચારમુક્ત એટલે ઈચ્છામુક્ત જે દ્વારા જીવન-મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે. એટલે જ ચોક્કસ પ્રકારના શબ્દનો સમૂહ (કે જેને શાસ્ત્રો મંત્ર કહે છે) અસીમ તાકાત ધરાવે છે. એટલા માટે શાસ્ત્રો મંત્રરૂપી શબ્દોનું વારંવાર રટણ (જેને જપયોગ કહેવામાં આવે છે) કરવાની સલાહ આપે છે કારણ કે તે અકલ્પનીય શક્તિનું સર્જન કરે છે. મંત્ર આત્માને દુનિયાની દોડધામમાંથી બહાર લાવી નિમ્ન સ્વત્વને ઉચ્ચ સ્વત્વ સાથે જોડી આપે છે. મંત્ર એ કોઈ સામાન્ય શબ્દ નથી, જયારે કોઈ શબ્દમાં સત્યનુ તત્વ ભળે, સર્વના કલ્યાણની ભાવના ભળે, જેમાં સમગ્ર અસ્તિત્વનો પુકાર હોય ત્યારે તે શબ્દ મંત્ર બને છે.
શબ્દો અને મંત્રો અંગે થયેલા થોડા મહત્વના સંશોધનો અનુસાર ધ્વનિવિજ્ઞાને(Sound Electronics)સાબિત કર્યું છે કે જગતમાં પેદા થયેલ કોઈ પણ ધ્વનિ નષ્ટ થતો નથી. અનંતઆકાશમાં ધ્વનિનો સંગ્રહ થાય છે રશિયામાં આ અંગેના અનેક સંશોધનો થયા છે. મંત્રોથી ઉત્પન્ન થતા અવાજના મોજા ચારે દિશામાં પ્રસરે છે જે બાહ્ય અને આંતરિક જગતમાં પ્રસરી આરોગ્ય પર સકારાત્મક અસર પેદા કરે છે (મહારાષ્ટ્રમાં એક વ્યક્તિએ જળ ભરેલ પાત્ર મંદિર પાસે રાખી નિયમિત મંત્રો દ્વારા ઈશ્વર પૂજા કરી તે જળ નવ મહિના સુધી ગ્રહણ કરેલું જેનાથી તેનું પેરાલીસીસ મટી ગયેલું.) મંત્રોમાં જયારે બે કે તેથી વધારે અક્ષરો જોડાય છે ત્યારે વધુ ઉર્જા પેદા કરે છે. જોડાણવાળા અક્ષરો શરીરમાં કંપન પેદા કરે છે જે શારીરિક અને માનસિક રોગ દૂર કરવામાં ઉપયોગી છે. દા.ત.ઓહ્મ બોલતી વખતે હોઠ ગોળાકારસ્થિતિમાં આવે છે અને મ બોલતી વખતે બે હોઠ ભીડવા પડે છે આવું વારંવાર કરવાથી અહેસાસ થાય છે કે ઓહ્મ નાભીમાંથી આવે છે. મંત્ર કંપન પેદા કરે છે જે સ્વસ્થ અને બળવાન બનાવવામાં ઉપયોગી છે. ન્યુયોર્કના ડો.પોડોલસ્કીના સંશોધનો જણાવે છે કે ખાસ પ્રકારના સુરો અને ધ્વની રુધિરાભિસરણ સુધારે છે. કોષોને નવજીવન આપે છે. ડો.સમારું ઈમોટોનુ સંશોધન જણાવે છે કે મંત્રોની પાણી પર ખુબ જ હકારાત્મક અસર થાય છે અને આપણું શરીર ૭૦% પાણી ધરાવે છે (જેમ કે લોહી, પાચકરસો, પ્રત્યેક કોશમાં આવેલું પ્રવાહી, ગ્રંથીમાંથી ઝરતો રસ વગરે) મંત્રોથી કરોડો જોજન દૂર પરમશક્તિ સુધી પહોંચી શકાય છે કારણકે મંત્ર શબ્દ છે અને તેની ગતિ પ્રકાશથી પણ વધારે છે. વળી તેનો કદી નાશ થતો નથી. તમામ યોગોની શાખા (ભક્તિયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, તંત્રયોગ) માં મંત્રયોગને સૌથી અસરકારક અને અનિવાર્ય માનવામાં આવે છે. લોનાવાલામાં સ્વામીવિવેકાનંદ(ન્યુવે)માં મંત્રની શક્તિને માપવાનું સાધન છે અને મંત્ર ઉચ્ચારણથી ઉદભવતી શક્તિ ટીવી સ્ક્રીન જેવા સાધન પર દેખાય છે જે માપી શકાય છે. આમ વિજ્ઞાને પણ શબ્દ કે મંત્રની શક્તિના સામર્થને સ્વીકારી સમર્થન આપેલું છે.
ટૂંકમાં શબ્દ (મંત્ર) દિવ્યતા કે દૈવીશક્તિનું સાક્ષાત સ્વરૂપ છે જે પ્રકૃતિથી પર એવી શક્તિને જગાડે છે. જેમ સાબુ કપડા પરનો મેલ સાફ કરે છે તે રીતે મંત્ર મન પરનો મેલ સાફ કરે છે. મંત્ર એક આધ્યાત્મિક સાબુ જ છે. શબ્દ કે મંત્ર એક પ્રકારના સ્પંદન સર્જે છે જે શક્તિનો સંચાર કરે છે. આપણા સર્વનો અનુભવ છે કે જ્યાં કંઈ બોલાતું હોય (સારું કે ખરાબ એટલે કે ઝઘડા, ગાળાગાળી થતી હોય કે ભગવાનના ભજન કીર્તન) ત્યાં મન આપોઆપ ખેંચાય છે, જે શબ્દની શક્તિના દર્શન કરાવે છે. આપણે જાણીએ છીએ વારંવાર નિયમિત શબ્દો વિચારોને ઘડે છે. માણસ જેવું સતત વિચારે તેવો તે બને છે. આમ શબ્દમાં અકલ્પનીય શક્તિ છે જેથી શાસ્ત્રો તેને બ્રહ્મ કહે છે કેમ કે બ્રહ્મ એ બીજું કાંઈ નહીં પરંતુ દિવ્યશક્તિ છે એટલે જ્યાં જ્યાં શક્તિ છે ત્યાં ત્યાં બ્રહ્મ છે. શબ્દોમાં અસીમ શક્તિ છે જેથી શબ્દને શાસ્ત્રો બ્રહ્મ કહે છે અને તેના વિવેકપૂર્ણ ઉપયોગની સલાહ આપે છે.
ભગવાન ઈસુ ખ્રિસ્ત કહેતા કે તમે માત્ર રોટલી (કે જે શારીરિક શક્તિ આપે છે) પર ભાગ્યે જ જીવી શકો પરંતુ માત્ર ભગવાનના નામ પર અવશ્ય જીવી શકો. આપણે આગળ જોયું કે જમતી વખતે કોઈ ખાલી ગંદકીદર્શક શબ્દો બોલે તો પણ તરત ઉબકો આવે છે, વિચારો સામાન્ય શબ્દોમાં જો આટલી શક્તિ હોય તો હરિનામમાં કેટલી શક્તિ હશે? શબ્દની મન પર ગહેરી અસર થાય છે. જેથી મનને અયોગ્ય શબ્દો અને વાણીથી વિમુખ કરી હરિનામરૂપી મંત્રો કે શબ્દો સાથે જોડવું જોઇએ કેમકે શબ્દ(મંત્ર) મનશુદ્ધિ માટેનો ચમત્કારિક સાબુ છે. મનશુદ્ધિનું અકસીર ઔષધ છે એટલા માટે ઓહમને ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. શાસ્ત્રો કહે છે ઈન્દ્રિયગોચર વિશ્વ ઓહમમાંથી જ પ્રગટ્યું છે. સમગ્ર અસ્તિત્વ ઓહમમાં જ હયાતિ ધરાવે છે અને ઓહમમાં જ લય પામે છે. ઓહમ સમગ્ર જીવનના વિચાર અને બુદ્ધિનો પાયો છે. ઓહમ સર્વ શબ્દોનું કેન્દ્ર છે. આમ શબ્દો ખૂબ શક્તિશાળી છે જેથી બ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે. ઓહમ(પ્રણવ)ના જપની મન પર પ્રચુર અસર થાય છે. ઓહમથી ઉત્પન્ન થતાં સ્પંદનો એટલા શક્તિશાળી હોય છે કે સતત અવિરત વારંવાર બોલતા મોટા મકાનને પણ જમીનદોસ્ત કરી શકે છે.
ટૂંકમાં બ્રહ્મ જેવી જ તાકાત શબ્દની છે જેથી શબ્દને બ્રહ્મ કહે છે. શબ્દનો વિવેકપૂર્ણ ઉપયોગ કે ઉત્તમ શબ્દોનો સમૂહ (મંત્ર) સંસાર સાગર પાર કરવાની હોડી કે નાવ છે. મનનો લય કરવાનું શસ્ત્ર છે, જે કદી નિષ્ફળ જતું નથી. એટલા માટે શાસ્ત્રો ઇશ્વર સાક્ષાત્કાર કરવા જપયોગનો સરળ રસ્તો સૂચવે છે. શબ્દ કે મંત્ર દિવ્યશક્તિ છે. સૂર્યમંત્ર કરનારને આરોગ્ય અને પ્રાણશક્તિ પ્રાપ્ત થાય છે. સરસ્વતીમંત્રજાપથી ડહાપણ અને પ્રજ્ઞા આવે છે. મહાલક્ષ્મીમંત્રજાપથી સંપત્તિ પ્રાપ્ત થાય છે. ગણેશમંત્રથી વિઘ્નો દૂર થાય છે. મહામૃત્યુંજયમંત્રજાપથી અસાધ્ય દર્દો, આપત્તિઓ અને અપમૃત્યુ ટળે છે કેમકે મંત્રરટણ જલદ આધ્યાત્મિક મોજાઓ કે દિવ્ય ધ્રુજારી ઉત્પન્ન કરે છે જે શરીરમાં પ્રવેશી દુઃખનો જડમૂળથી નાશ કરે છે. શબ્દો શુદ્ધ સત્ય કે દિવ્યશક્તિને શરીરના અણુ-પરમાણુમાં ભરે છે. શબ્દો (મંત્રો) અત્યંત શક્તિશાળી દવા છે જે અલ્ટ્રાવાયોલેટ કે રોટન્જન એક્સ કિરણો કરતાં પણ વધુ શક્તિશાળી છે. ટૂંકમાં શબ્દ બ્રહ્મ છે તેવી શાસ્ત્રોની રજૂવાત મને ભરોશો છે આટલા વૈજ્ઞાનિક ઉદાહરણો દ્વારા કદાચ આપ સૌ દ્વારા અવશ્ય સ્વીકારી શકાશે.


















































