આજે 9 નવેમ્બર…જૂનાગઢ ના આઝાદી દિવસે…2 શબ્દો નું…તર્પણ…ગૌરવ ગઢ… ગર્વ ગઢ… ને…અર્પણ….
તળેટી માં ગિરનાર ની રમતું મારું નગર છે,
કારણ નથી કોઈ બસ ગમતું મારું નગર છે,
દત ના પગલાં માં ને દાતાર ના લોબાન મહીં
આરતી ને અઝાન માં ઉગતું મારું નગર છે,
નરસિંહ થી મનોજ સુધી ગઝલ ને પદ માં,
કરતાલ માં દામોકુંડે શ્વસતું મારું નગર છે,
શિલાલેખ થી મકબરા ને ઉપરકોટ ની રાંગે,
સંળગ ઇતિહાસ માં ધબકતું મારું નગર છે,
શિવરાત્રી ના મેળે ને પરિક્રમા ના પથ પર,
ગેબી અસર માં આળોટતું મારું નગર છે,
સરદાર ને શામળદાસની હાકલે કફન બાંધી
એક સાથે જોશ માં ગરજતું મારું નગર છે,
ગર્વ છે તારી પર કાયમ ઓ મારા ‘જૂનાગઢ’
મીઠા આવકારે સહુ ને નમતું મારું નગર છે,
જાવ વિશ્વ ના કોઈપણ ખૂણે ભલે ‘મેહુલ’,
દિલ ના એક ખૂણે ઝગમગતું મારું નગર છે


















































