આજે અષાઢી બીજ પણ નકોરડી જતી રહી. એક ટીપું પણ વરસાદ ના પડ્યો અને બીજ પણ દેખાયા નથી.. કુદરત જાણે શું થાશે.. એક તો અમારે જમીન ટૂંકી માણસો ઝાઝા ને એમાંય આધાર તો ખેતી જ. મોલ પાણી વગર સુકાઈ જવાના થયા, માણસનું નહીં તો આ માલનું જોઈને, ઈ મુંગા પ્રાણીઓ… એને પણ બે ટંકનો સારો-પાણી તો આપવું પડે, જો આમને આમ રહેશે તો તો ઢોરને શું, અમારેય પીવાના પાણીના ફાંફા થઈ જાશે. આમ બબડતાં બબડતાં રાત્રિના 10 વાગ્યે ધીરુભાઈ ઘરઆંગણે ખાટલો ઢાળીને આકાશ તરફ મોં રાખી બોલતાં હતાં.. વિચારોમાં ને વિચારોમાં બે વાગી ગયા પણ ધીરુભાઈની આંખમાં નિંદ્રાનું નામ નહીં.. થોડીવાર પછી ઝોકું આવતાં ઘરમાં જઇને સૂઈ ગયા.. હજુ એમને નિંદર આવી જ હતી ત્યાં એમનાં ચહેરા પર ટપ..ટપ પાણીના ટીપાં પડવા લાગ્યા ને ધીરુભાઈ એ મોડી રાત્રે ગામનાં પાદરમાં ઢોલ વગાડ્યા..
ખુશી ક્યાં મળે છે?
ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...


















































