તા. ૨૬ નવેમ્બર – એક સાચા કલાપ્રેમીની પુણ્યતિથિ…. તો ચાલો જાઈએ એ સાચા કલા ઉપાસક શ્રી મનસુખભાઈ જોશી વિશે.
સ્વ. મનસુખભાઈ માટે જેટલું લખાય એટલું ઓછું છે. વર્ષ 1989માં તેમણે રાજકોટમાં એક મહિનાની અભિનય, દિગ્દર્શન અને નિર્માણ અંગેની એક મહિનાની વિનામૂલ્યે નાટય શિબિરનું આયોજન INTના ઉપક્રમે કર્યું હતું. એ સમયના રાજકોટના દિગ્ગજ કલાકારોથી માંડીને મનીષ પારેખ જેવા સાવ નવોદિતો પણ એમાં સામેલ હતા. તેમાંથી તૈયાર થયેલા નવોદીત કલાકારોને પ્રથમ રંગમંચ પ્રવેશ પણ તેમણે જ કરાવ્યો હતો.
રાજકોટમાં એક સરસ ઓડિટોરિયમ બનાવવાની તેમની તીવ્ર ઈચ્છા હતી. તેથી સરકારે તેમને જમીન પણ ફાળવી હતી. પરંતુ તેમની અણધારી વિદાયના કારણે એ સ્વપ્ન પૂર્ણ ન થઇ શક્યું.
સ્વ. મનસુખભાઈ એટલે ગુજરાતી રંગભૂમિના એક એવા કસબી જેમણે 55 વર્ષ INT સંસ્થાને અર્પિત કર્યા .. વાસ્તવમાં INTને તેઓ પોતાનું ઘર જ માનતા અને એમાં પણ જીવનના 20 વર્ષ એમણે ગુજરાતમાં સૌરાષ્ટ્ર-રાજકોટમાં ગાળ્યા.
24મી જુલાઇ 1924માં એમનો જન્મ જામનગરમાં થયો અને પ્રાથમિક શિક્ષણ જૂનાગઢમાં મેળવી તેઓ 18-20 વર્ષના હતા ત્યારે આઝાદીની લડતમાં ઝંપલાવ્યું. શહીદ ભગતસિંહના ભાઈ રણવીરસિંહ સાથે ખભે ખભા મેળવ્યા અને ઓગસ્ટ ક્રાંતિની હિંદ છોડો ચળવળમાં જેલ ભેગા પણ થયા અને 1944ના મે મહિનામાં જેલમાં જ બીજ રોપાયા INTના.
તેઓએ રંગભૂમિના દરેક પાસામાં પોતાનો ફાળો આપ્યો છે – સંનિવેશ, પ્રકાશ યોજના, વેશભૂષા, દિગ્દર્શન અને એમાં પણ ખાસ નૃત્ય નાટિકા
મરાઠી નાટક ગુરુના સંનિવેશ માટે એમને પારિતોષિક પણ મળ્યું હતું.
નાટ્ય દિગ્દર્શક તરીકે જેસલ તોરલ, મહિયારીનો વેશ, ગઢ જૂનો ગિરનાર નાટકો કર્યાં અને નાટ્ય શિક્ષક તરીકે ગુજરાતમાં રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખૂબ જ સેવાઓ આપી છે.
તેઓએ પોતાની કારકિર્દી લોક કલા સંશોધક તરીકે કરી હતી અને ખૂબ જ અસરકારક કાર્યને લીધે INTનું નામ પણ ઉજળું કર્યું હતું.
ડાંગ, હાલોલ અને ખારવાઓના આદિવાસીઓ પર, લોક ભવાઈ પર ઉંડાણપૂર્વક સંશોધન કર્યું.
ભવાઈનો પરિચય વિદેશમાં (ઈરાન અને પેરિસમાં) કરાવા બદલ શ્રેય એમને જ જાય છે. પેરિસમાં એફિલ ટાવર પર આદિવાસીઓ દ્વારા નૃત્યનો કાર્યક્રમ યોજી એમણે સૌ કોઈને આશ્ચર્યમાં પાડ્યા હતા .
મનસુખભાઈ ગુજરાતી રંગભૂમિના એક એવા સેવક હતા જેમણે પોતાનું સમગ્ર જીવન કલા સંશોધન પ્રતિ સમર્પિત કર્યું હતું.
કલા ઉપાસક શ્રી મનસુખ જોશી એ સન 2000માં 26મી નવેમ્બરે છેલ્લા શ્વાસ લીધા.
ગુજરાતી રંગભૂમિ પ્રતિ મનસુખભાઈનો ફાળો અમૂલ્ય અને અતુલ્ય છે – એમની 20મી પુણ્યતિથી પર એમને હૃદયપૂર્વક વંદન, પ્રણામ અને સલામ…!!!


















































