આપણા દરેકના જીવનનું સંચાલન કરતા કારણો કે પરિબળો જુદા જુદા હોય છે પરંતુ દરેક મનુષ્યના જીવનનું સંચાલન કોઈક અદ્રશ્ય શક્તિ દ્વારા થાય છે એ ચોક્કસ છે કેમકે જીવનમાં આપણું ધાર્યું ક્યાંય થતું નથી 60% થી વધારે જો જીવનમાં આપણું ધાર્યું થાય તો સમજવું કે આપણે ખૂબ નસીબદાર છીએ. પરંતુ કિસ્મતનું નિર્ધારણ પણ ચોક્કસ કશાક દ્વારા થતું હશે જેના પર આપણું નિયંત્રણ નથી. જો એવું સ્વીકારીએ કે કિસ્મતનું નિર્ધારણ કર્મો દ્વારા થાય છે તો પછી કર્મો કરાવતું પરિબળ કે શક્તિ કઈ છે તે પણ વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે. કેમ કે ઘણા એવા કર્મો દરેક સેકન્ડે આપણા દ્વારા થાય છે કે જેના પર આપણું નિયંત્રણ હોતું નથી એટલે કે આપણે કર્મો કરવા માગતા નથી, ઇચ્છતા નથી પરંતુ પરિસ્થિતિ વશ, નિમિત્તોના આધિન અથવા મજબૂરીમાં કે અજ્ઞાનમાં અનેક કર્મ થતા રહે છે. ટૂંકમાં જીવનની દરેક પરિસ્થિતિ, નિમિત્તો, ઘટના વગેરેનું સર્જાવવું અને તે અનુસારનું સંચાલન કોઈ શક્તિ દ્વારા અવશ્ય થાય છે એવો આપણા સૌનો દૈનિક અનુભવ અવશ્ય હશે જ. પરંતુ આ સંચાલન કરે છે કોણ એ એક પેચીદો પ્રશ્ન છે, જેનો જવાબ દરેક દર્શનશાસ્ત્રો પોતાની સમજણ અનુભવ કે ધારણાને આધારે આપે છે.
સંચાલનશક્તિ વિશે જાણતા પહેલા સંચાલન કોને કહેવાય તે સમજવું જરૂરી છે, જેથી આવો પ્રથમ સંચાલન શબ્દનો અર્થ સમજીએ. મોટાભાગના શબ્દકોષોમાં જણાવ્યા અનુસાર “સંચાલન કરવું એટલે દોરવણી આપવી, અધિકાર ચલાવવો. સુવ્યવસ્થા જાળવવી, માર્ગદર્શન આપવું એવો થાય છે. ટૂંકમાં આપણે જીવન કેવી રીતે જીવવું તેની દોરવણી કે માર્ગદર્શન આપણે ક્યાંકથી લઈએ છીએ જેમ કે બાળક નાનું હોય ત્યારે માતા-પિતા શિક્ષણ સંસ્થા સમાજ દ્વારા દોરવાય, માર્ગદર્શન મેળવે એટલે દેખીતી રીતે એવું લાગે કે તેનું સંચાલન કુટુંબ, સંબંધો, સંસ્થાઓ કે સમાજ દ્વારા થાય છે. પરંતુ કુટુંબ-સંબંધો-સંસ્થાઓ કે સમાજનું પણ સંચાલન આપોઆપ થતું રહે છે એનો અર્થ એ થયો કે આ તમામનું સંચાલન પણ કોઈક દ્વારા તો અવશ્ય થતું હશે. એટલે ફરી પ્રશ્ન ત્યાં જ આવીને ઉભો રહે છે કે સંચાલન કરે છે કોણ? કોઈ મનુષ્યને પોતાના જીવનનું સંચાલન અન્ય દ્વારા થાય તે કદાપિ માફક આવતું નથી કેમકે સજીવ માત્રને (પશુ-પક્ષી વગેરે તમામને) સ્વતંત્રતા પસંદ છે. સ્વતંત્રતા તેની પ્રથમ પ્રાથમિકતા કે પસંદગી છે. કરુણતા એ ચોક્કસ છે કે કોઈ જીવાત્મા સંપૂર્ણ સ્વતંત્ર રીતે જીવી નથી શકતો. તેને કોઈના સંચાલનમાં રહેવું જ પડે છે અને કોઈના સંચાલનમાં જો કદાપિ ન રહેવાની પરિસ્થિતિ સર્જાય તો તે પરિસ્થિતિ મોક્ષની સ્થિતિ છે જેની ચર્ચા વેદો યુગોથી કરે છે. ટૂંકમાં આપણા જીવનનું સંચાલન કોઈક દ્વારા થાય છે એ વાત ચોક્કસ છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. તો આવો હવે સમજીએ કે કોના દ્વારા થાય છે સંચાલન .

દૈનિક જીવનમાં આપણે ભલે કોઈ નાનામાં નાનું કાર્ય કેમ ન કરતા હોઈએ જેમકે હું આજે ઇન્સ્યોરન્સની પોલીસી ભરું છું તો હું છેલ્લી તારીખથી સંચાલિત છું. ક્યારેક આપણે સમસ્યાથી તો ક્યારેક તણાવથી, ક્યારેક ભયથી કે બીકથી સંચાલિત હોઈએ છીએ. ક્યારેક કોઈ દુઃખદ યાદ કે દુઃખદ બનાવથી સુષુપ્ત રીતે દોરવાતા હોઈએ છીએ. આમ દરેકના જીવનનું કોઈને કોઈ સંચાલક બળ અવશ્ય હોય છે અને આ સંચાલક બળ જ સમગ્ર જીવન પર અધિકાર જમાવે છે અને આપણે કઠપૂતળીની જેમ સમગ્ર જીવન નાચ્યા કરીએ છીએ. વળી મોટાભાગે એ સમજી પણ શકતા નથી કે આપણે કેમ આ રીતે વર્તી રહ્યા છીએ. ક્યારેક ગુસ્સો આવી જાય અને ન કરવાનું કરી બેસીએ, શાંત થયા બાદ સમજાય કે ગુસ્સો અયોગ્ય હતો. ગુસ્સો યોગ્ય નથી એવું આપણે પહેલેથી જાણતા હોવા છતાં ગુસ્સે થઈ જવાય છે જેનું પરિણામ આપણે ભોગવવું પણ પડે છે. આમ હર એક ક્ષણ અનિચ્છાએ પણ ન કરવાના કાર્યો આપણા દ્વારા સતત થતા જ રહે છે. એ દર્શાવે છે કે દરેકના જીવનનું સંચાલક બળ ક્યાંક બીજે છે. કંઈક એવું અવશ્ય છે જે કોઈના નિયંત્રણમાં નથી અને એના પર નિયંત્રણ મેળવવું એ જ મનુષ્ય જીવનની સાચી તપશ્ચર્યા છે. એ સિવાયની કોઈ તપશ્ચર્યા આપણા જીવનમાં આવશ્યક છે જ નહીં એવું મારું દ્રઢ પણે માનવું છે. જીવનના હજારો સંજોગો, મૂલ્યો, લાગણીઓ, વૃત્તિઓ, સ્વભાવ, પરિસ્થિતિ, સંસ્કાર, સંબંધો, લોભ-લાલચ, કામ-ક્રોધ, મોહ-માયા, અહંકાર, ઈર્ષા જેવા અનેક નિમિત્તો જીવનનું સંચાલન અવિરત કરતા રહે છે. આ તમામમાંથી આપણા જીવનનું સંચાલન બળ કયું છે? તે જાણી લેવું જોઈએ. જેથી તે દિશામાં પ્રયન્ત કરતા ફાવે અર્થાત એને નિયંત્રિત કરી શકાય કેમ કે તે સિવાય જીવનને યથાર્થ સ્વતંત્રતા સાથે જીવવું અસંભવ છે.
સામાન્ય રીતે દરેકના જીવનનું સંચાલન કરતા મુખ્ય ભાવો નીચે પ્રમાણે હોય છે
૧) દોષની લાગણીથી સંચાલિત – સમાજમાં ઘણા લોકો સમગ્ર જીવન દરમિયાન કોઈકને કોઈ અયોગ્ય કાર્ય થઈ ગયું તેના દોષ કે શરમ અનુભવતા રહે છે. છુપાતા સંતાતા રહે છે. દોષની લાગણીથી દોરવાતા લોકો પોતાની યાદો કે ભૂતકાળથી પરેશાન હોય છે. આવા કિસ્સામાં ભવિષ્યને સંચાલિત કરતું કે ભવિષ્ય પર અધિકાર જમાવતું પરિબળ યાદો કે ભૂતકાળ હોય છે. ઘણીવાર ભૂતકાળની કડવી યાદો સમગ્ર જીવનનું સંચાલન બળ બને છે. ભારતીય સમાજમાં મોટા ભાગની પુત્રવધુઓ આવા ભૂતકાળના સસુર પક્ષના કડવા અનુભવોથી સંચાલિત રહે છે. સાસરી પક્ષની કડવી યાદો દ્વારા જ તેના વર્તમાન કે ભવિષ્યના તમામ પરિસ્થિતિના નિર્ણયો લેવાય છે. તેના દ્વારા જ તે દોરવાય છે. આમ ઘણા કિસ્સામાં આપણું સંચાલન ભૂતકાળની કડવાહટ અથવા દોષની લાગણી અર્થાત આપણા દ્વારા થયેલ કોઈ અયોગ્ય કર્મના ગીલ્ટ દ્વારા થતું રહે છે. જાણતા કે અજાણતા ભૂતકાળની કડવાહટ કે દોષની લાગણી જીવનનું સંચાલન બળ બને છે.
૨) ઘણા લોકો સર્વથા ક્રોધથી સંચાલિત રહે છે – અન્યાય જોતા ક્રોધ આવે, કોઈ ખોટા સામે અવાજ ઉપાડવા બાબતે ક્રોધ આવે, પોતાનું ધાર્યું ન થાય તો ક્રોધ આવે, ક્યારેક દૈનિક નાની નાની બિનજરૂરી બબતોમાં ગુસ્સો આવે. ટૂંકમાં જીવનનું સંચાલન જ ક્રોધ દ્વારા થતું હોય. ક્યારેક ભૂતકાળના ઘાવ યાદ આવે અને ક્રોધ આવે. સતત ક્રોધને મનમાં મમળાવ્યા કરે, ક્ષમા ન કરી શકે. જીવનના દરેક કાર્યો નિર્ણયો ક્રોધથી જ સંચાલિત રહેતા હોય. ક્યારેક તે જીવન માટે નુકસાનકારક અને બિનઆરોગ્યપ્રદ અને જોખમી સાબિત થતા હોય જેમકે બીપી વધી જાય, એસીડીટી થઇ જાય કારણ કે ક્રોધના શારીરિક પરિણામો આવા જ હોઈ શકે. ટૂંકમાં સમગ્ર જીવન આવા ક્રોધથી સંચાલિત રહે.
૩) ઘણા લોકો બીક-ભય-ડરથી સંચાલિત હોય છે – અજાણ્યો ભય જેમકે નોકરી જતી રહેશે તો શું થશે? રોગ થશે તો શું થશે? પત્ની કે ગર્લફ્રેન્ડ છોડીને જતી રહેશે તો શું થશે? પુત્ર-પુત્રી લગ્ન પછી જતા રહેશે તો હું એકલો પડી જઈશ, મારું શું થશે, મારી સંભાળ કોણ રાખશે? માતા-પિતાના મૃત્યુ પછી મારું શું થશે? મારો અકસ્માત થશે તો શું થશે? હું જો મૂડીરોકાણ કરું અને નુકસાન જશે તો વગેરે અનેક પ્રકારના અજ્ઞાત ભય જીવનનું સંચાલન કરતા હોય છે. ભયના કારણે વ્યક્તિ પોતાની ઈચ્છા કે પસંદ વિરુદ્ધના નિર્ણયો મજબૂરીમાં મને-ક-મને લેતી હોય છે. જે તેના જીવનનું ભવિષ્ય નક્કી કરે છે અને તેને દોરવણી આપે છે. જે અનુસાર સારું કે ખરાબ વ્યક્તિ સતત ભોગવ્યા કરે છે. આમ તે જીવન સંચાલન સંદર્ભે સ્વતંત્ર હોતો નથી. તેનો ભય જીવનનું સંચાલન કરે છે અને જીવન પર અધિકાર જમાવે છે. ભય, ડર કે બીક સંચાલિત લોકો કદાપિ સાહસ કરી શકતા નથી અને ઘણીવાર મહાન તકો જીવનમાં ગુમાવી દે છે.
૪) વધુ પડતી શિસ્તથી સંચાલિત પણ લોકો અને કુટુંબો હોય છે. જે દરેક પરિસ્થિતિમાં શિસ્તના વધુ પડતા આગ્રહી હોય છે અને શિસ્ત સંચાલિત વર્તે છે. વારસાગત સ્વભાવ, શિસ્ત આગ્રહી કુટુંબમાં જન્મ વગેરે કારણે તેમનું સમગ્ર જીવન શિસ્ત સંચાલિત રહે છે. તેઓ પણ સંપૂર્ણ સ્વતંત્ર નથી, તેમના શિસ્તના પૂર્વનિર્ધારિત ધોરણો તેમના જીવનનું સંચાલન કરે છે.
૫) ઘણા લોકો ભૌતિકવાદથી સંચાલિત હોય છે. વધુને વધુ ધન એકત્રિત કરવાનું પ્રેરકબળ તેમની પાસે સતત કાર્ય કરાવે છે, નિર્ણયો લેવડાવે છે. આમ ભૌતિકવાદ પણ જીવનનું સંચાલન કરે છે. આવા લોકો માટે પૈસા કમાવા એ જ જીવનનો મૂળભૂત હેતુ બની જાય છે. તેવો એક ભ્રમિત માયાજાળ રચે છે કે જેટલો પૈસો વધુ તેટલું સુખ-સગવડ-સુરક્ષા વધુ. પરંતુ તેઓ એક મહત્વની વાત ભૂલી જાય છે કે આત્મસન્માન અને આર્થિક સન્માન એક નથી. વ્યક્તિનું મૂલ્ય તેની મિલકતથી અંકાતું નથી. પરંતુ ભૌતિકવાદથી સંચાલિત મનુષ્ય હંમેશા સ્વસર્જિત ભ્રમિત માયાજાળમાં જ ફસાયેલો રહે છે. જીવનભર સત્ય સમજી, અનુભવી કે સ્વીકારી શકતો જ નથી. ટૂંકમાં કળિયુગમાં ભૌતિકવાદથી સંચાલિત લગભગ સમગ્ર સમાજ છે. એમના જીવનનું સંચાલકબળ સત્યથી કોષો દૂર છે. જેથી સમગ્ર જીવન રજોગુણના પ્રભાવમાં રહે છે.
૬) ઘણા લોકો સ્વીકૃતિની જરૂરિયાતથી સંચાલિત રહે છે, અર્થાત પોતાને બધા સ્વીકારે, પ્રેમ કરે, સહાય કરે એવી અપેક્ષા સાથે અન્યને ખુશ કરવા અવિરત પ્રયત્નશીલ રહે છે. માતા-પિતા, સગા-સંબંધી, ભાઈબહેન, પાડોશી, મિત્રો, સહકર્મીઓ, સરકાર દરેકના દોરવ્યા દોરાતા રહે છે કેમ કે તેવો દરેકને ખુશ રાખવા માંગે છે. બધા કેવી રીતે ખુશ રહે તેના માટે પોતાની વ્યક્તિગત ઈચ્છાના બલિદાને પણ સક્રિય રહે છે. મિત્રોના દબાણથી દોરવાતા રહે છે. પ્રેમપાત્રના આગ્રહભર્યા દબાણથી દોરવાતા રહે છે. ટૂંકમાં ટોળાની પાછળ ચાલનારા તેઓ બને છે. જેમાં ક્યારેક પોતાની જાતને ગુમાવવાનો પણ વારો આવે છે. ટોળાની પાછળ ચાલતા મોટા ભાગે ટોળામાં જ ખોવાઈ જતા હોય છે. કેમ કે તેમના જીવનનું સંચાલક બળ જ અન્ય લોકોની સ્વીકૃતિની જરૂરિયાત છે. સાચું પૂછો તો દરેક વ્યક્તિને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો કે બીજાના મંતવ્યોથી સંચાલિત થવું ઈશ્વરસર્જિત હેતુ ચૂકી જવાનો ખાત્રીભર્યો માર્ગ છે અર્થાત અસફળતાનો ચોક્કસ માર્ગ છે. જેના પર ચાલવા જેવું નથી. પરંતુ સ્વીકૃતિની જરૂરિયાતથી સંચાલિત વ્યક્તિ આ જ રીતે જીવ્યા કરે છે.
૭) બિનજરૂરી તનાવ પણ જીવનનું સંચાલક બળ બનતું હોય છે. સંતોષવિહીન જીવન દ્વારા પણ અનેકોનું જીવન સંચાલિત થતું હોય છે. હેતુ વગરનું જીવન, બિનઉપયોગી શક્તિઓથી પ્રેરાઈ જવું, જેવા અનેક પરિબળો પણ જીવનનું સંચાલન જીવનના જુદા જુદા તબક્કે કરતા રહે છે.
૮) ઈશ્વરપ્રાપ્તિનો હેતુ એ પણ આધ્યાત્મિક લોકોના જીવનનું સંચાલક બળ હોય છે. સમગ્ર જીવન ઈશ્વરને ખુશ કરવા, ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવા, ઈશ્વર પ્રતિ સમર્પિત રહેવાના હેતુસર ઘણા લોકો જીવન જીવતા હોય છે. જેમને જીવનના સાચા સંચાલન બળનો અનુભવ થઈ ચૂક્યો છે તેને સાચા વિવેકી અને જ્ઞાની ગણી શકાય. સંચાલનબળ જીવનની દિશા અને દશા નક્કી કરે છે. જેમના જીવનમાં કોઈ કષાયો (જેવા કે કામ-ક્રોધ-લોભલાલચ-મોહમાયા-મદ-મત્સર) નું સંચાલન નહીવત થઈ ગયું હોય એવા લોકોના જીવનમાં કોઈ નિર્ણયો કષાયો પ્રેરિત હોતા નથી. ઈશ્વર સમર્પિત જીવનને કારણે એવા લોકોનું સંચાલન કોઈક અદ્રશ્ય શક્તિ દ્વારા અર્થાત સત્યની શક્તિ દ્વારા થતું રહે છે.
ટૂંકમાં આપણા દરેકના જીવનનું સંચાલન અવશ્ય કોઈક દ્વારા થાય છે અને આપણે ક્ષણેક્ષણ કોઈકના દોરવાયા દોરાવાઈએ છીએ. આપણા જીવન પર કોઈકે તો અધિકાર જમાવ્યો જ હોય છે. જીવનના દરેક નિર્ણયોમાં આપણને માર્ગદર્શનની જરૂર પડે છે કેમકે આપણે કોઈ સંપૂર્ણપણે સ્વતંત્ર નથી. પરિસ્થિતિ, નિમિત્તો, સ્વભાવ, વૃત્તિ, સંસ્કાર, કર્મો, કષાયો, સંબંધો જેવા અનેક પરિબળોને આધિન આપણે છીએ એ દ્રષ્ટિએ આપણે પરતંત્ર અને પરાધીન છીએ. આવા અનેક પરિબળો દ્વારા આપણા જીવનનું સતત અવિરત સંચાલન થતું રહે છે. જેનું પરિણામ કે ફળ વ્યક્તિએ પોતે જ ભોગવવું પડતું હોય છે. આપણે બધાએ આવા પરિબળો કે જે જીવનનું સંચાલન કરે છે તેને ઓળખી લેવા જોઈએ જેથી તેમાંથી મુક્ત થવાનો પ્રયાસ શક્ય બને અને જીવન સાર્થક થાય.
~ શિલ્પા શાહ પ્રોફેસર HKBBA કોલેજ


















































