સ્વર્ગમાં ભગવાને એક સ્પર્ધા રાખેલી. તેને જોઈને નર્કના ૪ મુખ્ય રહેવાસીઓ કામ, ક્રોધ, મોહ અને લોભ – ચારેય ભેગા થઈને નર્કના સુપરવાઇઝરને નર્કમાં પણ સ્વર્ગ જેવી સ્પર્ધાના આયોજન માટે ભગવાનને મનાવવા કહ્યું. સુપરવાઇઝર ચારેયની વિનંતી લઈને ભગવાન પાસે ગયા અને કહ્યું, “અમારા નર્કના લોકો પૃથ્વી પર એટલા પાપ કરીને આવ્યા છે કે હવે અહીં કાઇ પાપ કરવા ના મળતા તેઓ કંટાળી ગયા છે, તો તેઓની ખાસ વિનંતી છે કે આપ સ્વર્ગ જેવી સ્પર્ધાની મંજૂરી નર્ક માટે પણ આપો.” ભગવાને હસતાં મૂખે જવાબ આપ્યો, “આ વિનંતી તો તમારી લાગતી નથી, નક્કી મનુષ્યના ચાર મુખ્ય પાપ કામ, ક્રોધ, મોહ અને લોભની જ હોવી જોઈએ, આવો ખુરાંફાતી વિચાર એ ચાર સિવાય કોઈ બીજા નો શક્ય જ નથી. સારું, જે હોય તે, મંજૂરી તો મળશે પરંતુ એક શરતે સ્વર્ગમાં અમે લુડોની સ્પર્ધા રાખેલી એજ સ્પર્ધા તમારે પણ રાખવી પડશે તોજ મંજૂરી મળશે, બોલો છે મંજૂર?” સુપરવાઇઝર વિચારીને હા પાડે છે અને ખુશી ના સમાચાર લઈ નર્ક તરફ રવાના થાય છે.
નર્કમાં સભા ભરાઈ અને એક એકથી ચડિયાતા પાપ બધા ભેગા થયા, ખૂની, બળાત્કારી, ચોર, મા – બાપને છોડેલા, ઈર્ષાળુ, ઘમંડી, ગરીબ પાપી, પૈસાદાર પાપી, સૌથી બિચારો મધ્યમ વર્ગીય પાપી વગેરે વગેરે. બધા ખૂબ જ ઉત્સુક કે અચાનક શા માટે સભા બોલાવી છે, “શું કોઈ નવો પાપ બજારમાં આવ્યો છે, શું કોઈ પાપી એ કોઈ બીજા જૂના પાપીનો રેકોર્ડ તોડ્યો છે? અલગ અલગ અટકળોમાં મનોમંથન કરતાં પાપીઓનું દ્રશ્ય જોવાલાયક છે.
પાપીઓના ચાર મુખ્ય સરદાર સભામાં આવે છે અને ભગવાન તરફથી મળેલી મંજૂરી કહો કે ચૂનોતી કહો. તે બધા જ પાપીઓને સંભળાવે છે. ક્રોધે જાહેરાતની શરૂઆત કરી, “આપણાં નર્કના હોનહાર પાપીઓ, મને ગર્વ છે કે અહીં એક એકથી ચડિયાતા પાપીઓ રહે છે, આપણાં નર્કની પૃથ્વી પર માંગ એટલી હદે વધી ગઈ છે કે હવે નર્કમાં આવવા માટે વેટિંગ લખવું પડે છે, આ અદભૂત સફળતાને આપણે ખૂબ ખૂબ એકબીજાના માથા ફોડીને વધાવીએ.”
લોભને ક્રોધ પર ક્રોધ આવ્યો એટલે માઇક તેની પાસેથી છીનવી જાહેરાત આગળ વધારી, “મારા નકામા નર્કવાસીઓ…. ભગવાનની લુડોની ચૂનોતીને આપણે ખૂબ જ ક્રૂરતાથી અપનાવાની છે અને ઘમંડથી જીતવાની છે. સ્પર્ધામાં અમે મુખ્ય ચાર લોકો હિસ્સો લહેશું અને કોઈ એનો વિરોધ નહીં કરે, તમે ફક્ત આ સ્પર્ધાનો ખૂનથી, ઈર્ષાથી, દુખથી લાભ ઉઠાવશો.
કામ ખૂબ જ કામુક્તાથી આવીને લોભ પાસે થી માઇક લઈને કહે છે, “સ્પર્ધામાં ઘણા નિયમો છે, પરંતુ આ નર્ક છે. અહીં ફક્ત એક જ નિયમ છે કે જે કોઈ નિયમ બને એને ભાંગી તોડીને ભુક્કો કરી નાખવાનો. સ્પર્ધાથી આપણે સ્વર્ગને એ દેખાડવાનું છે કે જોવો પૃથ્વી પર જેટલા અમે પાપ કરીને આનંદિત હતા તેથી વધુ અમે નર્કમાં છીએ.”
મોહથી રહેવાયું નહીં, તે કામથી મોહિત થઈ માઇક આંચકીને કહે છે, “ભગવાને આ સ્પર્ધા નર્કમાં કરવા માટે કહ્યું છે પણ મને મોહ તો પૃથ્વીનો છે, તો આપણે બધા જ નફ્ફટ નર્કવાસીઓ પૃથ્વી પર પરત ફરશું અને લુડો રમતથી પાપની ચરમસીમા મેળવશુ. બોલો બધા એક બીજાના માથા ફોડીને કે છે મંજૂર? પૃથ્વીને પાપથી રંગીન કરવા કોણ કોણ આતુર છે?”
બધા જ પાપીઓ એક સ્વરે ચારેય સરદારનો જય જયકાર કરે છે. સ્પર્ધાનું આયોજન અમાસની રાત્રે એક સ્મશાનમાં કરવામાં આવ્યું, બધા પાપીઓએ દેકારો પડકારો કરતાં સ્મશાનમાં પોતપોતાની ચિતા પર સ્થાન ગ્રહણ કર્યું. નર્કનો સુપરવાઇઝર લુડો બોર્ડ લઈને આવે છે, અને ચારેય સરદાર પોતપોતાનાં રંગીન પહેરવેશમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે છે. લાલ છે ક્રોધ, પીળો છે મોહ, લીલો છે લોભ, ભુરો છે કામ.
ઉપર જે સ્પર્ધા દર્શાવી તેનું કોઈ જ પરિણામ શક્ય નથી, આશ્ચર્ય થાય છે ને, આવો થોડું સમજીએ.
લુડોની રમત મનુષ્યના જીવનમાં આ ચારેય સરદાર દરરોજ રમતા જ હતા ને હજી રમે પણ છે. સામાન્ય રમતમાં લુડોમાં કોઈ એક વિજેતા બને છે, જે સૌથી પહેલા ઘરમાં પોતાની કૂકરી મૂકી દે છે. નર્કના લુડોમાં અને સામાન્ય મનુષ્યના જીવનમાં લુડોમાં કોઈ એક વિજેતા કઈ રીતે શક્ય છે? કામ, ક્રોધ, મોહ અને લોભ એકસાથે મનુષ્યના લુડો જીવનમાં પ્રવેશ કરે છે અને એકસાથે જ પોતાની બધી જ કૂકરીમાં ૬ નંબર લાવીને ઘરમાં મૂકી દે છે.
ખૂબ જ આસાન છે આ રમત એટલે જ તો જલ્દી ઘર કરી જાય છે. આ ચાર સરદાર પણ એટલે જ અસરદાર છે કારણ કે તેઓ મનુષ્યના જીવનરૂપી લુડોમાં જલ્દી ઘર કરી જાય છે. ચારેય વચ્ચે સ્પર્ધા પણ છે જ એકબીજાને પછાડવાની. ક્રોધ ઘણીવાર કામને જન્મ આપે, મોહ ઘણીવાર લોભને જન્મ આપે, લોભ ઘણીવાર ક્રોધને જન્મ આપે, ઝેરી છે સાહેબ ઝેરી અને એવું ઝેર જે મારા ભોળાનાથ પણ ગ્રહણ ના કરી શકે એટલે જ તો નર્કની રચના થઈ અને મનુષ્યના સમજમાં આવે એ માટે લુડો, સાંપસીડી, ચેસ વગેરે વગેરે રમતોની રચના થઈ.
આ ચિત્ર પરથી એટલું સમજાયું કે રમત ચેસ હોય, લુડો હોય કે પછી સાંપસીડી, આપણાં જીવનમાં જો આ ચાર સરદાર ને અસરદાર ના થવા દઈએ તો જીવન જીવવાની રમત ખૂબ જ અનોખી છે.
Related