સૂકી આંખોમાં કોઈ સ્વપ્નનાં આંજણ ભરી જાશે
પછી આવીને એ વાદળનાં નામે છેતરી જાશે
તરાશી પથ્થરોને પણ સમયનાં ટાંકણે એવાં,
સ્મરણ સઘળાં ઝરણ માફક હવે તો અવતરી જાશે
કરી દે છેદ મારાં વાંસ સમ આ આયખા પર તું,
થઈને વાંસળી મીઠી અધર પર વિચરી જાશે
નથી મીરાં થઈ જ્પવું નિરંતર નામ તારું પણ,
કલમના ટેરવા પર નામ તારું તરવરી જાશે
હવે તો બસ અપેક્ષા મોક્ષની એવી કે પી જાઉં
કટોરો ઝેરનો કોઈ પ્રભુ નામે ધરી જાશે
~ પૂર્ણિમા ભટ્ટ
Powered by kavijagat.com