એ તો સર્વવિદિત છે જ કે શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મદિવસ એટલે ચૈત્રી પૂનમ, જે હનુમાન જયંતી તરીકે વર્ષોથી પારંપારિક ઢબે ઉજવવામાં આવે છે. હનુમાનજીનો જન્મદિવસ આમ તો વર્ષમાં બે વાર મનાવાય છે ચૈત્રી પૂનમ અને કારતક ચૌદસ. આ વર્ષે 2021માં તારીખ 27 એપ્રિલના રોજ મંગળવારે હનુમાન જયંતી છે, જેથી તે વધુ મહત્વની અને વિશેષ બને છે કેમ કે ભગવાન શિવના અગિયારમા અવતાર ગણાતા હનુમાનજીની ઉપાસનાનો મહિમા મંગળવાર અને શનિવારે અનેરો છે. હનુમાન જયંતી અને મંગળવારના ઉત્તમ યોગને કારણે આ દિવસે થતી પૂજા વધુ લાભદાયી અને શુભ ફળદાયી માનવામાં આવે છે. હનુમાનજીની ઉપાસના આમ તો દરરોજ કરી શકાય પરંતુ મંગળ અને શનિવારની પૂજાનું વિશેષ મહત્વ છે અને એમાં પણ સંધ્યાકાળે કે સૂર્યાસ્ત પછી થતી હનુમાનજીની પૂજાને વધુ શુભ અને ફળદાયી માનવામાં આવે છે.
એક દિવસ શનિદેવને હનુમાનજી સાથે લડવાની અને તેમની શક્તિના ખૂબ ગુણગાન સાંભળેલા એટલે પરીક્ષણ કરવાની ઈચ્છા થઈ, તે સમયે હનુમાનજી રામભક્તિમાં લીન હતા. શનિદેવે હનુમાનજીને લલકાર્યા પરંતુ તેમણે હાથ જોડી કહ્યું કે હું રામભક્તિમાં લીન છું મને હેરાન ન કરો. પરંતુ શનિદેવ માન્યા નહીં અને પછી હનુમાનજીએ પોતાનું શક્તિ પ્રદર્શન કરી શનિદેવને લોહીલુહાણ કર્યા અને વચન લીધું કે જે રામભક્તિમાં લીન હોય તેને પરેશાન ન કરવા. જેથી શનિની દશામાં હનુમાનજીની પૂજા કરનારને શનિની પનોતી દુઃખી કરી શકતી નથી, એ દિવસે પણ મંગળવાર હતો જેથી મંગળવારે હનુમાનજીને જે તેલ ચઢાવે તે સીધુ શનિદેવને મળે છે એવી માન્યતા છે અને શનિદેવ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે.
હનુમાનજી તાત્કાલિક ફળ આપનાર સર્વમાન્ય અને સર્વપ્રિય દેવ છે. કળિયુગના તો તે સાક્ષાત હાજરાહજૂર દેવ છે. સાત મુખ્ય ચિરંજીવીઓ (વેદવ્યાસ, પરશુરામ, હનુમાનજી, અશ્વત્થામા, વિભીષણ, બલિરાજા અને કૃપાચાર્ય) માના તે એક છે એ દૃષ્ટિએ ચારે યુગમાં (સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ) તેમની હયાતી છે. શાસ્ત્રો અનુસાર હનુમાનજીની પૂજા રાહુદોષ અને શનિદોષની પીડામાંથી મુક્તિ અપાવે છે. સુમેરુ પ્રદેશના રાજા કેસરી અને રાણી અંજનીના પુત્ર એટલે હનુમાનજી. જેમનો જન્મ ઋષિઓના રક્ષણ અને શ્રીરામની મદદ માટે શિવજીના અગિયારમા રુદ્ર તરીકે થયેલો. હનુમાનજીની માતા અંજની અપ્સરા હતા અને એક શ્રાપ અંતર્ગત તે પૃથ્વી પર જન્મેલા. વળી એ શ્રાપથી મુક્તિ માત્ર સંતાનને જન્મ આપવાથી જ મળી શકે તેમ હતી તેથી તેમણે બાર વર્ષ ભગવાન શિવની કઠિન તપશ્ચર્યા કરેલી અને ફળ સ્વરૂપે હનુમાનજીની પુત્રરૂપે પ્રાપ્તિ થયેલી. એક કથા અનુસાર હનુમાનજી ભૂખ સંતોષવા આકાશમાં ઉડે છે અને સૂર્યને ફળ સમજી ખાવા દોડે છે તે વખતે ઇન્દ્રદેવે તેમના પર પ્રહાર કરેલો જેથી તેમની હડપચી પર વાગ્યું અને તે થોડી વાંકી થઈ ગઈ જેથી તેમનું નામ હનુમાન પડ્યું. હનુમાનજીનું શરીર વજ્ર સમાન હતું જેથી વ્રજરંગબલી કહેવાયા, વજ્રનું અપભ્રંશ થઈ બજરંગ થયું અને અત્યારે બજરંગબલી કહેવાય છે.
હનુમાનજીમાં અનેક વિશિષ્ટ ગુણો હતા જેમ કે તેઓ કલાકના 650 માઈલની ઝડપે ઉડતા. તેઓ સાત ચિરંજીવીમાના એક છે એટલે કે અમર અને હાજરાહજૂર દેવ છે. કળિયુગના વિશેષ અને ત્વરિત ફળ આપનાર દેવ છે. સર્વ સંકટોને હરવાની શક્તિ ધરાવે છે. મુખ્ય આઠ સિદ્ધિઓ અને નવ નિધિના દાતા છે. કહેવાય છે કે જ્યાં-જ્યાં રામકથા થાય છે ત્યાં ત્યાં તેમની હાજરી હોય છે. તે બળ, બુદ્ધિ અને કુશળતાના દાતા છે. તેમના જેવો અનન્ય ભક્ત અને નિષ્ઠાવાન વ્યક્તિ થયો નથી અને થવાનો નથી. ઉત્તમ સેવક, અકલ્પનીય બુદ્ધિવાન, શ્રેષ્ઠ સૈનિક, કુશળ સેનાપતિ, મુત્સદી રાજદૂત તરીકે નામના મેળવી ચુક્યા છે. અતિ વિદ્વાન, ચાર વેદોના જાણકાર, અતિ જ્ઞાની, બળવાન, વજ્ર સમાન શરીરવાળા, માણસને પારખવાની અનન્ય શક્તિ ધરાવતાતા એટલે જયારે રામે વિભીષણને સ્વીકારવા અંગે અવઢળ અનુભવેલી ત્યારે હનુમાનજીનો અભિપ્રાય સ્વીકારેલો.
સામાન્ય રીતે હનુમાન જયંતીની ચર્ચા કરતી વખતે નીચે પ્રમાણેના પ્રશ્નો સ્વાભાવિક રીતે મનમાં ઊઠતા હોય છે.
૧) હનુમાનજીની ઉપાસના શા માટે? કારણ કે તેઓ ઉપર પ્રમાણેના અદભુત ગુણોના ભંડાર સમાન છે જેથી તેમની ઉપાસના આપણામાં પણ તેવા ગુણોનો સંચાર કરે છે. જેની જીવનમાં ડગલે ને પગલે આવશ્યકતા રહે છે.
૨) હનુમાનજીની ઉપાસના કેવી રીતે કરવી? જવાબ છે તેમની ઉપાસના રામનામ, હનુમાનચાલીસા, સુંદરકાંડ, બ્રહ્મચર્યનું પાલન, ભૂમિ પર શયન, સંકટમોચન હનુમાનાષ્ટક, હનુમાન.બાહુક, આરતી અન્ય સ્ત્રોતો દ્વારા થઇ શકે.
૩) હનુમાનજીની ઉપાસના શે ના દ્વારા એટલે કે કઈ વસ્તુઓના ઉપયોગથી કરી શકાય?
જવાબ છે તેલ, સિંદુર, લાલ કપડું, લાલફુલ, લાડુ, ધૂપ દ્વારા થઇ શકે. શાસ્ત્રોના વિધાન અનુસાર હનુમાન જયંતીના દિવસે એકટાણું કરવું જોઈએ. બ્રહ્મચર્યનું પાલન થવું જોઈએ. ભૂમિ પર શયન લાભદાયી છે. સવાર-સાંજ હનુમાન ચાલીસાનું પઠન અનિવાર્ય છે. સુંદરકાંડનું પઠન સલાહભરેલું છે. હનુમાન જયંતીથી શરૂ કરી સાત મંગળવાર સુધી હનુમાન ચાલીસા કરવા સર્વ સંકટ નિવારણ માટે જરૂરી છે. હનુમાનજીને તેલ સિંદુર મિશ્રિત અભિષેક કરવો જોઈએ. આંકડાના ફૂલની માળા ધરાવી શકાય. લાલ ફૂલ, લાલ દોરી (કપડું) અને લાડુનો નિવેદ (પ્રસાદ) કરવો જોઈએ. આંકડાના પાન પર લાલ સિંદૂરથી શ્રીરામ નામ લખી માળા બનાવી અર્પણ કરી શકાય. હનુમાન જયંતીના દિવસે બાળકોને બુંદી અને ગાંઠિયાનું ભોજન કરાવવાનો મહિમા છે કેમકે બટુકોને પ્રસન્ન કરવાથી હનુમાનજી ખૂબ ખુશ થાય છે એવી માન્યતા છે.
૪) હનુમાનજીની ઉપાસના કરતાં પહેલાં કોને યાદ કરવા જોઈએ? શાસ્ત્રો અનુસાર રામ-સીતા-લક્ષ્મણજી ને હનુમાનજીની ઉપાસના કરતા પહેલા યાદ કરવા આવશ્યક છે. રામ-સીતાને યાદ કર્યા વગરની હનુમાનજીની પૂજા ફળતી નથી. કહેવાય છે કે “સીતારામ પ્રિયાય હનુમંતાય નમઃ” બોલવાથી હનુમાનજી વધુ પ્રસન્ન થાય છે કેમકે આ મંત્રમાં હનુમાનજી સીતારામને ખૂબ પ્રિય છે એવો નિર્દેશ થાય છે, જે હનુમાનજીને પ્રસન્ન કરે છે. રામના મુખ્ય પાંચ પ્રિય વ્યક્તિઓ જેવા કે લક્ષ્મણ, ભરત, દેવર્ષિ નારદ, સીતા અને હનુમાનમાં હનુમાનજીનું સ્થાન ખૂબ ઊંચું છે. આમ હનુમાનજીની ઉપાસના રામને પ્રસન્ન કરવાનો રામબાણ ઈલાજ છે અને રામની પ્રસન્નતા કે ઉપાસના જીવનો આલોક અને પરલોક બંને સુધારે છે એ તો સર્વવિદિત છે જ.
૫) હનુમાનજીની ઉપાસનાથી શું લાભ થાય? હનુમાનજીની ઉપાસના કરવાથી અનેક પ્રકારના લાભની જાણકારી શાસ્ત્રોમાં દર્શાવવામાં આવી છે.
૧) તન અને મન પવિત્ર બને છે
૨) જીવનમાં પ્રસન્નતા આવે છે
૩) ભય અને શોક દૂર થાય છે
૪) જીવનના સર્વ સંકટો અને મુશ્કેલીઓનું નિવારણ થાય છે
૫) શનિની મહાદશા કે પનોતીમાં રાહત મળે છે
૬) શત્રુ પર વિજય થાય છે
૭) રાજકારણમાં સફળતા મળે છે
૮) ધન, રોજગાર અને પ્રગતિ શક્ય બને છે
૯) સર્વ મનોકામના પૂર્ણ થાય છે
૧૦) ભવિષ્યમાં આવનાર અનેક મુશ્કેલીઓથી બચી શકાય છે
૧૧) કાળા જાદુ, ટોટકા, ભૂત-પિશાચ વગેરેથી મુક્તિ મળે છે
૧૨) માંગલિક દોષનું નિવારણ થાય છે
૧૩) ભયાનક સ્વપ્ન, નજર લાગવી, શનિપીડા વગેરેમાં રાહત મળે છે
૧૪) સર્વ સંકટો મુશ્કેલીઓમાંથી આકસ્મિક બચાવ થાય છે, અકસ્માત કોર્ટ-કચેરીના કાર્યમાં રાહત પ્રાપ્ત થાય છે
૧૫) વિદ્યા પ્રાપ્તિ માટે હનુમાનજીની ઉપાસના વિદ્યાર્થીઓ માટે અતિ લાભદાયી છે.
૬) હનુમાનજીની ઉપાસનામાં વપરાતી સામગ્રી પાછળનો વૈજ્ઞાનિક તર્ક ખરો? અથવા હનુમાનજીની ઉપાસના કરવા પાછળ કોઈ વિજ્ઞાન ખરું?
૧) બ્રહ્મચર્યનું વિજ્ઞાન – હનુમાનજી બાલબ્રહ્મચારી હોવાથી તેમની પૂજા અને ઉપાસના વખતે બ્રહ્મચર્યનું અનેરૂ મહત્વ છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ બ્રહ્મચર્યના અનેક ફાયદા છે. બ્રહ્મચર્યનું પાલન શારીરિક,માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિની પૂર્વશરત છે. એક સંશોધન અનુસાર 10 કિલો પોષક આહારમાથી શરીરમાં 250 મિ.લિ. લોહી તૈયાર થાય છે અને 250 મિ.લિ. લોહીમાંથી ૨૦ મિ.લિ વીર્ય બને છે. એટલે કે 20 મિ.લિ. વીર્ય તૈયાર કરવા શરીરને 10 કિલો પોષક આહારની જરૂર પડે છે. વળી વીર્ય તૈયાર થતાં એક મહિનાનો સમય લાગી જાય છે. કેમ કે શરીરની મહત્વની સાત ધાતુ જેવી કે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ અને મજ્જા બાદ વીર્યનું સર્જન થાય છે એટલે કે જ્યારે 10 કિલો પોષક આહાર શરીરમાં જાય ત્યારબાદ પ્રક્રિયા શરૂ થાય જેમાં સૌ પ્રથમ રસ બને, ત્યારબાદ રક્ત, માંસ, મેદ, અસ્થિ અને મજ્જા બને અને અંતમાં સાતમી મૂલ્યવાન ધાતુ વીર્યનું સર્જન થાય. એંસી(૮૦) ટીપાં લોહીમાથી એક ટીપું વીર્ય બનતું હોય છે. વાસ્તવિક વીર્યમાં માત્ર 2 થી 5% જ શુક્રકોષ હોય છે. (જે પ્રજોત્પતિ માટે જરૂરી છે) બાકીના પોષકતત્વો જેવા કે પ્રોટીન, વિટામિન, DNA વગેરે હોય છે. એકવાર વીર્યપાત (3-4 મી.લી. ) થવાથી અનેક પોષકતત્વો નાશ પામે છે. જેથી વ્યક્તિની શારીરિક, માનસિક શક્તિમાં ઘટાડો થાય છે. વીર્યપાત શરીરને નબળું બનાવે છે. સ્વભાવ ક્રોધી બનાવે છે. ચિંતા-તનાવમાં વધારો કરે છે અને જીવનને ઉદાસીનતાપૂર્ણ બનાવે છે. વીર્યસંગ્રહ વિના પૂર્ણ આરોગ્ય જાળવવું લગભગ અશક્ય છે. એક જીવનનું સર્જન કરવાની શક્તિ ધરાવનાર તત્વની અધોગતિ (એટલે કે વ્યર્થ બગાડવું, માત્ર ભોગવૃત્તિના હેતુસર) કોઈ રીતે યોગ્ય નથી. માત્ર પ્રજોત્પત્તિના ઉમદા આશય સિવાય વીર્યનો વિવેકહીન ઉપયોગ અજ્ઞાન છે.
૨) લાલરંગનું વિજ્ઞાન – હનુમાનજીની ઉપાસનામાં સિંદુર, લાલ ફૂલ, લાલ કપડાના ઉપયોગ પાછળ વિશિષ્ટ વિજ્ઞાન કામ કરે છે. પૂજામાં લાલ રંગનું વિશેષ મહત્વ છે. કારણ કે શૌર્ય અને શક્તિથી ભરપૂર એવા લાલ રંગના તરંગો મનુષ્યને શક્તિશાળી બનાવે છે. લાલ રંગની વસ્તુ દિવ્યશક્તિને આકર્ષવામાં મદદ કરે છે. મૂર્તિ જો લાલ રંગની હોય તો વધુ ફાયદાકારક રહે છે. પૂજામાં લાલ સિંદૂર, જાસૂદ કે ગુલાબના ફૂલ તેમજ લાલ વસ્ત્રોનો ઉપયોગ એ દ્રષ્ટિએ જ હિતાવહ છે. વિજ્ઞાન અનુસાર લાલ રંગ હિમોગ્લોબીન દર્શાવે છે જે શક્તિનો કારક છે. લાલ રંગ કોસ્મિક એનર્જીને આકર્ષે છે. લાલગ્રહ(મંગળ)માંથી નીકળતા તરંગો મનુષ્યજીવનને અવશ્ય અસર કરે છે. મંગળ તરંગો સકારાત્મક ગુણોને વધારી દે છે અને નકારાત્મક ગુણોનો નાશ કરે છે.
3) હનુમાન ચાલીસા કે હનુમાનમંત્રમાં મંત્રનું અલૌકિક વિજ્ઞાન કામ કરે છે. મંત્રમાં બે અક્ષર હોય છે – ‘મન’ જેનો અર્થ છે વિચારવું અને ‘ત્ર’ નો અર્થ છે મુક્ત કરવું. આમ મંત્રનો અર્થ થાય છે એક વિચાર જે મુક્ત કરે. ધર્મોમાં મંત્રને મુક્તિનો કારક માન્યો છે. એટલે મંત્રથી જીવની શક્તિમાં વધારો થાય છે, મંત્ર મનુષ્યને દુઃખમુક્ત કરવાની શક્તિ ધરાવે છે. મંત્ર પવિત્ર નામો અથવા શ્રુતિઓનો એક એવો સમૂહ છે જેની વિશિષ્ટ સંરચના લોહચુમ્બકની જેમ આધ્યાત્મિક શક્તિને આકર્ષે છે. મંત્રમાં સર્જન તેમજ વિનાશ કરવાની શક્તિ છે. જો કોઈ મંત્ર પવિત્રતાપૂર્વક, સાચી રીતે અને આનંદપૂર્વક બોલવામાં આવે તો તમે જેને બોલાવો છો તે અસ્તિત્વને તમારા તરફ આકર્ષિત કરે છે. મંત્રોનું ઉચ્ચારણ આધ્યાત્મિક શક્તિઓને અંતરમાં કેન્દ્રતી કરે છે અને પરિણામે કુંડલીની શક્તિ (નિષ્ક્રિય સુષુપ્ત શક્તિ) જાગૃત થાય છે. મંત્રોચારની પ્રક્રિયા નિયમિત અને અવિરત કરવામાં આવે તો ત્રીજું નેત્ર ઉઘડે છે એટલે કે મુક્તિ કે મોક્ષનો પ્રવેશદ્વાર ખોલી આપે છે. મંત્ર આત્માને દુનિયાની દોડધામમાંથી બહાર લાવી નિમ્ન સ્વત્વને ઉચ્ચ સ્વત્વ સાથે જોડી આપે છે.
૪) સિંદૂર, ચમેલી, આંકડાનું વિજ્ઞાન – સિંદૂર હનુમાનજીને ખૂબ પ્રિય છે તેની પાછળ એક કથા છે. એક દિવસ સીતામાતા સેંથામાં સિંદૂર પૂરતા હતા હનુમાનજી એ પૂછ્યું માતા આ શું કરો છો અને શા માટે કરો છો? સીતાજીએ કહ્યું આનાથી શ્રીરામ ખુશ થાય છે અને તેમનું આયુષ્ય વધે છે. જેથી હનુમાનજીએ સમગ્ર શરીરે સિંદૂર લગાવ્યુ જેની પાછળ એમનો હેતુ એ હતો કે શ્રીરામ પ્રસન્ન થાય, અમર બની જાય અને શ્રીરામનો પ્રેમ તેમને અવિરત મળતો રહે. આજે પણ હનુમાનજી સિંદૂરથી વિશેષ પ્રસન્ન થાય છે કેમ કે તેમના મતે સિંદૂર શ્રીરામને પ્રિય છે. આંકડાના ફૂલ હનુમાનજીને પ્રિય છે. આંકડા દ્વારા પ્રભુની પૂજા કરવાથી, માળા ચઢાવવાથી અનેક પ્રકારની વ્યાધિ દૂર થાય છે. હનુમાનજીને ચમેલીનું ફૂલ પણ પસંદ છે. આંકડાના છોડનું દરેક અંગ એક દવા છે ઔષધિ સમાન છે. તે બહાર નીકળેલા પેટને ઓછું કરે છે. વધેલી ચરબીને ૨૧ દિવસમાં દૂર કરે છે. તેનું દૂધ ખરી ગયેલા વાળને ફરી ઉગાડી શકે છે. આંકડો એ શ્રવણ નક્ષત્રના સમયનું આરાધ્ય વૃક્ષ ગણાય છે. આંકડાના મૂળને પાણીમાં ઘસી લગાવવાથી નખના રોગ મટે છે. તેને ગોળમાં મેળવી ખાવાથી શીત જવર શાંત થાય છે. ગઠીયાનો રોગ તેનાથી દૂર થાય છે. તેનાથી હૈજાનો રોગ દૂર થાય છે. ખંજવાળમાં પણ તે ઉપયોગી છે. આંકડાનો દરેક ભાગ સૂર્ય સમાન તીવ્ર અદભુત અને ઉપયોગી છે. આકડાના પાંદડાથી સોજા દૂર થાય છે. ઘા પર મૂકવાથી રૂઝ આવે છે. આંકડાના પાંદડાને ઠંડા પાણીમાં મૂકી રાખી તેનો ઉપયોગ કરવાથી એસિડિટી દૂર થાય છે. સંધિવા માટે પણ તે ઉપયોગી છે. આકડાનું દૂધ પગમાં લગાવવાથી દુખતી આંખમાં રાહત મળે છે.
૫) લાડુ, તેલ, શ્રીફળ વગેરેનું વિજ્ઞાન – લાડુનો આકાર ગોળ હોય છે અને ગોળ આકારમાં પૃથ્વીતત્વ વધુ હોય છે જેથી પણ લાડુનું વિશેષ મહત્વ છે. પરંતુ લાડુ માવાના નહિ, ચોખા, ગોળ, ઘી કે નારિયળના હોવા જોઈએ. આયુર્વેદના મતે ચોખા શ્રેષ્ઠ ધાન્ય છે. શક્તિ અને બુદ્ધિ બંને વધારે છે. જ્યારે ઘી પરમ પિત્તનાશક છે. ગોળ શક્તિદાયક છે, ચોખા સાથે નાળિયેર એક સમતોલ ઔષધિયુક્ત પૌષ્ટિક આહાર બને છે. કોપરાપાક રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શરીરમાં સપ્તધાતુને વધારી હૃદય પુષ્ટ કરે છે અને દુર્બળતાને દૂર કરે છે. પૂજામાં શ્રીફળ મૂકવાથી મંત્રોની અસર પાણી પર ઝડપથી થાય છે. શ્રીફળમાંનું પાણી હકારાત્મકતાને સંગ્રહે છે અને સર્વનું કલ્યાણ શક્ય બને છે. દરેક ગ્રહોની માનવજીવન પર ઊંડી અસર પડે છે. શનિને કલેશ-કંકાસ કરવાની શક્તિ કહે છે. તેલવાળી વસ્તુમાં આવી શક્તિ શોષાય છે. જેથી હનુમાનજીની પૂજામાં તેલનો ઉપયોગ અતિ વૈજ્ઞાનિક છે.
6) હનુમાનજીની ઉપાસનામાં તુલસીદલનું પણ અનેરૃ મહત્વ છે જેની વૈજ્ઞાનિક અગત્યતા પણ અનેકગણી છે તુલસીની શુધ્ધતા અને પવિત્રતા પાછળનું વિજ્ઞાન પણ જાણવા જેવું છે. તુલસીને આયુર્વેદમાં કફ અને વાયુનાશક તરીકે ઓળખવામાં આવે છે. તુલસીના સ્પર્શથી આજુબાજુનું વાયુમંડળ શુધ્ધ થાય છે. તુલસી 24 કલાક ઓક્સિજન આપી કાર્બન ડાયોક્સાઈડ શોષી લે છે. તુલસી જંતુનાશક છે. તુલસીમાં રહેલું એસ્કોર્બિક એસિડ વાતાવરણમાંનો ભેજ શોષી લે છે અને વાતાવરણને સૂકુ બનાવે છે. જેથી મચ્છરનો ફેલાવો અટકે છે. કેમકે આપણે જાણીએ છીએ મચ્છરોને ભેજવાળું વાતાવરણ વધુ માફક આવે છે. ભોજન કર્યા પછી ભોજનમાં રહેલી અશુદ્ધિઓથી શરીરમાં ઉત્પન્ન થતા વિષદ્રવ્યોને તુલસી દૂર કરે છે. તે વિષનાશક પણ છે. જેથી જમતા પહેલા ચાર-પાંચ તુલસીના પાન ખાવા આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે. તુલસી એક દિવ્ય ઔષધિ વૃક્ષ છે. તેના દ્વારા કેન્સર, શરદી, મેલેરિયા, ચેપી રોગોને દૂર કરી શકાય છે. તુલસીમાં રહેલી આવી વિશિષ્ઠ શક્તિને લીધે જ તે પૂજનીય છે.
અંતે સૌથી મહત્વની વાત હનુમાનજીને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિના દાતા કહે છે એટલે પ્રશ્ન થાય કે કઈ આઠ સિદ્ધિ અને કંઈ નવનિધિ કે જે મનુષ્યજીવનમાં ઉપયોગી છે અને તેનું મહત્વ શું છે? સૌ પહેલા આઠ સિદ્ધિઓને સમજીએ..
૧) અણીમાં – એટલે સૂક્ષ્મથી સૂક્ષ્મ બનવાની શક્તિ (વ્યવહારિક દ્રષ્ટિએ અણીમા એટલે સમગ્ર બ્રહ્માંડમાં વ્યક્તિગત અસ્તિત્વ ખૂબ સૂક્ષ્મ છે, જેથી તેની ઊંડી સમજણ સાથે ખૂબ વિનમ્ર, સામાન્ય અને સૂક્ષ્મ બનીને જીવવું. બિનજરૂરી અહંકાર ન કરવો)
૨) મહિમા – એટલે વિરાટ બનવાની શક્તિ (વ્યવહારિક દ્રષ્ટિએ મહિમા એટલે વિરાટ હૃદયવાલા બનવું. જેમાં સર્વ સમાઈ શકે એટલી વિશાળતા રાખવી. દરેકને પ્રેમ કરવો, જીવમાત્ર પર દયાભાવ રાખવો, રાગ-દ્વેષ, પોતાના અને પારકા જેવા દ્વંદમાંથી મુક્ત થવું. દરેકનો વિશાળ હૃદયે પ્રેમપૂર્વક સ્વીકાર કરવો
૩) ગરિમાં – એટલે પોતાની જાતને ભારેભરખમ બનાવવાની શક્તિ (વ્યવહારિક દ્રષ્ટિએ પોતાની જાતને ભારેભરખમ બનાવવાની શક્તિ એટલે સ્થિતપ્રજ્ઞ બનવું. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં, બિનજરૂરી પ્રભાવિત થવું નહીં, આમથી તેમ પત્તાની જેમ ફંગોળાતા રહેવું નહીં. ધ્યેય વગરનું જીવવું નહીં, ઉત્તમ ધ્યેય નક્કી કરવો અને પૂર્ણ ધગસ સાથે તેને વળગી રહેવું)
૪) લધિમા – એટલે ફુલ સમાન હળવા બનવાની શક્તિ (ફુલ સમાન હળવા બનવું એટલે નાહકનો કર્તાનો ભાર વેઠવો કે વહોરવો નહીં. સદગુણો દ્વારા અતિશય ઉદાર અને હળવા બનવું)
૫) પ્રાપ્તિ – એટલે પ્રત્યેક કામનાને પૂર્ણ કરવાની શક્તિ (દરેક ઉત્તમ કામનાની પ્રાપ્તિ માટે અથાક પ્રયત્ન કરવો, ધ્યેય છોડવો નહીં, સંપૂર્ણ શ્રદ્ધા સાથે ઉત્તમને પકડી રાખવું)
૬) પ્રાકામ્ય – આ સિદ્ધિથી ઈચ્છા અનુસાર પૃથ્વીમાં સમાઈ શકાય છે તેમ જ આકાશમાં ઉડી શકાય છે. (જે દ્વારા સમજવું કે કશું જ અશક્ય નથી. આત્માની શક્તિ અદભૂત અને અમર્યાદિત છે. તેને ઓળખી તેનો યથાર્થ ઉપયોગ કરી લેવો.
7) ઈશત્વ – એટલે તમામ પર શાસન કરવાની શક્તિ
૮) વિશત્વ – એટલે કોઈપણને પોતાનામાં વશ શકવાની શક્તિ
આ તમામ શક્તિ હનુમાનજીની ઉપાસના દ્વારા સહજતાથી પ્રાપ્ત થાય છે જેની જરૂર મનુષ્ય જીવનમાં ડગલે ને પગલે પડે છે.
આ ઉપરાંત નવનિધિ એટલે કે પદમ, મહાપદમ, શંકર, મકર, કચ્છપ, મુકુંદ, કુંદ, નીલ અને ખર્વ. આ નવનિધિને આધ્યાત્મિક રીતે નવધાભક્તિ (શ્રવણ, કીર્તન, સ્મરણ, આત્મનિવેદન, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય અને સખ્ય) એ રીતે પણ ઓળખવામાં આવે છે. આમ નવધાભક્તિ એ જ નવનિધિ છે. વ્યવહારિક કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નવનિધિને થોડી જુદી રીતે પણ સમજી શકાય જેમ કે નવનિધિ એટલે નવ વિશિષ્ટ ગુણો જે નીચે મુજબ છે.
૧) કરુણાનિધિ – એટલે જીવમાત્ર પર જેને દયા હોય.
૨) વિદ્યાનિધી – વિદ્યા બે પ્રકારની હોય પરાવિદ્યા અને અપરાવિદ્યા. પરાવિદ્યા એટલે પરમાત્માની વિદ્યા કે જેના દ્વારા આત્મા-પરમાત્માનો ફર્ક સમજાય તેમજ શરીર અને આત્મા જુદા છે એવું સાચું જ્ઞાન થાય. પરાવિદ્યા સિવાયની તમામ માહિતી જે પૈસા કમાવવામાં ઉપયોગી છે તેને અપરાવિદ્યા કહેવાય. .
૩) ગુણનીધી – જે સત્ય, અહિંસા, પ્રેમ, સદભાવ, નિસ્વાર્થી, દયા, પ્રમાણિકતા, શિસ્તસભર અને મૂલ્યવાન હોય તેવો સદગુણોના ભંડાર સમાન વ્યક્તિ.
૪) શીલનિધી – એટલે ઉત્તમ ચરિત્રની માલિક હોય તે.
૫) બલનિધી – શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બળ ધરાવતી સંપૂર્ણ સ્વસ્થ અને આરોગ્યવાન વ્યક્તિ.
૬) વિવેક્બળ:- એટલે કે જેનામાં અહંકાર બિલકુલ ન હોય તે.
૭) જ્ઞાનનિધી – જેનું જીવન ભક્તિપૂર્ણ હોય અને જેને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા હોય.
૮) વૈરાગ્ય નિધિ – શાસ્ત્રોની સલાહ છે કે તમારી પાસે જે કઈ છે તે ઈશ્વરની માલિકીનું છે. આપણે તો માત્ર ભાડુઆત છીએ. જેથી દરેક વસ્તુને ત્યાગીને ભોગવવી. આમ જે સરળતાથી છોડી શકે, ત્યાગી શકે કે અન્યને પોતાની વસ્તુ આપી શકે તે સાચો વૈરાગ્યનિધિ સભર માણસ.
૯) કલાનિધિ – કોઈપણ પ્રકારની વિશિષ્ટતા કે કલા ધરાવતો માણસ.
હનુમાનજીમાં ઉપર પ્રમાણેની આઠ સિદ્ધી અને નવ નિધિ છે જેની બેહદ આવશ્યકતા મનુષ્યને જીવનમાં ડગલે ને પગલે પડે છે. જેના દાતા હનુમાનજી છે. તો આવો હનીમાનજયંતીના પાવન દિને આઠ સિદ્ધી અને નવ નિધિની પ્રાપ્તિના શપથ લઇ હનુમાનજીની યથાર્થ ઉપાસના દ્વારા જીવનને સાર્થક કરીએ.
શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ


















































