“ન સમજ પડે તો શા માટે વચ્ચે બોલ બોલ કર્યા કરો છો? બેઠા રહોને છાનામાના!”
મોટો દીકરો વિકાસ નાના દીકરા વિરેન સાથે વેપાર વિશે ચર્ચા કરી રહ્યો હતો, જ્યારે એમના પપ્પાએ વચ્ચે કાંઈક સલાહ આપી, ત્યારે વિકાસે એમને ઠપકો આપ્યો. પપ્પાને વિકાસની આ વર્તણૂક જોઈ દુઃખ થયું, અને વિરેનને પણ ન ગમ્યું.
“ભાઈ, એક વાર પપ્પાની વાત સાંભળી તો લ્યો, કદાચ કાંઈ સારી યોજના મળી જાય.”
“વિરેન, પપ્પાની બધી યોજના જૂનવાણી હોય છે, મને એ સાંભળીને ટાઈમ વેસ્ટ નથી કરવો.”
પપ્પા ચૂપચાપ અંદર જતા રહ્યા.
થોડા સમયથી આ જ ચાલતું આવ્યું હતું અને વિકાસ હમેશા આટલી જ કઠોરતાથી વાત કરતો. મોટો જેટલો ગરમ અને અસભ્ય હતો, નાનો એટલો જ પ્રેમાળ અને આદરણીય… પપ્પાને કંઈ પણ કામ હોય, તો એ વિરેનને જ કહેતા અને બની શકે તેટલું વિકાસથી દૂર રહેતા.
વિકાસને સમજણ પડી ગઈ કે પપ્પા એનાથી દૂર રહે છે, પણ એણે આ વાત પર વધુ ધ્યાન ન આપ્યું.
એક રાતે વિકાસ મમ્મી-પપ્પાના રૂમ પાસેથી પસાર થયો, અને એ લોકોની વાતચીત સાંભળતા રોકાઈ ગયો. મમ્મી પપ્પાને કહી રહ્યા હતા,
“આ ચશ્મા તો તૂટી ગયા. વિકાસને કહેજો ને, કાલે બનાવી લાવે.”
“ના હું વિરેનને આપીશ, એ રિપેર કરાવી લાવશે. મારે વિકાસને નથી વતાવવો.”
પપ્પાના આ વેણ આખી રાત વિકાસના કાનમાં ભણકારા કરતા રહ્યા, અને નાના ભાઈથી ઈર્ષા થઈ. સવારે એ વિરેનના રૂમમાં જઈને તેના પર વરસી પડ્યો,
“તારામાં એવા ક્યાં હીરા ટાંગેલા છે, કે પપ્પા તને વધારે પસન્દ કરે છે? ઉલ્ટાનું, મોટો દીકરો અને વારસદાર હું છું.”
વિરેન નરમાશથી બોલ્યો,
“ભાઈ તમે કેમ ઊંધું વિચારો છો? એવું કાંઈ નથી.”
વિકાસ વધુ ક્રોધિત થયો,
“તું કહે એટલે?! મને શું દેખાતું નથી? હું શું આંધળો છું?”
“અગર તું આંધળો નથી, તો તને તારી પોતાની વર્તણૂક કેમ નથી દેખાતી?”
પપ્પાએ દરવાજામાં ઉભા ઉભા પૂછ્યું. બન્ને ભાઈ એક સાથે ફર્યા, અને પપ્પા સામે જોયું. વિકાસ ઉત્તેજિત થતા બોલ્યો,
“તમે કહેવા શું માંગો છો? મારી વર્તુણુંકમાં શું ખરાબી છે? તમને અને મમ્મીને પાણી માંગતા દૂધ આપું છું, બીજું શું જોઈએ છે?”
પપ્પા અંદર આવ્યા અને ધીમેથી કહ્યું,
“માન !! ઈજ્જત અને પ્રેમના બે શબ્દ. પછી ચટણી રોટલો આપીશ, તો એ એમાંથી છપ્પનભોગનો સ્વાદ આવશે.”
વિકાસ સુન્ન થઈ ગયો. અવાજ ગળામાં અટકી ગયો. દોષી હોવાની ભાવના માંથી બહાર આવીને કંઈ બોલે, એ પહેલાં પપ્પા રૂમમાંથી જવા લાગ્યા. પણ પાછા ફરીને બોલ્યા, જાણે કાંઈક પછીથી યાદ આવ્યું હોય,
“કદાચ મારામાં જ કાંઈ કમી હશે. કારણકે માન તો કમાવવું પડે. એમનેમ ન મળે.”
વિરેન આગળ વધ્યો અને પપ્પાનો હાથ પકડીને એમને જતા અટકાવ્યા.
“પપ્પા પ્લીઝ અંદર આવીને બેસો. નિરાશ ન થાવ. ભાઈ દિલનો સારો છે, બસ થોડો કામના બોજ હેઠળ દબાયેલો છે. અને તમારામાં કાંઈ કમી નથી. તમે અમારા પપ્પા છો. તમારી ઈજ્જત અમે નહીં કરીશું, તો કોણ કરશે?”
નાના ભાઈની વિનમ્રતા જોઈને વિકાસની આંખો શરમથી નમી ગઈ. પાછલા કિધેલા પોતાના જ કડવા વેણ હૃદયમાં ખૂંચવા લાગ્યા, અને એ પપ્પાના પગમાં પડી ગયો.
“મને માફ કરો પપ્પા. તમે સાચું કહ્યું. માન તો કમાવવું પડે. પૈસો ખૂબ કમાવ્યો, હવે માન કમાવવા પર મહેનત કરીશ.”
પપ્પાના વહેતા આંસુનું કારણ બદલાય ગયું અને એમણે બન્ને દીકરાઓને એક સાથે બાથમાં લઇ લીધા.
શમીમ મર્ચન્ટ


















































