“મનોજવમ્ મારુતતુલ્યવેગમ્
જિતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠમ,
વાતાત્મજમ વાનર યુથ મુખ્યમ,
શ્રી રામદૂત શરણમ પ્રપદ્યે..”
રુદ્રાવતાર, પવન સુત, કેસરીનંદન, આંજનેય, શ્રીરામના પરમ ભક્ત શ્રી હનુમાનજી મહારાજ કળીયુગમાં સાક્ષાત હાજરા હજૂર ચિરંજીવી છે. ભક્ત શિરોમણી હનુમાનજીએ પોતાના હૃદયમાં શ્રીરામને સ્થાપી રાખ્યા છે. અને તેથી જ તે અજર-અમર છે. સેવક ભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એવા શ્રી હનુમાનજીના પ્રાગટ્યની કથા આપણા પુરાણોમાં જોવા મળે છે.
એકવાર ભગવાન શિવજી શ્રીહરિ વિષ્ણુના મોહિની સ્વરૂપને આનંદપૂર્વક ભેટી પડ્યા. આ બંને દિવ્ય વિભૂતિઓ ના આ ભવ્ય આલિંગનથી એક તેજપુંજ પ્રગટ થયો. આ દિવ્ય તેજપુંજ ને પવન દેવ હાથમાં લઈને વિચરણ કરવા લાગ્યા. સુમેરુ પર્વત પર વાનરરાજ કેસરીની ના પત્ની અંજના છેલ્લા બાર વર્ષથી પુત્ર પ્રાપ્તિ માટે શિવ આરાધના કરતા હતા. પવનદેવે ત્યાં જઈને આ તેજ પુંજ તેમના ઉદરમાં સ્થાપ્યો. ત્યારબાદ હનુમાનજી નું પ્રાગટ્ય થયું. આ દિવસ એટલે ચૈત્ર સુદ પૂર્ણિમા. જેને આપણે હનુમાન જયંતી તરીકે ઉજવીએ છીએ.
અંજના માતા પૂર્વકાળમાં પુંજીકસ્થલા નામની અપ્સરા હતી. ઋષિના આ શ્રાપને કારણે તેને પૃથ્વી પર આવવું પડયું હતું. પરંતુ નિવારણ સ્વરૂપે પુત્ર જન્મ પછી તેને અપ્સરા સ્વરૂપ પુનઃ પ્રાપ્ત થયું.અને તેથી તેઓ યથાસ્થાને ગયા. ભગવાન સદાશિવ ના અંશરૂપ બાળ હનુમાન પરમ તેજસ્વી અને અપાર શક્તિશાળી હતા. બાળપણમાં સૂર્યનારાયણને ફળ સમજીને ગ્રસી ગયા હતા, એ કથા તો સુવિદિત જ છે. પોતાની અપાર શક્તિઓ થી બાળ હનુમાન ઋષિઓની પણ પજવણી કરતા હતા. આથી એક વખત ધ્યાનભંગ થયેલા ઋષિએ બાળ હનુમાન ને શ્રાપ આપી દીધો કે, “તમે તમારી બધી જ દિવ્ય અને અપાર શક્તિઓ ભૂલી જશો.” ત્યારબાદ ઋષિએ શ્રાપ નું નિવારણ કરતાં જણાવ્યું કે, સમય આવ્યે તેને તેની આ અપાર શક્તિઓ નું સ્મરણ કરાવવામાં આવશે તો તે પૂર્વવત શક્તિમાન બની જશે. આપણે સૌ જાણીએ છીએ કે સીતા માતાની ભાળ મેળવવા માટે તથા લંકા પહોંચવા માટે જામવંતજીએ હનુમાનજીને તેમની આ અપાર શક્તિઓ એ યાદ કરાવી હતી.
મહારાજ કેસરી એ હનુમાનજીને શિક્ષા-દીક્ષા માટે સૂર્ય લોકમાં સૂર્યનારાયણ પાસે મોકલ્યા. ત્યાંથી તેમણે અતુલિત બળ, અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ પ્રાપ્ત કર્યા. ભગવાન શ્રી હરિએ પૃથ્વી પર શ્રીરામ તરીકે અવતાર ધારણ કર્યો, ત્યારે રામના વનવાસ દરમિયાન આ ભક્ત શિરોમણી સાથે ભગવાન શ્રીરામનું અદભૂત મિલન શક્ય બન્યું. તેમની મદદથી સુગ્રીવ સાથે મિત્રતા થઈ. અને પછીથી વાનર સેનાની મદદથી લંકા પર ચઢાઈ કરીને શ્રીરામે રાવણ, કુંભકર્ણ જેવા અસુરોને મારીને ત્રણેય લોક ને અસુરોના ત્રાસ થી મુક્ત કર્યા. સીતામાતાની ભાળ મેળવવામાં પવનપુત્ર નો અમુલ્ય ફાળો છે, જેણે રામને પણ ઋણી રાખ્યા છે.
આજે હનુમાન જયંતીના દીવસે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સંકટમોચન હનુમાનાષ્ટક તથા સુંદરકાંડના પાઠ દ્વારા શ્રી હનુમાનજી મહારાજને રીઝવવાનો પ્રયાસ કરીએ. શ્રી હનુમાનજી મહારાજ કી જય…
હર્ષા ઠક્કર
Related