આયુષના પપ્પા દાદાજી જોડે નાનકા આયુષની બાબરી માટે તૈયારી કરતા કહેવા માંડ્યા, “પિતાજી ખરી વાત તો એ છે કે હાલની આ કોરોનાની પરિસ્થિતિ ખૂબ જ વણસી રહી છે તો સૌ સંબંધીઓને બોલાવવા એ તો દૂરની વાત છે પણ શું પિતાજી બધાને ફોન કરીને જણાવવું પણ નહીં!?”
દાદાજી જવાબ આપે એ પહેલાં જ “પપ્પા પપ્પા, આપણે એમ કરીએ તો કે બધા જ સગા-સંબંધીઓ આપણા જે હોય એમને નોટીસ ફટકારી દેવાની અને ફોન કરીને કહી જ દેવાનું કે તમારે આવવું હોય તો આવો નહીં તો કોરોનાની બિમારીમાં હેરાન થઈ જાજો” મસ્તી કરતા કરતા આયુષ કહેવા માંડ્યો.
તરત જ દાદાજીએ આયુષના માથે ઠપકી મારતા હસતા હસતા કહેવા માંડ્યા, “હજી ડહાપણની દાઢ તો ફૂટી નથી ને શું કામ તું ખોટી નાહક સલાહો આપવા માંડ્યો છે બેટા!” તરત જ આયુષ ઉભો થઈ જીદ કરતો એના પપ્પાને કહેવા માંડ્યો, “પપ્પા તમે મને આપણી સોસાયટીના નાકે જે હેર સલૂન છે ને ત્યાં લઈ જઈને મારૂ માથું ટકુ કરાઈ દેજો એટલે કોઈનેય બોલાવવા ના પડે અને આ દાદાજી મને ડહાપણની દાઢ કહી ચીડવે છે એ ચીડવતા બંધ થઈ જાય.”
સંકેત વ્યાસ “ઈશારો”


















































