બે કલાક પછી પણ એ હાંફી રહી હતી. આસાન નહોતું. એક લાંબી ઠંડી શ્વાસ ભરતા નીરજાને આભાસ થયો અને એણે પોતાની જાતને પ્રશ્ન કર્યો,
“આ કાર્ય કરવાથી હવે મારૂ જીવન સહેલું થશે ..? કે પછી મે મારા માટે મુશ્કેલીઓનું એક વમળ ઊભું કરી નાખ્યું છે?”
ઉલમાંથી ચુલમાં ! કહેવત યાદ આવતાં જ એનાં ચહેરા પર સ્મિત આવી ગયું અને એ સ્મિત વહેતા આસું સાથે ભળી ગયું. આસપાસ આખા રૂમમાં નજર ફેરવી. કાચની પ્લેટો જમીન ઉપર તૂટેલી પડી હતી અને જમવાનું બધું વેરવિખેર થઈ ગયું હતું. ખુરશીઓ દીવાલ સાથે અથડાયેલી હતી અને તકિયા જેમ તેમ, જ્યાં ત્યાં પડ્યાં હતાં. આલ્કોહોલની ખાલી બોટલ સોફાની નીચે સરકી ગઈ હતી.
નીરજા કટાક્ષમાં ફરી હસી પડી અને ખાલી રૂમમાં એકલા બેઠા બેઠા એ જોરથી બોલી, “મારા જીવનની ઉથલ-પાથલ આનાથી પણ વધુ ખરાબ હતી. હવે એના થી વિશેષ શું થશે?”
અરીસા સામે નજર પડી અને એને પોતા પર દયા આવી. આખું શરીર મારના નિશાનોથી ભરેલું હતું. કોઈ જુના, તો કોઈ તાજા. આંખ પાસે ના જખમમાં થી લોહી વહીને ગાલ ઉપર જામી ગયું હતું.
લગ્નના દસ વર્ષ ત્રાસથી ભરેલા હતા. પ્રેમ તો દુરની વાત છે. મહેશે ક્યારે એને સમજવાનો પ્રયત્ન ન કર્યો અને ન ક્યારેય સહાનુભૂતિ બતાવી. બાળકની તો કોઈ અપેક્ષા જ નહતી.
જમીન ઉપર ઢળી પડેલા મહેશનું સફેદ શર્ટ આખું લાલ થઈ ગયું હતું. એની મરેલી ખુલ્લી આંખમાં ડર જોઈને, નીરજાને એક જુદી પ્રકારની શાંતિનો અનુભવ થયો. જાણે આજની પહેલા એને ખબર અ જ નહોતી કે ખુશી કોને કહેવાય. છેવટે આજે એની દરેક વેદનાને અલ્પવિરામ મળ્યું.
કૉલ તો બહુ પહેલા કરી નાખ્યો હતો. હાથમાં બંધ ફોનની સામે જોઇને બોલી,
“જલ્દી આવો અને મને લઈ જાવો.”
ઊભી થઇ, અને જ્યાં છરી અને ફોન ટેબલ પર મુકવા ગઈ, ત્યાં ડોર બેલ વાગી.
“હાશ! હવે શાંતિથી જેલમાં બેસીને મારી આત્મકથા લખીશ.”
Related